
રવીના ટંડન નિર્ભયતા અને સાહસિકતાનું બીજુ નામ છે. ૪૫ વર્ષની વયે પણ રવીના કોઈ પણ વિવાદ કે વિષયમાં પોતાનો મત બેધડકપણે વ્યક્ત કરવામાં પાછીપાની નથી કરી. અભિનેત્રીને એની અઢી દાયકા લાંબી અભિનય કારકિર્દીમાં ક્યારેય સ્થાપિત હિતોનો ડર લાગ્યો નથી. એટલે જ કદાચ સ્થાપિત હિતો એનાથી દૂર જ રહે છે. એ બધુ સોજુ-સોજુ બોલવામાં કે શબ્દો ચોરવામાં માનતી નથી. એ વાતનો પુરાવો રવીનાએ હમણાં ફરી એકવાર આપ્યો છે.
એણે એક અંગ્રેજી દૈનિકને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે 'આવા કપરા સમયમા ંફિલ્મ ઇન્ડસ્ટ્રી એના ઇતિહાસમાં પહેલીવાર સંગઠિત બનીને ઊભી રહી છે. મને એ વાતનો બહુ ગર્વ થઈ રહ્યો છે. ઇન્ડસ્ટ્રીની દરેક વ્યક્તિ બેજવાબદાર ન્યુસ ચેનલો સામેના જંગમાં ઉતરવા તૈયાર છે. ચેનલો પર માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જ નિશાન બનાવાતી હતી. ચેનલોની કપોળ-કલ્પિત સ્ટોરીઓ ખૂબ જ અભદ્ર હતી અને સંસ્કારિતાની તમામ હદ વટાવી ગઈ હતી. એમની ભાષા બિલકુલ હલકી કક્ષાની હતી,' એવો આક્રોશ અભિનેત્રીએ ઠાલવ્યો હતો.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કમોતની તપાસ સીબીઆઈને સોંપાઈ એ પછી બોલીવુડ જાણે આખા સમાજ માટે 'સોફ્ટ ટાર્ગેટ' બની ગયું હતું. ગમે તે આલિયો-માલિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફિલ્મસ્ટારો વિશે મનફાવે તેવી કમેન્ટ કરતો થઈ ગયો હતો. બાકી હતું તે બેજવાબદાર ન્યુસ ચેનલો એ પુરુ કર્યું નાકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને એના પરિવાર સામે શરૂ કરેલી ડ્રગ્સ કેસની તપાસમાં બીજી ફિલ્મ હસ્તીઓને પણ પૂછપરછ માટે બોલાવાઈ હતી. એમાં ન્યુસ ચેનલોને ગોળનું ગાડુ મળી ગયું હતું. એમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લાંછન લગાડતી કમેન્ટસનો અવિરત મારો ચલાવ્યો હતો. આ રીતે ઇન્ડસ્ટ્રીની થતી બદનામી રોકવા બોલીવુડના ૩૪ પ્રોડકશન હાઉસ અને ઇન્ડસ્ટ્રીના ૪ સંગઠનોએ દિલ્હી હાઈકોર્ટમાં એક રિટ પિટીશન નોંધાવી છે.
પિટીશનમાં ચેનલોના મોઢે ગળણું બાંધવાની માગણી કરાઈ છે. રવીનાએ આ સંદર્ભમાં જ ઇન્ડસ્ટ્રીની એકતાળે બિરદાવી છે.પોતાના કર્મક્ષેત્ર બોલીવુડ પર બેફામ ટ્રોલિંગ અને ગાળાગાળીનો મારો ચલાવાતો જોઈને વર્સેટાઈલ એકટ્રેસનું લોહી ઉકળી ઉઠયું છે. 'હા, આપણાં દેશમાં અભિવ્યક્તિ સ્વાતત્ર્યનો દરેકને અધિકાર છે એ વાત હું સ્વીકારું છું. પરંતુ કોઈ પણ પ્રકારના પુરાવા વિના આ રીતે જુઠાણાંઓનો મારો ચલાવાય એ કર્યાંનો ન્યાય છે? અમુક લોકોને જ કારણ વિના બદનામ કરવા અને એ માટે ગમે તેવી હલકી ભાષા વાપરવી! આટલા નીચા સ્તરે તો કદી કોઈ ઉતર્યું નહિ હોય! આ બધુ કોઈ રીતે ચલાવી ન લવાય.'
અહીં નોંધવું ઘટે કે ચેનલો પર એકલા બોલીવુડના કહેવાતા ડ્રગ્ કલ્ચરને જ વારંવાર પોક્સ કરાતું હતું. એ વિશે એક ટ્વીટમાં ટંડને 'ક્લિન-અપ'ની હિમાયત કરતા લખ્યું હતું કે 'એકલી અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જ શા માટે ટાર્ગેટ કરાય છે કેફી દ્રવ્યો સામે જંગ છેડવામાં સરકાર ગંભીર હોય તો એના મૂળથી શરૂઆત કરો. ડ્રગ્સની હેરફેર કરનારા તમામ પેડલર્સને જેલમાં ધકેલો એકલી ઇન્ડસ્ટ્રીના લોકોની પૂછપરછ અને તપાસ કરવાની ડ્રગ્સનું દુષણ દૂર નહિ થાય.'
રવીનાના મતે ન્યુસ ચેનલો માટે સ્ટિંગ ઓપરેશન મારફત ડ્રગ્સ સપ્લાયના મૂળ સુધી પહોંચવું મુશ્કેલ નથી. ચેનલોના રિપોર્ટરો આસાનીથી પેડલરોને ઉઘાડા પાડી શકે છે. રેસ્ટોરાં, હોટલો, સ્કૂલ-કોલેજો, પબ્સ-બધે જ ડ્રગ પેડલરો ઊભા હોય છે. એમની સામે કડક પગલા લો. બીજુ, શું તમને લાગે છે કે રાજકારણ, રાજકીય પક્ષો અને ઉદ્યોગપતિઓની પાર્ટીમાં કોઈ ડ્રગ નથી લેતુ? ધાવણું છોકરુય એ વાત નહિ માને. એટલે એ બધા ઉપર પણ સકંજો કસવો જોઈએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2InUJml
No comments:
Post a Comment