મારે પણ વેકેશન જોઈએ છે ! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 7 November 2020

મારે પણ વેકેશન જોઈએ છે !

- દીકરી પરણી ગઈ, દીકરો ગુજરાત સરકારમાં ઉચ્ચ હોદ્દા પર છે. વિચાર્યું કે વહુ આવશે પછી થોડો આરામ મળશે.. પણ એ ય નશીબમાં ક્યાંથી ? દીકરાએ સાથે જ નોકરી કરતી યુવતી પસંદ કરી. વહુની મદદ મળવાની વાત તો દુર રહી, ઉલ્ટાનું એનું લંચ બોક્સ તૈયાર કરવાનું કામ વધ્યું !


જ લ્પા બરાબરની ધૂંધવાઈ. છેલ્લાં ત્રણ વર્ષથી આવું જ થાય છે. દીવાળી વેકેશન હોય કે ઉનાળાની રજાઓ હોય. કોઈને કોઈ કારણસર બહાર રૂરવા જવાનો કાર્યક્રમ કેન્સલ થઈ જ જાય ! અરે ! અરે ! બધાનો નહિ, માત્ર એની એકલીનો જ !

ઘરનાં બધા જ બહાર જઈ શકે છે.

પતિ તો બીઝનેસના કામે અવારનવાર જતા હોય છે. રજામાં એ ઘરે હોય ને જલ્પા ક્યાંક બહાર જવાનું કહે તો, કહેશે 'મારે તો આજે ઘરમાં જ આરામ કરવો છે. અમસ્તો તો બહાર ફરતો જ હોઉં છું ! ક્યાંય નથી જવું, મારા માટે તો રવીવાર એટલે સરસ જમવાનુંને ઊંઘવાનું !'

આ સરસ જમવાનું એટલે ? બહાર હોટેલ કે રેસ્ટોરન્ટમાં નહિ જવાનું હો ! જલ્પાએ ઘરે જ હોટેલની સ્ટાઇલે બનાવવાનું ! બે ત્રણ શાક, સલાડ, મીઠાઈ, ફરસાણ.. ભરચક થાળી જોઈએ. આ તો ગુજરાતી થાળી ! ક્યારેક પંજાબી કે ચાઈનીઝ ડીશ પણ જોઈએ !

દર રવિવારે નવી નવી વાનગીની ફરમાઈશ હોય, આ માટે જલ્પા આગલા દિવસથી તૈયારીમાં લાગી જાય ત્યારે રવીવારે ગરમ ગરમ બ્રેકફાસ્ટ, લંચ, ડીનર વ્યવસ્થિત બનાવી શકે.

માત્ર પતિદેવ નહિ, ઘરનાં દરેક શનિ-રવિની રાહ જોતા હોય,'હાશ ! મજા આવશે જમવાની ! મમ્મી શું ખવડાવશો ? આજે ? એવું લાડથી પૂછતાં હોય, વાનગીનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જતું હોય, સૌના મોં લાળ ટપકાવવા માડે, પણ કોઈના હાથને કામ કરવાની ઇચ્છા ન થાય !' આ તો મમ્મીનું કામ ! મમ્મીને, પત્નીને મદદ કરવી જોઈએ, એવું કોઈને સૂઝે પણ નહિ !

શનિ રવિમાં સૌને મજા જલ્પાને દોડાદોડી ન થાક- આરામ તો બિલકુલ નહિ !

ગૃહિણીને વળી આરામ શાનો ? એ ક્યાં બીઝનેસ કરે છે ? જલ્પાને વળી રજા શાની ? એ ક્યાં નોકરી કરે છે ? નોકરિયાત, બીઝનેસમેન આઠ દશ કલાક કામ કરીને છુટ્ટા, ગૃહિણીથી એમ કાંઈ છુટ્ટા થવાય ? ભલેને આખો દિવસ કામ કરતી હોય !

દીકરી પરણી ગઈ, દીકરો ગુજરાત સરકારમાં ઉચ્ચ હોદ્દા પર છે. વિચાર્યું કે વહુ આવશે પછી થોડો આરામ મળશે.. પણ એ ય નશીબમાં ક્યાંથી ? દીકરાએ સાથે જ નોકરી કરતી યુવતી પસંદ કરી. વહુની મદદ મળવાની વાત તો દુર રહી, ઉલ્ટાનું એનું લંચ બોક્સ તૈયાર કરવાનું કામ વધ્યું !

દીકરો વહુ બન્ને અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરે, એ સવારમાં થોડી મદદ કરે, પણ સાંજે તો સાડાસાત આઠે ઘરે પહોંચે, ત્યાં સુધી રસોડું થોડું રાહ જુએ ? ને વળી એ થાકેલી હોય એટલે સાંજની રસોઈ પણ જલ્પાને માથે ! જો કે ઘરનાં સૌ રસોયણ બાઈ રાખવાનું કહે, ત્રણ ચારના અખતરા કર્યા પણ ફાવે નહિ.

પતિદેવ એકાદ બે દિવસ ખાઈ લે ને પછી કકળાટ માંડે, 'આવું રાંધણું મોઢામાં નથી જતું. તારાથી ન થતું હોય તો હું થોડી મદદ કરાવીશ પણ રસોઈ તો તું જ બનાવજે હોં !'

અથવા તો કહેશે 'અઠવાડિયામાં ત્રણ દિવસ તો મારે બહારનું ખાવાનું હોય, ઘરનું જમવાનું ક્યારે ? કોઈવાર વળી શબ્દોને શણગારે પણ ખરા ! મને તો તારા હાથનું જ ભાવે, તારા જેવી સ્વાદિષ્ટ રસોઈ કોઈની નહિ હોં !' કોઈવાર તો બરાબર માખણ લગાવે ! 'ડાલિંગ હું જમવા બેઠો હોઉં ને તું ગરમ ગરમ ફૂલકા ઉતારતી હોય, એની મજા કોઈ ઓર જ હોં ! રોટલી વણતી વખતે પાટલી વેલણના ખખડાટની સાથે તારી બંગડી પણ રણઝણતી હોય !... આ..હા..હા.. ! ક્રલકામાંય એનો સ્વાદ ઉતરે હોં !'

જલ્પા ન સમજે, એવી કાંઈ ભોટ નથી ! પતિદેવને ઓળખે છે બરાબર ! જાણે છે પતિશ્રી બીઝનેસમેન છે. ભલભલાને શીશામાં ઉતારવાની ફાવટ એનામાં છે. પત્ની તો શું વિસાતમાં ?

... સમજે છે બધું પણ ધીમું મલ્કી દે છે. ગરમ ગરમ જમવાની અપેક્ષા મારી પાસે નહિ રાખે તો કોની પાસે રાખશે ? બાળકો ય મા પાસે લાડ નહિ કરે તો કોની પાસે કરશે ? ભલે હોંશથી જમે છે ને ? ભાવતું મળશે તો બે રોટલી વધારે ખાશે !

વહુ તો નોકરી કરે, રજાના દિવસે ય એને પિયર કે બહાર ક્યાંક જવાનું હોય, નહિતર આરામ કરવાનો હોય ! રજાના દિવસે તો આરામ જ હોય ને ?

બસ, એક માત્ર જલ્પાને આરામ નહિ એને રજાના દિવસે બમણું કામ રહે. દિવાળી કે ઉનાળાના વેકેશનમાં પણ આ જ સિલસિલો ચાલુ રહે !

..અને એટલે જ જલ્પાએ નક્કી કર્યું, દશ-પંદર દિવસ ક્યાંક જવાનું !

રાત્રે પતિને વાત કરી, તો કહે, 'વિચારીએ. થોડા દિવસમાં જઈએ.'

'તમારું થોડા દિવસ તો ક્યારેય આવતું જ નથી ! આમનમ થોડાં વર્ષ વીતી ગયા ! જો કહી દઉં છું તમને ! આ દીવાળી વેકેશનમાં તો ક્યાંક જવું જ છે !'

બન્નેએ જુદા જુદા સ્થળની ચર્ચા કર્યા પછી ચારધામની યાત્રાએ જવાનું નક્કી કર્યું.

જલ્પા પ્રકૃતિ પ્રિય એને દર્શન કરતાં હિમાલયના સૌંદર્યનું આકર્ષણ વિશેષ છે. યાત્રા પણ થાય ને ફરવાનું પણ ખરૂં, જે થોડા દિવસ હિમાચ્છાન્દિત કંદરામાં ગાળવા મળે તે !

એની ઇચ્છા આયોજિત ટુરમાં જોડાવાની હતી, જેથી રહેવા જમવાનું, ફરવાનું બધું વ્યવસ્થિત ગોઠવાયેલું હોય. અંગત રીતે ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નહિ.

આયોજન પ્રમાણે હરદ્વાર પોતાની રીતે પહોંચવાનું હતું, ત્યાંથી ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદરીનારાયણ, ટૂર આયોજક લઈ જવાના હતા.

ચાર ધામના દશ દિવસ અને હરદ્વાર સુધી જવા આવવાનાં ચાર દિવસ, ૧૪/૧૫ દિવસના પ્રવાસની તૈયારી થવા મોટી હરદ્વારની ટીકિટ પણ આવી ગઈ. આયોજકની ઓફિસે પૈસા વિ.ભરવાનું કામ પતિદેવને સોંપ્યું. બે ચાર વાર યાદ પણ કરાવ્યું. 'હા, એ મારું કામ છે તું ચિંતા ન કર.' એમણે કહી દીધું.

જલ્પા નચિંત્ત હતી, હોંશથી તૈયારી કરવા માંડી નીકળવાને દશ દિવસની વાર હતી ને દીકરીનો ફોન આવ્યો, 'મમ્મી, આ વર્ષે નેપાળને ભૂતાન જો પંદર દિવસનો કાર્યક્રમ છે. ડોલીને ત્યાં મૂકી જઈશ.'

'અચ્છા, ભલે બેટા.. કઈ તારીખે ?'

'ટીકીટ, હોટેલ બધું જ બુકીંગ થઈ ગયું છે. પહેલી તારીખે નીકળી. પંદરમીએ પરત થઈશું.'

'ઓહ ! નો મમ્મી ! મને પહેલાં કહેવું જોઈએ ને ? હવે ડોલીને ક્યાં મૂકવી ? તારો પ્રોગ્રામ અગાઉથી જણાવ્યો હોત તો ?'

જલ્પા શું કહે ? સહેજ વિચારવામાં રહી, ત્યાં બહારથી માળીએ બૂમ મારી એટલે પછી નિરાંત વાત કરું છું કરી ફોન મૂકી દીધો.

દીકરીના શબ્દો માથામાં હથોડાની જેમ ટીપાયાં ! ક્યાંય સુધી મગજમાં ચચર્યા કર્યા ઃ કહે છે, મને અગાઉથી જણાવવું હતું ને ? હવે મારે ડોલીને ક્યાં મૂકવી ? કોણ સાચવે એને ?

અરે ! આ તો ઉલ્ટુ ચોર કોટવાળને દંડે જેવો ઘાટ થયો ! ફરવા જવું છે એમને ! મને કહે છે પણ એમણે કેમ અને અગાઉથી જણાવ્યું નહિ ? ગયા વર્ષ પણ ત્રણ વર્ષની ડોલીને મૂકી ગયાં હતાં. આ વર્ષે પણ સાચવત પણ જ્યાં અમારો જ કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે ત્યાં ? હું ડોલીની નાની છું. ડોલીને જો નાની સાચવી શકે તો એની દાદી કેમ નહિ ? એમની કોઈ ફરજ ખરી કે નહિ ? એ સાચવશે.

એ બન્ને નોકરી કરે એટલે એમને રજાને આરામની જરૂર, મારે ક્યાંય જવાનું નહિ ? આ તે કેવું ?

બે દિવસ પછી પતિ આવ્યા, એમને વાત કરી,

'દીકરી જમાઈને ના કેમ પડાય ? ડોલીને તો આપણે સાચવવી જ પડશે.'

'...પણ આપણું જવાનું ?'

'કાંઈ નહિ ટિકિટ કેન્સલ કરીએ, ફરી કોઈવાર...'

'અરે ! ચારધામ યાત્રાના પૈસા ભરાઈ ગયા છે.'

'ઓહ ! સોરી ડાર્લિંગ ! દોડાદોડીમાં હું તને કહેતા ભૂલી જ ગયો. પૈસા નથી ભરાયા.'

'અરે ! પણ મેં તમને વારંવાર યાદ કરાવેલું ને ?'

'હા, પણ કામ ઘણું હતું પછી ગયો ત્યારે બુકીંગ ફૂલ હતું. એક પણ જગ્યા નહોતી !'

'ભારે કરી તમે તો !... હવે ? હરદ્વારની તો આપણી ટિકિટ પણ આવી ગઈ છે.'

'કાંઈ નહિ.. કેન્સલ કરાવી દઈએ. થોડા પૈસા કપાશે એટલું જ ને ? એ સિવાય કોઈ રસ્તો જ નથી ને !'

જલ્પા હોઠ ભીડીને થોડી વાર મૌન રહી, પછી મક્કમતાથી કહી દીધું 'છે ! ... એ સિવાય પણ રસ્તો છે, પૈસા ભરાયા ન હોય તો કાંઈ નહિ, આપણે આપણી રીતે જઈ આવીએ.'

'એમ તો મને ન ફાવે.'

'પણ મને તો ફાવશે,' એણે ભાર દઈને કહી દીધું.

તમારે ન આવવું હોય તો કાંઈ નહિ, હું જઈ આવું. ટુ ટાયરની એ.સી.ની ટિકિટ છે. પછી ચિંતા શું ? હરદ્વાર પહોંચી બીજા ગુ્રપ સાથે જોડાઈ જઇશ, અથવા તો ઋષિકેશ, ગંગાકિનારે આરામથી રહીશ. હવે તો ત્યાં રહેવાની સરસ વ્યવસ્થા છે. 

અહીં પણ બીજી બેનો સાથે વાત કરી જોઉં ! તમે આવો તો ભલે, નહિતર હું તો જઈશ જ,

મારે પણ વેકેશન જોઈએ છે !

- કલ્પના જિતેન્દ્ર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/367T0ck

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages