
બિહારના પરિણામો ભાજપના મૂળભૂત એજન્ડા પ્રમાણે કારગત નીવડયા છે જેમાં ભાજપ હવે નીતિશ કુમારના બિગ બ્રધર તરીકે દેખાય છે. પ્રાદેશિક પક્ષોને પડખે લઈને એમને ક્રમશઃ કદ પ્રમાણે વેતરતા રહેવાની આ કમાલ છે. મરાઠાઓની વાત અલગ છે પરંતુ બિહારી રાજકારણને તો ભાજપ આસાનીથી ભરડો લઈને ગળી શકે છે એની પ્રતીતિ આ વખતની વિધાનસભા ચૂંટણીએ કરાવી દીધી છે. બિહાર વિધાનસભામાં એનડીએને પૂર્ણ બહુમતી મળી ગઈ છે.
દેશમાં કોરોનાનો બીજો રાઉન્ડ આવે એ પહેલા મોદી મેજિકનો આ નવો રાઉન્ડ છે અને એની અસર દેશભરની અન્ય પેટાચૂંટણીઓમાં પણ દેખાય છે. સરેરાશ ભારતીય નાગરિકોને અને ખુદ ભાજપના કેટલાક નેતાઓને આ વિજયથી આશ્ચર્ય જરૂર થયું છે પરંતુ એના કારણો તપાસવામાં તેઓનું કદ ટૂંકું પડે છે. પરિણામોમાં કોઈક રહસ્યમય ફેક્ટર પણ છે.
કાત ચિદમ્બરમ્ નામના વિવાદાસ્પદ પૂર્વપ્રધાન પુત્રને એવું બ્રહ્મજ્ઞાાન લાધ્યું છે કે દર વખતે કોંગ્રેસે એના પરાજય માટે ઈવીએમને દોષિત ન મનાય. તેઓ ઈવીએમ પર અને એની વિશ્વસનીયતા પર હવે પીએચ. ડી. કક્ષાનું જ્ઞાાન ધરાવે છે. વિવિધ કેસોની કારમી ચુંગાલમાં ફસાયેલા કાતએ મોદીની સ્તુતિ કરવા માટે ઈવીએમ પ્રણાલિકાની પ્રશંસા કરવાનો અભિનવ માર્ગ પસંદ કરેલો છે. બિહારમાં કોંગ્રેસ અને જેડીયુની બેઠકો ગઈ ૨૦૧૫ની તુલનામાં ઘટી છે.
અગિયાર રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે કેન્દ્રના સત્તાધારી પક્ષ તરીકે એને શોભે એવો દેખાવ કર્યો છે. ભાજપના બુથ મેનેજમેન્ટ પાસે કોંગ્રેસ હજુ પાણી ભરે છે. ગુજરાતની જે આઠેય વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં એક માત્ર ભાજપને જ વિજય મળ્યો એનું કારણ માત્ર બૂથ મેનેજમેન્ટ છે. કોંગ્રેસ એના તરફદારોને મતદાન મથક સુધી લઈ આવવામાં જ નિષ્ફળ નીવડે છે તે આઠેય બેઠકોની પ્રજાએ નજરે જોયું.
જેને અન્ડર કરન્ટ કહેવાય એ તો છ બેઠકોમાં પૂર્ણતઃ ભાજપ વિરોધી હતા. તો પણ ભાજપને જીત મળી એમાં ભાજપની હોશિયારી ઓછી અને કોંગ્રેસની મૂર્ખતા જ વધુ કારણરૂપ છે. ભાજપ પાસે એક ચોક્કસ વોટબેન્ક તો છે જ. એમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ છે. એક સમૂહ સરકારી કર્મચારીઓનો પણ છે જેને ભાજપના રાજમાં જલસા કરવા મળ્યા છે. ઉપરાંત મજાકમાં જેને ભક્તો તરીકે ઓળખવામાં આવે છે એ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો ચાહક વર્ગ પણ છે.
મુસ્લિમ મહિલાઓ પણ સુધારાવાદની આશાએ ભાજપને મત આપતી થઈ છે. આમ ભાજપે હવે ટીપે ટીપે પોતાનું સરોવર ભરવાની ને કાંકરે કાંકરે પાળ બાંધવાની કળા શીખી લીધી છે. મધ્ય પ્રદેશમાં ૨૮ બેઠકોની પેટાચૂંટણીમાંથી ભાજપે ૧૯ ઉપર સફળતા મેળવી અને બાકીની નવ બેઠકો કોંગ્રેસને મળી. ઈ. સ. ૨૦૧૮ની વિધાનસભાની ચૂંટણીમાં આ ૨૮માંથી ૨૭ બેઠકો કોંગ્રેસ પાસે આવી ગઈ હતી.
દેશના અગિયાર રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે સહુથી સારો દેખાવ કરીને ૫૮ બેઠકો અને એય કોરોનાકાળમાં અલ્પયત્ને રમતા-રમતા આંચકી લીધી એ પણ કોઈ સામાન્ય આવડત ન કહેવાય. જે રીતે ગુજરાતના પેટાચૂંટણી મતવિસ્તારના મતદારોએ પક્ષપલટુઓને સ્વીકારી લીધા એ રીતે બિહારના લાંબી પદયાત્રા કરનારા કામદારોએ પણ ફરી આવી જાતરાની તક તો ભાજપ સિવાય કોણ આપશે એમ માનીને ભાજપને એનડીએમાં પણ સૌથી વધુ બેઠક મેળવનારા પક્ષ તરીકેનું સન્માન આપ્યું છે ! નોટબંધી અને જીએસટીના ચાહકોએ જેમ મોદીને ફરી વાર દિલ્હીના તખ્તા પર બેસાડયા એમ ઘોર અરાજકતાથી ધગધગતા ઉત્તર પ્રદેશમાં પણ વિધાનસભાની પેટાચૂંટણીમાં સાતમાંથી છ બેઠકો મતદારોએ ભાજપને આપીને યોગી આદિત્યની શાસનપ્રથા પર જયજયકારનો સિક્કો માર્યો છે.
બિહારમાં સત્તાવિરોધી લહેર એટલી બધી પ્રબળ હતી કે ખુદ નીતિશ કુમાર મનોમન તો હારી જ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે હારીએ તો સારું છે થોડોક આરામ મળે. કામ કરીને થાકી ગયા છીએ. રેલીઓમાં પણ નીતિશ સરકાર વિરોધી પ્રચંડ જુવાળ હતો. પણ એ જુવાળ અને એ લહેર મતપેટીઓમાંથી ક્યાં ગાયબ થઈ ગયા એ કોઈ જાણતું નથી અને એ જ તો આ પરિણામોનું રહસ્ય છે. અને બુદ્ધિજીવીઓ તો હંમેશા પરિણામોને ઉચ્ચ ભ્રૂ થી જોતાં રહેવાના, જેમના મતોની ભાજપને હવે જરૂર નથી કારણ કે તેઓ લોકશાહીમાં કદી નિર્ણાયક હોતા નથી.
અલબત્ત, સત્ય એમની પાસે જ હોય છે. જે સત્યની પ્રજા પણ ઉપેક્ષા કરે છે. બિહારમાં ચૂંટણી પંચે પચીસ કરોડ રૂપિયાનો શરાબ ચૂંટણીના દિવસોમાં ઝડપ્યો છે. એ સિવાય રંગીન રાત્રિમાં ઘૂંટડે ઘૂંટડે બિહારી મતદારોને ગળે ઉતરી ગયો એ શરાબ તો પંચની નજરમાં આવ્યો નથી. તો પણ પરિણામોમાં એ રાત્રિઓનો રંગ દેખાય છે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UiUNWH
No comments:
Post a Comment