70 વર્ષનો રેકોર્ડ તૂટયો, પક્ષપલટા બાદ પણ પ્રદ્યુમ્નસિંહ વિજેતા! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 10 November 2020

70 વર્ષનો રેકોર્ડ તૂટયો, પક્ષપલટા બાદ પણ પ્રદ્યુમ્નસિંહ વિજેતા!


- કોંગ્રેસને અપક્ષ ઉમેદવાર નડી ગયા, ભાજપની કરામત કામ કરી ગઈ!

- આટલી વિશાળ સરસાઈના તફાવતથી અબડાસા વિધાનસભા પર કોઈ ઉમેદવાર જીત્યા હોય એવો આ સૌપ્રથમ પ્રસંગ

- ૭૦૦થી વધુ કર્મચારીઓએ મતગણતરી સહિતની કામગીરી કરી

- વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ નિકળ્યું

ભુજ, તા. 10 નવેમ્બર 2020, મંગળવાર


૧-અબડાસા મતવિસ્તાર પેટા ચુંટણી ૨૦૨૦ની અબડાસા બેઠક માટે યોજાયેલી મતગણતરીમાં કુલ ૧૪૫૭૩૬ મતોની ૯૯.૪૨ ટકા થયેલી મતગણતરી ૩૧ રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવી હતી. જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે.ના દેખરેખ હેઠળ યોજાયેલ મતગણતરીમાં કુલ ૧૦ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અબડાસા બેઠક પર નોંધાયેલા કુલ ૨,૩૪,૭૪૭ મતદારોએ કુલ ૬૧.૮૧ ટકા મતદાન ત્રીજી નવેમ્બરે કર્યુ હતું. જે પૈકી ૭૮૯૮૩ પુરૂષ અને ૬૬૧૩૪ મહિલા મતદાતાઓએ મતદાન કર્યુ હતુ.

આજે મતગણતરી બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાડેજા  પ્રધ્યુમનસિંહ મહિમતસિંહ ૭૧૮૪૮ મત સાથે વિજેતા જાહેર કરાયા હતા જયારે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ડો.શાંતિલાલ સેંઘાણીને ૩૫૦૭૦ મત તેમજ  પડીયાર હનિફભાઇ જાકબને ૨૬૪૬૩ મત મળ્યા છે. 

આજે જાહેર થયેલા અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી અનુસાર આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવારને ૩૭ હજારથી વધુ મતોથી હરાવીને વિશાળ તફાવતથી ચૂંટણી જીત્યા છે. આજની આ ઐતિહાસિક જીત વખતે અનેક વિક્રમો સર્જાયા છે. વિધાનસભામાં પ્રથમ ક્રમાંકની બેઠક ગણાતી અબડાસા બેઠકના મતદારોનો મિજાજ હંમેશા નોખો રહ્યો છે. ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે કોંગ્રેસને અપક્ષ ઉમેદવાર નડી ગયા છે. ભાજપે કરેલી કરામત અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવારને જીતાડવામાં કામ કરી ગઈ છે.

કુલ ૧,૪૫,૭૩૬ મતોની ગણતરી કરવામાં આવી હતી.  આ બેઠક પર કુલ ૨,૩૪,૭૪૭ મતદારો નોંધાયા છે. કુલ મતદાન ૬૧.૮૧ ટકા થયેલું હતું. મતગણતરીમાં નિવાસી અધિક કલેકટર, નાયબ ચુંટણી અધિકારી, ઓબ્ઝર્વર ધમેન્દ્રસિંહ, અબડાસા ચુંટણી અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત  ચુંટણીના ઉમેદવારો તેમજ વિવિધ ચુંટણી કામ સાથે સંકળાયેલા ૭૦૦ ઉપરાંત કર્મચારીઓ અને સબંધિત રાજકીય પક્ષના ટેકેદારો, નોવેલ કોરોના વાયરસ કોવીડની ગાઇડલાઇન અનુસાર હાજર રહયા હતા.

આઝાદી કાળથી આજ દિન સુધી કોઈ પણ ધારાસભ્યને બીજી વાર ન ચૂંટવાની અબડાસાના મતદારોની એક અકળ પરંપરા રહી છે. પરંતુ પ્રધ્યુમનસિંહે સતત બીજી વખત આ બેઠક કબ્જે કરીને અબડાસા વિધાનસભાનો ૭૦ વર્ષનો ઈતિહાસ તોડયો છે. બીજુ કે આટલી વિશાળ સરસાઈના તફાવતથી અબડાસા વિધાનસભા પર કોઈ ઉમેદવાર જીત્યા હોય એવો આ સૌ પ્રથમ પ્રસંગ છે.

આજે સવારે પ્રારંભ થયેલી લખપત તાલુકાની મત ગણતરીથી જ લગભગ દરેક બુથ પર ભાજપના ઉમેદવારે નોંધપાત્ર સરસાઈ મેળવીને એક ઐતિહાસિક વિજયના અણસાર આપી દીધા હતા. બલકે જવલ્લે જ જોવા મળે એ રીતે લખપત તાલુકામાં પણ ભારતીય જનતા પાર્ટીને આ વખતે નોંધપાત્ર સરસાઈ પ્રાપ્ત થઈ હતી. આ વિજય બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભેચ્છા આપતા જણાવ્યુ હતુ કે, અબડાસાવાસીઓએ ફરી વખત સાચા હિરાની ઓળખ કરી છે જે બદલ તેમની સમજણને સલામ છે. આ વિજયનો એટલો જ શ્રેય કચ્છ જિલ્લા ભાજપ સંગઠન તેમજ અનેક નામી-અનામી કાર્યકરોને જાય છે.

ચાર ઉમેદવારોના મત ત્રણ આંકડા પણ વટાવી શક્યા નહીં

ચૂંટણી મેદાનમાં ઉતરેલા દસમાંથી સાત ઉમેદવારોની ડિપોઝીટ ડુલ!

કુલ ૧,૪૫,૧૧૭ લોકોએ મતદાન કર્યું હતું તેના છઠ્ઠા ભાગના ૨૪,૧૮૬થી વધારે મત મેળવનારને ડિપોઝીટ પરત મળશે


અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા દસ ઉમેદવારોમાંથી સાત ઉમેદવારોએ ડિપોઝીટની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. ચાર ઉમેદવારોના વ્યક્તિગત મત ત્રણ આંકડાના ફિગરને પણ પાર કરી શક્યા નથી.

અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત પાંચ રાજકીય પક્ષો અને પાંચ અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા. આજે યોજાયેલી મત ગણતરી બાદ સ્પષ્ટ થતા ચિત્ર અનુસાર ભાજપ, કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવારને જ તેણે જમા કરાવેલી ડિપોઝીટ પરત મળશે. ચૂંટણી અધિકારી પ્રવિણસિંહ જૈતાવતના જણાવ્યા મુજબ પંચના નિયમ અનુસાર સામાન્ય વર્ગના ઉમેદવારે રૂ.૧૦ હજાર અને એસસી/એસટી વર્ગના ઉમેદવારોએ રૂ.પ હજાર ડિપોઝીટ પેટે જમા કરાવવાના હોય છે. થયેલા કુલ મતદાનના છઠ્ઠા ભાગના મત જેને મળે તેને ડિપોઝીટની રકમ પરત મળે છે. બાકીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય છે. અબડાસા બેઠક માટે ૧,૪પ,૧૧૭ લોકોએ મતદાન કર્યું હતું. જેના છઠ્ઠા ભાગ એટલે કે ર૪,૧૮૬થી વધુ મત મળ્યા હોય તેવા ઉમેદવારો ડિપોઝીટની રકમ પરત મેળવવા પાત્ર છે. બાકીના ઉમેદવારો ડિપોઝીટ ગુમાવશે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3np35Jh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages