
છે અને હોવું જોઈએ વચ્ચેનો જે ગેપ છે તે જ આપણું જીવન છે. ત્યાં જ આપણા કર્મ માટેની સ્પેસ ઊભી થાય છે. દુનિયા આજે જેવી છે એ આપણને સ્વીકાર્ય નથી. આપણે જેવી દુનિયા ઇચ્છીએ છીએ એવી કદાચ સોએ સો ટકા ન પણ બની શકે, તેમ છતાં એવી કલ્પના કરતા મનને રોકી શકાતું નથી કે આપણી દુનિયા કેવી હોવી જોઈએ. આપણે કલ્પીએ, આપણે ઇચ્છીએ તેમાંથી ૧૦૦ને બદલે ૭૦ ટકા સાચું પડે તો પણ પૃથ્વી પર સ્વર્ગનું લેન્ડિંગ થાય. એલિયનની જેમ. વિશ્વ કેવું હોવું જોઈએ તે વિશેના કેટલાક વિચાર આ રહ્યા.
૧) ધર્મ અને રાજનીતિને અલગ પાડો: ધર્મના નામે માણસો જે એકતા દર્શાવે છે એવી દરેક સુખ-દુ:ખમાં દર્શાવે તો કોઈ માણસ દુ:ખી ન રહે. ફ્રાંસમાં પયગંબરના કાર્ટૂન મુદ્દે ત્રાસવાદી હુમલો થતા અનેક મુસ્લિમ દેશો ફ્રાંસના વિરોધમાં અને ત્રાસવાદી હુમલાના સમર્થનમાં ઊભા રહ્યા. જે શિયા-સુન્ની એકબીજાને કટ્ટર શત્રુ માને છે તેઓ પણ એકસંપ થઈને એક સૂરમાં બોલ્યા. શિયા રાષ્ટ્ર ઈરાને પણ એ જ સ્ટેન્ડ લીધો જે સુન્ની રાષ્ટ્રોએ લીધો.
ધર્મનો ઝંડો ઉપાડતું પાકિસ્તાન પોતે નાસ્તિક દેશ ચીનની ખૈરાત પર જીવે છે. નાસ્તિક ચીન વિગર મુસ્લિમોને ખતમ કરી રહ્યું છે, પણ ધર્મનો ઝંડો ઉપાડનારું પાકિસ્તાન કે બીજા મુસ્લિમ રાષ્ટ્રો એ વિશે ચૂં કે ચાં કરી રહ્યા નથી. શા માટે? ફ્રાંસ લિબરલ હોવાથી તેના પર દાદાગીરી ચલાવવાની અને ચીન સાપ, ગરોળી, વંદા પણ મારીને ખાઈ જાય એવો ડ્રેગન હોવાથી ત્યાં ચૂપ થઈ જવાનું?
ધર્મનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવો અને પોતાના ફાયદા માટે ચૂપ થઈ જવું એ ધર્મની હાનિ છે. બહેતર છે કે તેને રાજનીતિથી અલગ રાખવામાં આવે. આમેય ધર્મ એ અંગત બાબત છે. તમે ગમે ત્યાં તેનું અનુસરણ કરી શકો. શરત એક જ છે કે જે દેશ પર તમે ધર્મ પાળતા હોવ ત્યાંના નિયમોનો ભંગ ન થાય, લોકોને ખલેલ ન પહોંચી શકે એ રીતે ધર્મ પાળવો જોઈએ. જગતમાં અત્યારે સૌથી વધુ ઝઘડા ધર્મના નામે થઈ રહ્યા છે. ઉપર કહી એ બાબતોનું પાલન કરવામાં આવે તો ધર્મના નામે ઝઘડા બંધ થઈ જશે.
૨) કોમન ગ્રાઉન્ડ: અમુક કોમન ગ્રાઉન્ડ્સ છે જેના પર દુનિયાના તમામ દેશો કામ કરી શકે. જેમ કે કોરોનાની સારવાર અને કોરોનાની રસી. આવા તો બીજા હજાર મુદ્દા નીકળે જે કોમન ગ્રાઉન્ડનો ભાગ બની શકે. ક્ષય, ડાયાબિટીઝ, એઇડ્ઝ જેવા રોગચાળા. ત્રાસવાદ, આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, માળખાગત વિકાસ. મતભેદોને એક મિનિટ માટે બાજુ પર મૂકી કોમન ગ્રાઉન્ડ પર બધા દેશોએ કામ કરવું જોઈએ. જો બાઇડને ચૂંટણીમાં એવું વચન આપેલું કે તેઓ સત્તામાં આવશે તો દરેક અમેરિકનને કોરોનાની રસી ફ્રી મળશે. અરે, શા માટે અમેરિકા? વિશ્વના દરેક નાગરિકને નિ:શૂલ્ક રસી મળવી જોઈએ.
૩) મૂળભૂત જરૂરિયાત: દરેક દેશના નાગરિકોની અમુક જરૂરિયાતો સર્વસામાન્ય છે. ચાહે તે કોઈ પણ નસલના હોય, કોઈ પણ ધર્મના હોય. ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ. આ પાંચ બાબતો તેમને નિ:શૂલ્ક અથવા ઓછામાં ઓછા દરે પ્રાપ્ત થાય તેવી વૈશ્વિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ભૂખ્યા કાજે ભોજન બનવાની દિશામાં ખૂબ સારું કામ કરી રહ્યો છે. આવી જ બીજી ચાર સંસ્થા સ્થાપી શકાય. વર્લ્ડ એજ્યુકેશન પ્રોગ્રામ, વર્લ્ડ ક્લોથ્સ પ્રોગ્રામ, વર્લ્ડ અફોર્ડેબલ હાઉસિંગ પ્રોગ્રામ. આરોગ્ય માટે તો ડબલ્યુએચઓ છે જ. અફોર્ડેબલ હાઉસિંગની જવાબદારી હજુ જે-તે દેશની સરકાર પર નાખી શકાય, પરંતુ શિક્ષણ અને દવા આ બે એવી વસ્તુ છે જે પૃથ્વી પર વસતા દરેક માણસને પહોંચાડવી જ રહી. ખોરાક, પોષાક, શિક્ષણ અને દવા.
૪) પર્યાવરણ: સ્પેન, ઇટલી, ફ્રાંસ, અમેરિકા, દિલ્હી, કેરળ કોરોનાના સેકન્ડ વેવનો સામનો કરી રહ્યા છે. અત્યાર સુધી એવું ટેન્શન હતું કે ગન પાઉડર કરતા વધુ લોકો ખાંડથી મરી રહ્યા છે. (હરારી) હવે ચિંતા છે કે ત્રાસવાદ કરતા વધુ લોકો કોરોનાથી મરી રહ્યા છે. માણસ એક સમસ્યામાંથી બહાર નીકળતો નથી ત્યાં બીજી પુષ્પગુચ્છ લઈને તેનું સ્વાગત કરવા ઊભી હોય છે.
કોરોનામાંથી જરાક હાશકારો અનુભવાતો હતો ત્યાં સેકન્ડ વેવ બારણે ટકોરા દઈ રહ્યો છે. આનું કારણ આપણો આંધળો અસંતુલિત ભૌતિક વિકાસ છે. થોડા દિવસો પહેલા એક સમાચાર વાંચવામાં આવ્યા તેમાં લખેલું, જેમ-જેમ જંગલો કપાતા જશે તેમ-તેમ નવા-નવા વાઇરસની ભેટ મળતી જશે. ઇબોલા, એઇડ્સ, મેલેરિયા, કોરોના, સ્પેનિશ ફ્લૂ, સ્વાઇનફ્લૂ, કોન્ગો, સાર્સ અને આવા તો બીજા સેંકડો વાઇરસ જંગલના કપાવાથી માણસજાતના સંપર્કમાં આવ્યા અને મનુષ્યો તેમના પર અણુબોમ્બ ફેંકીને તેમને ખતમ કરે એ પહેલા તે તેમને ખતમ કરવા લાગ્યા છે. આમને આમ ચાલ્યું તો શસ્ત્રાગાર એમના એમ રહી જવાના.
સંતુલિત વિકાસ એટલે શું? કુદરતી ક્રમમાં ખલેલ ન પડે એ રીતે વિકાસ કરવો. હાલ આપણે જે વિકાસ કરી રહ્યા છીએ તે નેચરને ખતમ કરી રહ્યો છે. ખતમ નહીં તો અસંતુલિત તો કરી જ રહ્યો છે. એટલે જ પૂર, વાવાઝોડાની ફ્રીક્વન્સી વધી ગઈ છે. જંગલો અમર્યાદ કપાઈ રહ્યા હોવાથી જ કોરોના જેવા વાઇરસ પૈગામે મર્ગ લઈને આપણી સમક્ષ પ્રગટ થઈ રહ્યા છે.
પર્યાવરણ મુદ્દે સમગ્ર વિશ્વે એક કોમન પોલિસી તૈયાર કરવી પડે. ન માત્ર તૈયાર કરવાની તેેનું કડકાઈથી પાલન પણ કરવું પડે. આ માટે એક એજન્સી બેસાડી દેવી જોઈએ. જેમાં વિશ્વના તમામ દેશના એન્ફોર્સમેન્ટ ઑફિસર્સ હોય.
૫) અર્થતંત્ર: પૂરતું જમવાનું મળી જતું હોય, એક સારું ઘર હોય, હરવા-ફરવાના પૈસા હોય તો કોને મગજમારી કરવી છે? બિલ ક્લિન્ટનના ચૂંટણી પ્રચારનું સૂત્ર હતું, ઇટ્સ ઇકોનોમી સ્ટુપિડ. જે કંઈ આપણે કરી રહ્યા છીએ તે પૈસા માટે જ તો કરી રહ્યા છીએ. ને પૈસો સારી ઇકોનોમિક પોલિસી વિના આવવાનો નથી. આધુનિક અર્થશાસ્ત્રમાં એવી શક્તિ છે કે તે એકને કંગાળ બનાવ્યા વિના બીજાને પૈસાદાર બનાવી શકે છે. તે એક સાથે બધાને સુખી કરી શકે છે.
બસ, રાજનીતિને કારણે, અજ્ઞાાનના કારણે આ અર્થશાસ્ત્ર બધા સુધી પહોંચી શકતું નથી. વિશ્વના સમજદાર અને સમૃદ્ધ દેશોએ આના માટે એક બોડી ઊભી કરવી જોઈએ. વિશ્વના તમામે તમામ આઠ અબજ લોકોને આર્થિક સંપન્નતાનો ઓડકાર ખવડાવી દેવો જોઈએ.
આ ખયાલ યુટોપિયન લાગે, પણકહ્યુંને, આમાંથી ૭૦ ટકાનું અમલીકરણ થઈ જાય તોય સ્વર્ગ પૃથ્વી પર લેન્ડ કરે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U0gbzH
No comments:
Post a Comment