લુઈસ હેમિલ્ટન : ફોર્મ્યુલા વન કાર રેસિંગનો માઈલસ્ટોન મેન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 7 November 2020

લુઈસ હેમિલ્ટન : ફોર્મ્યુલા વન કાર રેસિંગનો માઈલસ્ટોન મેન


સ ફળતાના શિખર ખરેખર તો આકાશ જેવી અનંત ઉંચાઈ ધરાવે છે, જેની ટોચ સુધી પહોંચવાના સ્વપ્ન સાથે શરુ થનારી સફર વિવિધ મૂકામ પર જઈને અટકી જતી હોય છે. એકાદ-બે સફળતાને જીવનભરની ઉપલબ્ધી માનીને બેસી રહેવાનો ખ્યાલ પણ વિરલ પ્રતિભાઓના મનમાં ક્ષણ માટે પણ પ્રગટ થતો નથી. આ જ કારણે તેઓ પોત-પોતાના ક્ષેત્રમાં એટલી ઊંચાઈને હાંસલ કરે છે, કે બીજાઓ માટે તે માપદંડ રુપ બની જાય છે. 

વિશ્વની હાઈપ્રોફાઈલ કાર રેસિંગની દુનિયામાં ફોર્મ્યુલા વનનું સ્થાન સર્વોચ્ચ છે. એડવાન્સ ટેક્નોલોજીની કુશળતાની સાથે સાથેના તેના સંચાલન પર નિયંત્રણનું કૌશલ્ય ધરાવતા ફોર્મ્યુલા વનના કાર રેસરોમાં બ્રિટનના ૩૫ વર્ષના સુપરસ્ટાર લુઈસ હેમિલ્ટને વિશિષ્ટ સ્થાન મેળવી લીધું છે. છેલ્લા ૧૭ વર્ષમાં વિશ્વભરના ફોર્મ્યુલા વન કાર રેસિંગ ટ્રેકને ઘમરોળી ચૂકેલા બ્રિટીશ રેસરે તેની પ્રતિભાને નવો વિસ્તાર આપ્યો છે. જેના કારણે આજે તેનું નામ તેના જ એક સમયના આદર્શ એવા જર્મન લેજન્ડ માઈકલ શૂમાકરની હરોળમાં લેવામાં આવી રહ્યું છે.

આજથી ૧૪ વર્ષ પૂર્વે માઈકલ શૂમાકરે ફોર્મ્યુલા વન ચાઈનીઝ ગ્રા પ્રિમાં વિજય મેળવતા કારકિર્દીની ૯૧મી સ્પર્ધા જીતવાનો રેકોર્ડ સર્જ્યો હતો. શૂમાકરની સિદ્ધિને તે સમયે એક અતૂટ રેકોર્ડ તરીકે જોવામાં આવતી હતી. જોકે, દરેક રેકોર્ડ તુટવા માટે જ સર્જાય છે અને આ જ વિકાસયાત્રાનો એક માપદંડ પણ છે. હેમિલ્ટને પોર્ટુગીઝ ગ્રાં પ્રિમાં કારકિર્દીની ૯૨મી રેસ જીતવાની સાથે અનોખો કીતમાન સ્થાપિત કરતાં શૂમાકરને પાછળ રાખી દીધો છે. હેમિલ્ટનની આગળ વધી રહેલી સફર તેની વ્યક્તિગત સિદ્ધિઓની સાથે સાથે ફોર્મ્યુલા વન કાર રેસિંગમાં ડગ માંડનારા યુવાનો માટે વધુ મુશ્કેલ પડકારનું સર્જન કરી રહી છે. 

હવા સાથે ઓછામાં ઓછું ઘર્ષણ થાય અને શક્તિશાળી એન્જિનથી કાર રેસરને મહત્તમ સ્પીડ મળી શકે તે માટે વિશેષ પ્રકારની એરોડાયનેમિક ડિઝાઈન ધરાવતી ફોર્મ્યુલા વન કાર સામાન્ય રીતે સવા ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જોકે, ફોર્મ્યુલા વનના રેસ દરમિયાન કારની સરેરાશ ઝડપ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની રફતાર પર પહોંચી જાય છે. આ ઝડપ જેટલો રોમાંચ આપનારી છે, તેટલી જ જોખમી પણ છે અને જાંબાઝીના આ ખેલમાં હેમિલ્ટને વર્ષોની મહેનત અને અથાગ પરિશ્રમને સહારે કુશળતા હાંસલ કરી લીધી છે. શૂમાકરનો સૌથી વધુ ગ્રાં પ્રિ જીતવાનો રેકોર્ડ તોડયા બાદ હેમિલ્ટન હવે સાતમી વખત ફોર્મ્યુલા વન રેસર્સ ચેમ્પિયનશિપ જીતવાના શૂમાકરના રેકોર્ડની બરોબરી કરવાના આરે પહોંચી ગયો છે.

ફોર્મ્યુલા વન કાર રેસિંગમાં ઐતિહાસિક શિખરોને રમતાં-રમતાં સર કરી રહેલા હેમિલ્ટનને તેની મસડિસ ટીમે વધુ ત્રણ વર્ષ માટે કરારબદ્ધ કર્યો છે અને તેને પ્રતિ વર્ષ અંદાજે ચાર કરોડ પાઉન્ડ (આશરે પોણા ચારસો કરોડ રુપિયા)નો અધધધ પગાર ચૂકવાશે. જેના કારણે વિશ્વના સૌથી વધુ કમાણી કરતાં સ્પોર્ટ્સ સ્ટાર્સમાં હેમિલ્ટનને પણ એલિટ ગ્રૂપમાં સ્થાન મળી ચૂક્યું છે. કાર રેસિંગની કુશળતાએ હેમિલ્ટનને ભારે નામ અને દામ અપાવ્યા છે. સુપરસેલિબ્રિટીસમાં સ્થાન ધરાવતા હેમિલ્ટનની રેસિંગ પ્રતિભાને ઘણા ખાડા-ટેકરા અને ધૂળિયા રસ્તાઓ પાર કરવા પડયા છે, પણ દરેક વેળાએ તે ચેમ્પિયન બનીને બહાર આવ્યો છે.

લંડનની નજીક આવેલા સ્ટીવનએજમાં લુઈસ હેમિલ્ટનનો જન્મ થયો હતો. અશ્વેત પિતા એન્થોની અને શ્વેત માતા કારમેનનો સહિયારો પ્રેમ લુઈસને મળી ન શક્યો, કારણ તેના આગમનના બે વર્ષ બાદ તેમણે છૂટા પડવાનું નક્કી કર્યું. નાનકડા લુઈસને તેની માતાએ ઉછેર્યો. જોકે આ દરમિયાન તેના પિતા એન્થોનની તેને વારે-તહેવારે મળવા આવતા રહેતા. લુઈસ પાંચ વર્ષનો હતો, ત્યારે તેના પિતાએ તેને રિમોટ કન્ટ્રોલ કાર ભેટમાં આપી અને અહીંથી તેની રેસિંગની સફરની શરુઆત થઈ. ત્યાર પછીના વર્ષે એન્થોનીએ પુત્રને ગો કાર્ટ ભેટમાં આપી અને આ નાનકડી ગિફ્ટે તેના દિલો-દિમાગ પર કબજો જમાવી દીધો. 

બ્રિટનમાં રિમોટ કન્ટ્રોલ કારની વિવિધ રેસિંગ સ્પર્ધાઓ યોજાતી હોય છે અને તેમાં લુઈસે પણ ભાગ લેવાનું શરુ કર્યું. ધીરે ધીરે તે આ કારના સંચાલનમાં એટલો કુશળ બની ગયો કે, ભલભલા યુવાનોને પણ પછાડવા માંડયો. ગો-કાટગની રેસમાં પણ તેણે ટૂંકા ગાળામાં ઘણું બધુ શીખી લીધું હતુ. શાળા જીવન દરમિયાન આત્મરક્ષા માટે કરાટેની તાલીમ મેળવનારા લુઈસે ફૂટબોલ અને ક્રિકેટમાં પણ રસ દાખવ્યો. 

જોકે, રેસિંગ તેની પહેલી પસંદગી હતી. આજથી બે-ત્રણ દાયકા પૂર્વે ઈંગ્લેન્ડની રેસિંગ કલબોમાં ગોરાઓનું પ્રભુત્વ હતુ. જ્યારે ઈંગ્લેન્ડની શ્વેત માતાનો પુત્ર હોવા છતાં લુઈસનો વાન તેના પિતાના રંગે રંગાયેલો હતો અને આ કારણે તેનું બોન્ડિંગ તેની માતા કરતાં પિતાની સાથે વધુ હતું. રેસિંગ કલબોમાં વંશિય ભેદભાવનો સામનો કરી ચૂકેલા લુઈસે ૧૨ વર્ષની ઉંમરે માતાનું ઘર છોડી દીધું અને તે તેના પિતાની સાથે તેની સાવકી માતા અને ભાઈ સાથે રહેવા લાગ્યો. એન્થોનીએ આથક મુશ્કેલી છતાં લુઈસની કાર રેસિંગની કારકિર્દીની ગાડીના પૈડાને ક્યારેય અટકવા ન દીધા.

તેમનો આથક સંઘર્ષ રંગ લાવ્યો અને લુઈસની કુશળતાએ ગો-કાટગની ઈવેન્ટમાં બ્રિટનના જ નહી વિશ્વભરના દિગ્ગજોને આકષત કર્યા. માત્ર ૧૬ વર્ષની ઉંમરે લુઈસ હેમિલ્ટનની કાટગની પ્રતિભાએ તે સમયના એફવન સુપર સ્ટાર માઈકલ શૂમાકરને પણ પ્રભાવિત કર્યો હતો અને તેણે તેના ઉજ્જવળ ભવિષ્યની જે આગાહી કરી હતી તે ૧૯ વર્ષ બાદ સાચી પડી રહી છે.

વિન્ટર કાર રેસિંગથી માંડીને ફોર્મ્યુલા થ્રીના રેસિંગ ટ્રેક ગજવનારા હેમિલ્ટને ૨૧ વર્ષની ઉંમરે ફોર્મ્યુલા વન કાર રેસિંગની દુનિયામાં ડગ માંડયા હતા. શૂમાકરનો સિતારો અસ્તાચળે હતો અને ફોર્મ્યુલા વન નવા સ્ટારની તલાશમાં હતુ, ત્યાં હેમિલ્ટને ચમકારો દેખાડયો. લુઈસે ફોર્મ્યુલાવન કાર રેસિંગમાં તેની પહેલી જ સિઝનમાં સનસનાટી મચાવતા બીજું સ્થાન હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો અને બીજા વર્ષે રેસર્સ ચેમ્પિયનશિપ જીતીને એફવનમા પદાર્પણ બાદ ટૂંકા ગાળામાં ચેમ્પિયનશિપ જીતનારા વિશિષ્ટ રેસર તરીકેની સિદ્ધિ તેણે પોતાના નામે કરી હતી.

ફોર્મ્યુલા વનમાં વાષક રેસર્સ ચેમ્પિયનશિપમાં હેમિલ્ટનનો છેલ્લા ત્રણ વર્ષથી દબદબો છે અને આ વર્ષે સળંગ ચોથું અને સાતમું ટાઈટલ જીતવાના આરે તે પહોંચી ગયો છે. રસપ્રદ રેકોર્ડ એ છે કે, લુઈસ છેલ્લી સાતમાંથી છ ચેમ્પિયનશિપ જીતી ચૂક્યો છે. જ્યારે એકમાત્રમાં તે રનર્સઅપ બન્યો હતો. ફોર્મ્યુલા વનના આ સિતારાની સફર તેના સ્પોર્ટ્સને કેટલી ઊંચાઈ સુધી લઈ જાય છે, તે જોવું ભારે રસપ્રદ બનશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k79w1l

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages