દલપતરામનું કુંટુંબજીવન સુધારકોના અંગત જીવનમાં પુરુષપ્રધાન માનસિકતા જોવા મળતી હતી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 7 November 2020

દલપતરામનું કુંટુંબજીવન સુધારકોના અંગત જીવનમાં પુરુષપ્રધાન માનસિકતા જોવા મળતી હતી


'હિન્દુ ઘરસંસાર' સંશોધન અને મનનનો વિષય છે. તે સમાજ પરિવર્તન સાથે સંકળાયેલો છે. ૧૯મી સદીમાં એક તરફ સમાજમાં સુધારો ચાલતો હતો ને બીજી તરફ સમાજ સુધારકોના જીવનમાં જ વિરોધાભાષના દર્શન થતા હતા.

પુરુષપ્રધાન માનસિકતા સમાજજીવનમાં તો જોવા મળતી જ હતી, પરંતુ સમાજ સુધારકોના જીવનમાં પણ પુરુષપ્રધાન માનસિકતા બહાર ડોકાઈ જતી હતી! 

નર્મદ, દલપતરામ અને મણિલાલ નભુભાઈ જેવા સાક્ષરો અને બૌદ્ધિકો જાહેરમાં 'યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે'ની વાત કરતા હતા. ને બીજી તરફ પોતાના ઘરમાં પત્ની સાથેનું વર્તન કંઈક અલગ દિશામાં વિચારવા મજબૂર કરે એવું હતું.

નર્મદે 'મારી હકીકત' (૧૮૬૬) અને મણિલાલે ડાયરી પ્રસિદ્ધ કરીને એમનાં કુટુંબજીવની વાત કરી છે. ધીરૂભાઈ ઠાકરે 'મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મદ્રષ્ટાંત (૧૯૭૯) પ્રસિદ્ધ કરીને મણિલાલ થીમને આગળ વધાવ્યો છે.

દલપતરામનું બાકી રહી ગયું હતું એટલે અહીં આપણે એ દિશામાં વાત કરીશું. અહીં આશય દલપતરામની કૂથલી કરવાનો નથી. દલપતરામના સાહિત્યિક અને સમાજસુધારણાના પ્રદાનને ઓછો આંકવાનો પણ ઈરાદો નથી, પરંતુ એ સમયની પુરુષપ્રધાન માનસિકતા કેવી રીતે સુધારકોના જીવનમાં પણ જોવા મળી જતી તેનું યથાર્થ દર્શન કરાવવાના હેતુથી દલપતરામના જીવનના કેટલાક ઓછા જાણ્યા કે અજાણ્યા પાસાં વિશે વાત કરવી છે.

હકીકતમાં તો નર્મદ, દલપતરામ અને મણિલાલ ઓગણીસમાં સૈકાનાં મહાન સાક્ષરો હતાં, તેમ છતાં તેઓ પણ આખરે તો મનુષ્ય  જ હતા. આ સાક્ષરો સર્વગુણસંપન્ન નહોતા. એટલે એ સમયના સમાજજીવનનો તેઓ પણ જાણ્યે-અજાણ્યે હિસ્સો બની ગયા હતા. 

ગાંધીયુગ પહેલાં ગુજરાતમાં પ્રગટેલું સમાજ સુધારાનું આંદોલન અત્યંત મહત્ત્વનું હતું. આમ છતાં હકીકત એ છે કે સમાજ સુધારો સ્ત્રીઓનાં અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસમાંથી પસાર થયો હતો. આ સંદર્ભમાં દલપતરામની વાત અત્રે કરી છે.

દલપતરામનો મામાને ત્યાં ઉછેર

દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી (૧૮૨૦-૧૮૯૮) વઢવાણના સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. ડાહ્યાભાઈ એમનાં પત્ની અમૃતબા અને બાળક દલપતરામને અસહ્ય ત્રાસ આપતા હોવાથી અમૃતબા એમનાં ભાઈઓને ઘેર મૂળી ગામમાં જતા રહ્યા. મામાઓ સ્વામીનારાયણ સંપ્રદાય પાળતા હોવાથી અમૃતબા અને બાળકોએ પણ તે અપનાવ્યો. પિતા ડાહ્યાભાઈ ચુસ્ત વેદાંતી હોવાથી એમણે વિરોધ કર્યો પણ કાંઈ ચાલ્યું નહીં તેથી તેઓ સન્યાસી થઈ ગયા અને ૧૮૪૪માં ગુજરી ગયા.

દલપતરામ અને એમનાં ભાઈ દિનકર તથા બહેન જેકોર મોસાળમાં ઉછર્યા. ૧૮૪૭માં અમૃતલાનું અવસાન થયું ત્યાં સુધી તેઓ માતા અને મામા સાથે રહ્યા.

દલપતરામના પ્રથમ લગ્ન મૂળીબા સાથે થયા હતાં

દલપતરામને 'ફાર્બર સાહેબ' સાથે મીઠો સંબંધ હોવાથી એમનાં બાળકો ફાર્બસને સાહેબકાકા અને એમનાં પત્ની માર્ગારેટને ''મઢમકાકી'' કહીને બોલાવતા

દલપતરામના ત્રણ વખત લગ્ન થયા હતા. પહેલું લગ્ન કચ્છની કન્યા મૂળીબા (૧૮૨૭-૧૮૮૭) સાથે ૧૮૩૩માં થયું. મૂળીબા રાપર તાલુકાનાં રોન્દ્રણી ગામનાં સ્વજ્ઞાાતિય ખેડૂતના દીકરી હતાં. તે વખતે દલપત દસ વર્ષના અને મૂળીબા પાંચ વર્ષનાં હતાં. એ જમાનામાં બાળલગ્નો સહજ રીતે થતાં હતાં, દલપતરામ અને મૂળીબાના પણ બાળવયે લગ્ન થયાં હતાં.

મુળીબા ૬૦મે વર્ષે તેમનાં પુત્ર મોહનલાલને (૧૮૫૩-૧૯૨૨) ઘેર અંજારમાં ગુજરી ગયા. મૂળીબાને ચાર સંતાનો હતા - પુરૂષોત્તમ (૧૮૪૩-૧૮૪૬), રામકુંવર (૧૮૪૭-૧૯૩૫) અને હરીકુંવર (૧૮૫૧-૧૯૦૪). પુરૂષોત્તમ તો બાળપણમાં મરી ગયો પણ બાકીનાં સંતાનો રામકુંવર, હરીકુંવર અને મોહનલાલ લાંબુ જીવ્યા. દલપતરામને 'ફાર્બર સાહેબ' સાથે મીઠો સંબંધ હોવાથી એમનાં બાળકો ફાર્બસને સાહેબકાકા અને એમનાં પત્ની માર્ગારેટને ''મઢમકાકી'' કહીને બોલાવતા. એટલું જ નહીં પણ એમનાં બાળકો હેન્રી જ્હોન અને એડવર્ડ સાથે ધીંગામસ્તી કરતા. દલપતરામનાં બાળકો રમતાં-રમતાં અંગ્રેજી બોલતા શીખી ગયા. મૂળીબા અને માર્ગારેટ બહેનપણી બની ગયા હતાં.

જોકે આ બધું થોડાંક વર્ષો જ ચાલ્યું. મૂળીબા અને દલપતરામ વચ્ચે સતત અણબનાવ થતાં. શિક્ષણના મુદ્દે બંને અલગ અલગ હોવાથી વૈચારિક મતભેદો પણ વધતાં જતાં હતાં. બંનેના સંબંધો ખૂબ જ તંગ બની ગયા હતા.

દલપતરામે બીજાં લગ્ન કર્યાં

બંને વચ્ચે મતભેદો વધ્યા પછી દલપતરામે બીજા લગ્ન કરવાની યોજના બનાવી. (એ જમાનામાં હિન્દુસમાજમાં પણ પુરુષોમાં એકથી વધુ લગ્નો કરવાની પ્રથા પ્રચલિત હતી) જ્ઞાાતિબંધુ મૂળજી ઓઝાની બહેન કાશી સાથે વિવાહ નક્કી થયા.

૧૮૫૬ની વાત છે. મૂળીબા સાબરમતી નદીને તીરે જ્યારે કપડાં ધોવાં ગયાં ત્યારે અગાઉની યોજના મુજબ દલપતરામ, મામા પ્રેમાનંદ અને નાના ભાઈ દિનકર તેમજ ગુજરાતી વર્નાક્લુયર સોસાયટીનાં સહાયકને લઈને ઘરે ગયા.  બાળકોને સાથે લઈને વઢવાણ ગયા. ત્યાં જઈને દલપતરામે નવ વર્ષની પુત્રી રામકુંવરને પરણાવી. પાંચ વર્ષની હરીકુંવરનું પણ તે જ વખતે ધ્રાંગધ્રાના જગન્નાથ ઓઝાનાં પુત્ર ચતુર્ભુજ સાથે નક્કી કર્યું અને ત્રણ વર્ષનાં મોહનનું ચતુર્ભુજ ઓઝાની બહેન સાથે નક્કી કરી નાખ્યું. (યાદ રહે, એ સમયે બાળલગ્નો સહજ રીતે થતાં હતાં. સુધારકો પણ એમાં જાણ્યે-અજાણ્યે હિસ્સો બની જતા હતા એ અલબત્ત આશ્વર્ય તો ખરું જ)

રામકુંવરને તો સાસરે વળાવી દીધી હતી, તેથી હવે દલપતરામ હરિકુંવર અને મોહનલાલને લઈને અમદાવાદ પાછા ફર્યા. મૂળીબાને આઘાત લાગ્યો. એ ડઘાઈ ગયાં.

૧૮૫૭માં દલપતરામ કાશીબાને (૧૮૪૦-૧૮૬૨) બીજીવાર પરણ્યા. સમાજમાં પ્રતિષ્ઠા સારી, તેથી ૩૭ વર્ષેય દલપતરામને કન્યા મળી ગઈ. મૂળીબાએ કોર્ટમાં ખાધા-ખોરાકીનો દાવો માંડયો. કોર્ટે વાર્ષિક ૮૦ રૂપિયા ગોઠવ્યા. આખરે મૂળીબા વઢવાણ-અમદાવાદ છોડીને કચ્છ જતાં રહ્યાં. તેમણે આજીવન દલપતરામ સાથે અબોલા રાખ્યાં. કચ્છનાં અંજારમાં એ પુત્ર મોહનલાલને ઘેર ૧૮૮૭માં ૬૦મે વર્ષે મૃત્યુ પામ્યાં.

મોહનલાલ કચ્છમાં ઇન્ચાર્જ ન્યાયાધીશ હતા. મોહનલાલ પણ બાપ સાથે કદી ના બોલ્યો. મોહનલાલે ૧૮૮૯માં ''મોહનલાલ ઉર્ફે મોહનલાલ દોહન નામનો કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કર્યો. એમને પ્રસ્તાવનામાં લખ્યું, ''હું ગરીબ અવસ્થામાં રહેતો, પિતાથી અળગો રહ્યો છું. મા પ્રત્યેનો એનો પ્રેમ અને બાપ પ્રત્યેનો તિરસ્કાર નીચેની પંક્તિમાં દ્વારા વ્યક્ત થયો છે ઃ

''આ અવતારમાં મૂળી હવે નહીં મળવાની આશ...

તારૂં ખુમારવિંદ નજરે તરે છે, ભારે છે ભણકારાનાં બોલ

તારૂં ચિત્ર સ્મરૂં છું, તારી નવ કોઈ તોલ...

જુવતી ઉપર નહીં કીજીયે, કદી જુલમ લગાર

હાથ ગ્રહ્યો તે ન છોડીયે, જાણી નિર્બળ નાર

અગ્નિને ઇશ્વર સાક્ષીએ, જેનો ઝાલીયો હાથ

તેને કદી ન તરછોડીયે, સાંખે ન સૃષ્ટિનો નાથ.''

૧૮૫૭માં દલપતરામ અને કાશીબા તેમનાં શાઢુભાઈ મૂળજી ઓઝાનાં ઘરમાં સારંગપુર તળીયાની પોળમાં રહેતાં હતાં. દલપતરામનું આ દાંપત્યજીવન લાંબો વખત ટક્યું નહીં. ૧૮૬૨માં બીજકુંવર નામની છોકરીને જન્મ આપીને બાવીસ વર્ષનાં કાશીબા તળીયાની પોળમાં ગુજરી ગયા.                     

(ક્રમશઃ)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38zreIX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages