સુરત, તા.20 ઓક્ટોબર 2020, મંગળવાર
સુરતના વરાછા પોદાર આર્કેડ પાસે જાહેરમાં મોબાઈલ ફોનમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા બિલ્ડરને વરાછા પોલીસે ઝડપી પાડી તેને આઈડી આપનાર બુકીને પણ બોલાવી પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે બંને પાસેથી બે મોબાઈલ ફોન કબ્જે કર્યા ત્યારે બંનેના મોબાઈલ ફોનમાં વેબસાઈટ ઉપર ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ઉપર સટ્ટો ચાલુ હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે વરાછા પોલીસે ગતસાંજે 7.30 ના અરસામાં વરાછા પોદાર આર્કેડ પાસે જાહેરમાં મોબાઈલ ફોનમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા બિલ્ડર મનીશ ઉર્ફે મનીશ ગોંડલ વિઠ્ઠલભાઈ પાચાણી ( ઉ.વ.42, રહે.504, રિવરફ્રન્ટ સેટેલાઇટ રોડ, મોટાવરાછા, સુરત. મૂળ રહે. ગોંડલ, રાજકોટ ) ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂ.10 હજારની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કરી ચકાસતા તે આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ઉપર વેબસાઈટ મારફતે સટ્ટો રમતો હતો. પોલીસે વેબસાઈટમાં આઈડી કેવી રીતે મેળવ્યું તે પૂછતાં મનીશે બુકી મહેશ ઉર્ફે બાબુ જુગલભાઈ પાદરીયા ( ઉ.વ.29, રહે.382, શ્યામનગર સોસાયટી વિભાગ 2, નવાગામ, કામરેજ, સુરત. મૂળ રહે. ભાવનગર ) પાસે બનાવડાવ્યાની કબૂલાત કરી હતી.
પોલીસે મનીશ પાસે ફોન કરાવી મહેશ ઉર્ફે બાબુને મળવા બોલાવતા તે માત્ર 10 મિનિટમાં પોદાર આર્કેડ પાસે પહોંચ્યો હતો. પોલીસે તેને ઝડપી લઈ રૂ.30 હજારની કિંમતનો મોબાઈલ ફોન ચેક કરતા તેમાં પણ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ઉપર વેબસાઈટ મારફતે સટ્ટો ચાલુ હતો. મહેશ ઉર્ફે બાબુની પુછપરછ કરતા તેણે સટ્ટો રમાડતો હોવાની કબૂલાત કરી હતી.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31qsRnz
No comments:
Post a Comment