
રાજકોટ,તા. 3 નવેમ્બર 2020, મંગળવાર
શહેરમાં વ્યાજખોરોના ત્રાસમાં કોઈ કમી આવી નથી. વ્યાજખોરોના ત્રાસ અંગે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે બી-ડિવિઝન પોલીસે બે વ્યાજખોરોની ધરપકડ કરી હતી. એક વ્યાજખોરે ફરિયાદીનું સ્કૂટર પડાવી લીધું હતું જે પણ પોલીસે કબજે કર્યું હતું.
મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટીની બાજુમાં અભિરામ પાર્ક, શેરી નં.૧માં રહેતા અને મિસ્ત્રીકામ કરતા જેન્તી નાનજીભાઈ જાદવ (ઉ.વ.૩૩) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, બે માસ પહેલાં તેની માતા લાડુબેનને ધનુરીની બીમારી થતાં તેની સારવાર માટે મિત્ર ભાવેશ મિસ્ત્રી (રહે. આર્યનગર) મારફત પેડક રોડ, ગુજરાત સોસાયટી પાસે, ચાની હોટલ ધરાવતા દેવા ભરવાડ પાસેથી રૂા.૩૦ હજાર વ્યાજે લીધેલા હતા. બદલામાં રૂા.૫૨ હજાર ચૂકવવાનું નક્કી થયું હતું અને તે બાબતેનું લખાણ પણ કરાવાયું હતું.
આ ઉપરાંત બે કોરા ચેક પણ આપ્યા હતા. આજ સુધી રૂા.૪૫ હજાર ચૂકવી દીધા છે. હાલમાં કોઈ પૈસાની વ્યવસ્થા નથી, આમ છતાં તેની પાસે વધુ રૂા.૨૨ હજારની પઠાણી ઉઘરાણી કરી, હેરાન-પરેશાન કરી, ગાળો ભાંડી, મારી નાખવાની ધમકી આપતો હતો.
આ જ રીતે મોરબી રોડ બેડી ચોકડી પાસે રેતીનું કામ કરતા લક્ષ્મણ ઓધડ ભરવાડ પાસેથી રૂા.૨૦ હજાર વ્યાજે લીધા હતા. બદલામાં એક ચેક આપ્યો હતો. તેની પાસે દસ ૧૦ દિવસે વ્યાજ પેટે રૂા.૩૫૦૦ વસૂલાતા હતા. આજ સુધી આ રીતે રૂા.૧૦૫૦૦ ચૂકવી દીધા હતા. આમ છતાં વધુ રૂા.૨૫ હજારની પઠાણી ઉઘરાણી કરી, ધાક-ધમકી અપાતી હતી.
બેડીપરા ખાતે રહેતા અને મોરબી રોડ પર ઓફિસ ધરાવતા કાના અરજણ ભરવાડ પાસેથી રૂા.૨૦ હજાર વ્યાજે લઈ બદલામાં બે ચેક આપ્યા હતા. તેની પાસેથી દર અઠવાડિયે રૂ.૧૬૦૦ વ્યાજપેટે લેવાતા હતા. આજ સુધી આ રીતે રૂા.૮ હજાર જેટલું વ્યાજ ચૂકવ્યું હતું. હજુ રૂ.૨૦ હજારની માગણી કરાતી હતી. ગઈકાલે બપોરે ૧૨ વાગ્યે તે ઘરે જતો હતો ત્યારે રાજલક્ષ્મી સોસાયટી, નાની ફાટક પાસે કાના ભરવાડે તેને અટકાવી ગાળો ભાંડી વ્યાજના રૂપિયાની માગણી કરી હતી. તેણે રૂપિયા નથી તેમ કહેતા તેનું એક્સેસ પડાવી લીધું હતું. જેથી કંટાળીને બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે આરોપીઓ લક્ષ્મણ અને કાના ભરવાડની ધરપકડ કરી દેવા ભરવાડની શોધખોળ આદરી છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jVxDQH
No comments:
Post a Comment