ભારતીય આકાશની વિશુદ્ધિ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 5 November 2020

ભારતીય આકાશની વિશુદ્ધિ


કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયે એક નવા અધ્યાયની શરૂઆત તરીકે અંદાજે બે વરસ પહેલા નેશનલ ક્લિન એર પ્રોગ્રામની શરૂઆત કરી હતી. દેશના સોએક મોટા શહેરોનો આ યોજનાના પહેલા પગલે સમાવેશ કરવામાં આવ્યો હતો. એના પછી બીજા બી કેટેગરીના શહેરો સમાવવાના હતા.

બી કેટેગરી એટલે જેના નાગરિકોને ખબર નથી કે તેઓ શ્વાસ ઓછો અને ધૂમાડો વધુ લઈ રહ્યા છે તેવા શહેરો. એનડીએ સરકારે જે કેટલાક લોકહિત બતાવવા માટેના સાચા પ્રોજેક્ટ ખોટી રીતે હાથમાં લીધા તેમનો એક પ્રોજેક્ટ આ નેશનલ ક્લિન એર પ્રોગ્રામ છે.

તેમાં હવે હવાની સફાઈ કરવા માટેની કોઈ બ્લ્યૂ પ્રિન્ટ સરકાર પાસે નથી. આટલા લાંબા સમય પછી પણ એ પ્રોજેક્ટ હજુ હવામાં જ છે. સરકાર પાસે આ કામ પાર પાડનારા નિષ્ણાતોની કોઈ પેનલ પણ નથી.

આગામી પાંચ વરસમાં નવી દિલ્હી અને કલકત્તા તો ત્યાંના નાગરિક એટલે જ રોગિષ્ટ એ સ્ટેટસમાં આવી જશે. સરકારની પ્રદૂષણમાં જવાબદારી મર્યાદિત છે. કારણ કે આ તો બૃહદપટ પરના લોકભાગીદારીના કાર્યક્રમો છે. આપણે ત્યાં વરસાદના પાણીથી કૂવા રિચાર્જ કરવાની શરૂઆત પાંડુરંગ શાસ્ત્રીના વચનોથી થઈ અને પછી એ ઝુંબેશે એકાએક એવી ઝડપ પકડી કે એ આજે સુગમ-સરળ મહાન લોકવિદ્યાની પરંપરા બની ગઈ.

એવી રીતે જ જો મહાનગરોમાં પ્રદૂષણ ઓછું કરવા માટે નાગરિકોમાં કોઈક સ્વયંચેતના જાગે તો જ આ ઉપાધિ કે જે આધિ અને વ્યાધિને લઈ આવે છે તે કંઈક ઓછી થાય છે.

સામાન્ય રીતે આપણે ઘરમાં કે આંગણામાં જેમ સફાઈનો એક ચોક્કસ સમય હોય છે એમ કુદરતે પણ સફાઈનો કાર્યક્રમ હવામાં ગોઠવેલો જ છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં કુદરતનો હવા-સફાઈ કાર્યક્રમ દરરોજ રાત્રે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો હોય છે.

એટલે કે એ સમયમાં મહાનગરો પરનું વિરાટ આકાશ નવા પવનોથી છલકાઈ જાય. પરંતુ ક્રમશ: પ્રદૂષણ વધતા હવે એ સમય કલાકથીય ઓછો થવા તરફ છે. દિવસભરના પ્રદૂષણ પર 'સંજવારી' વાળવા માટે રાત્રે જ્યારે જનજીવન થંભી જાય ત્યારે વનવગડાઉ પવનને પ્રવેશવા મળે.

દિવસની યાતાયાત ઓછી થવાની હવે કોઈ સંભાવના નથી. કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે મહાનગરોના પ્રદૂષણમાં ત્રીસ ટકાનો ઘટાડો કરવાની નેમ છે છતાં આ આયોજન પણ અવાસ્તવિક છે. કેન્દ્ર સરકાર સંબંધિત રાજ્યોને એ મહાનગરોની હવા પરિશુદ્ધ કરવા વિશેષ ફંડ ફાળવવાની હતી.

પહેલી નજરે જ આ પ્રોજેક્ટ કહેવા ખાતરનો હોય એવા તમામ લક્ષણો એમાં દેખાતા હતા. સફળતાનો એક ટકા ચાન્સ એ છે કે આ એક હવા સફાઈની શરૂઆત તો શરૂઆત બને અને પછીના કોઈક વળાંકે એનો ઉકેલ મળી આવે. એ ઉકેલ લોકડાઉનને કારણે આવ્યો. આખા ભારતનું આકાશ સ્વચ્છ થઈ ગયું. પરંતુ હવે આપણે હતા ત્યાં ને ત્યાં છીએ.

પેટ્રોલિયમ પેદાશોના ભાવો જ્યારે આસમાને આંબી ગયા હતા ત્યારે કોણે વાહન ચલાવવામાં સંયમ દાખવ્યો ? કોઈએ નહિ. કારણ કે મહાનગરની ઘટમાળ જ એવી છે કે કોઈને વાહન વિના ન ચાલે. સીટી બસ એક પ્રાથમિક ઉપાય છે પણ કારગત નથી. ગ્રામજીવનની વિશુદ્ધ હવા અને લીલોતરીની સુગંધ સાથે પૂર્ણ ઊઘાડ સરીખો પવન તો મહાનગરો માટે આપણે ત્યાં તો એક સપનું છે.

ચીને શેનઝેન શહેરનું નિર્માણ કરતા પહેલાં વિદ્વાન પર્યાવરણ એન્જિનિયરોને એક વરસ સુધી એ પ્રોજેક્ટ પર બેસાડયા હતા. આજે શેનઝેન દુનિયાના ચોખ્ખાચણક શહેરોમાં પહેલી હરોળમાં છે.

ભારતે ભવિષ્યનો વિચાર કરીને ઉદિત થઇ રહેલા નવા નગરો તરફ ધ્યાન આપવાની જરૂર છે. જે ગીચ શહેરો રચાઈ ગયા તે તો સમસ્યા છે જ પણ એની પાછળના ક્રમે વિકસતા નવા શહેરોનો ઘાટ અત્યારથી જ ઘડવાની જરૂર છે. મહારાજાઓના સમયના કેટલાક રસ્તાઓ અને નગર રચના આજે પણ એ વાતની પ્રતીતિ કરાવે છે કે તેઓ કેટલા દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હતા.

હકીકત એ છે કે શુદ્ધ હવા માટેની માણસ જાતની તરસ માત્ર ભોગવાદી છે. એ માટે પોતાના તરફથી કોઈ સમર્પણ કરવા તે તૈયાર નથી. માણસ આજ સુધી એમ જ માનતો આવ્યો છે કે મને ગમ્મે તેમ હું રહું. એટલે પ્રકૃતિએ હવે કરવટ બદલીને કહ્યું છે કે મનેય જેમ ગમે તેમ હું વર્તુ.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GxLe2N

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages