
રવિવારનો દિવસ હતો. દીપક બપોરે જમીને થોડીવાર માટે આરામ કરવા આડો પડયો અને તેને ઊંઘ આવી ગઈ. ચારેક વાગ્યે અચાનક વાદળાંની ગર્જનાથી તેની ઊંઘ ઊડી ગઈ તે ચમકી ગયો. બહાર વર્ષાઋતુનો પ્રથમ વરસાદ વરસી રહ્યો હતો. થોડીવાર છાંટા પડતા રહ્યા પછી આકાશને કાળાં વાદળોએ ઢાંકી દીધું. જોતજોતામાં મુશળધાર વરસાદ વરસવા લાગ્યો.
દીપક પરસાળમાં ઊભો રહી થોડો સમય વરસાદનો આનંદ લેતો રહ્યો. પછી ચા બનાવવા માટે રસોડામાં ચાલ્યો ગયો.
એ ચાનો પ્યાલો લઈ પરસાળમાં રહેલી ખુરશી પર બેઠો. ધીરે ધીરે વરસાદ અટકી ગયો અને અહીંતહીં અટવાયેલા લોકો ફરી ચાલવા લાગ્યા, પરંતુ પાંચ-સાત મિનિટ પછી ફરી વરસાદ શરૂ થઈ ગયો.
ભારે વરસાદથી બચવા માટે બે સ્ત્રીઓ દરવાજા પાસે આવીને ઊભી રહી. દીપકે ઝડપથી દરવાજો ખોલ્યો અને તેમને અંદર આવવાનો આગ્રહ કરવા લાગ્યો. બન્ને સ્ત્રીઓ અંદર આવી ગઈ.
દીપક તરત બે ખુરશી લઈ આવ્યો અને તેમને બેસવા કહ્યું. તેણે ઝીણી નજરે જોયું અને તે સુખદ આશ્ચર્યથી ચમકીને જોઈ રહ્યો. આશરે ૬૦ વર્ષની વૃદ્ધા સાથે ઊભેલી યુવતીને જોતાં જ તેના મુખમાંથી શબ્દો સરી પડયા, ''અરે તમે... અહીં આવવાનું કેમ થયું?''
''તમે બન્ને એકબીજાને ઓળખો છો?'' વૃદ્ધ સ્ત્રી આશ્ચર્યથી પુત્રી તરફ તાકી રહી.
પરંતુ પુત્રી જવાબ આપે તે પહેલાં જ દીપક બોલી ઊઠયો, ''માજી, હું પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરું છું અને તે પણ... બસ, ક્યારેક ક્યારેક બસસ્ટોપ પર અથવા બસમાં નજરે પડે છે. જોકે તેમના નામની મને જાણ નથી અને તે કઈ કંપનીમાં નોકરી કરે છે એ પણ જાણતો નથી.''
''અચ્છા અચ્છા.'' વૃદ્ધાએ હસીને કહ્યું, ''તું કઈ કંપનીમાં નોકરી કરે છે?''
''જી.... નવજ્યોતિ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં''
''મધુ હિમાલય ઇસ્પાત ઉદ્યોગમાં નોકરી કરે છે.'' વૃદ્ધાએ પુત્રી તરફ નજર કરતાં કહ્યું.
''માજી, તમે ચા પીશો?'' દીપકે પૂછ્યું.
''ના બેટા, હમણાં જ એક સંબંધીના ઘરેથી પાછા ફર્યા છીએ ત્યાંથી ચા પીને જ નીકળ્યાં હતાં. રસ્તામાં વરસાદ શરૂ થઈ ગયો.''
''પરંતુ કશુંક તો ચાલશે ને?'' આમ કહી દીપક અંદર ચાલ્યો ગયો તથા ફ્રિજમાંથી કેટલાક ફળ લાવી પ્લેટમાં વૃદ્ધા તરફ ધરતાં કહ્યુ, ''આની ના ન કહેશો.''
''તમે નાહકની તકલીફ ઊઠાવી રહ્યા છો.'' વૃદ્ધા જરા સંકોચ સાથે બોલી એક સંતરું લીધું અને પુત્રીને કહે, મધુ, તું પણ લે.''
''હમણાં તો ચા પીધી છે એટલે જરા પણ ઇચ્છા નથી.''
''મધુજી, લો ને... કશો ફરક નહીં પડે.''
દીપકે આગ્રહ કરતાં તેણે સફરજન લીધું.
થોડી વાર વાતાવરણમાં શાંતિ છવાઈ રહી. પછી વૃદ્ધાએ આમતેમ નજર કરી દીપક તરફ જોઈ સવાલ કર્યાં, ''કુટુંબમાં બીજું કોઈ નથી?
''માજી, કુટુંબમાં કોઈ હોય તો નજરે પડે ને... હું અહીં એકલો જ રહું છું.''
''અને પત્ની, બાળકો? મા-બાપ?''
''હજુ સુધી લગ્ન નથી કર્યા એટલે પત્ની, બાળકોનો તો સવાલ જ પેદા થતો નથી. રહી મા-બાપની વાત તો તેમના અવસાનને વરસો થયાં. એક તીર્થસ્થાન પર નૌકા અકસ્માતમાં તેઓનાં મૃત્યુ થયાં હતાં. આ વાત ૧૪-૧૫ વરસ પહેલાંની છે. એ વખતે મેં બીએની પરીક્ષા પાસ કરી હતી.''
''ઓહ....'' વૃદ્ધાએ ઊંડો શ્વાસ લીધો, ''અને ભાઈબહેન?''
''મારાથી બે નાની બહેન છે. બન્નેનાં લગ્ન થઈ ગયાં છે. એક દિલ્હીમાં રહે છે તો બીજી લખનૌમાં છે. મેં ગ્રેજ્યુએશન કરી નોકરી શરૂ કરી જે પગાર મળતો તેમાંથી ગુજારો થઈ જતો હતો, પરંતુ બહેનોનાં લગ્નનો પ્રશ્ન ઊકેલી શકાતો નહોતો. આખરે કશો માર્ગ ન મળતાં ઘર વેચવું પડયું. ઘણા પ્રયાસો પછી બન્નેને સારો વર અને સારાં ઘર મળ્યાં. બસ, આ દોડધામમાં સમય નીકળી ગયો.''
''પણ તારી કંઈ વધુ ઉંમર થઈ નથી કે એકલાં જ જીવન જીવવાનો નિર્ણય લેવો પડે! આજકાલ તો ૫૦-૫૫ વરસની ઉંમરે પણ સાફો બાંધી ઘોડા પર સવાર થનારા છે.'' વૃદ્ધાએ મજાકના લહેકામાં કહ્યું અને દીપક ખડખડાટ હસી પડયો. મધુના અઘર પર જરા અમથું સ્મિત ફરી વળ્યું.
''તમારી વાત તો સાચી છે માજી... હજુ મારી ઉંમર ૩૪-૩૫ની છે. એમ તો બે-ત્રણ જગ્યાએ વાત ચાલી હતી, પરંતુ કોઈ નિર્ણય સુધી પહોંચી શકી નથી. કોઈ કહે છે કે મારું પોતાનું મકાન નથી, તો કોઈ સરકારમાં નોકરી કરનારા જમાઈની આશા રાખે છે. આને કારણે વર્ષોનાં વર્ષો પસાર થઈ રહ્યાં છે.''
''આ કંઈ ગંભીર પ્રશ્ન છે જ નહીં.''
વૃદ્ધાએ જરા વિચાર કરી કહ્યું, ''આમ પૂછવું તો ન જોઈએ છતાં પૂછું છું કે તને કેટલો પગાર મળે છે?''
''મા, તમે પણ કમાલ કરો છો. આ બધી વાતની જરૂર શી છે?'' મધુએ વૃદ્ધાને ટોકી. દીપક હસી પડયો.
એ બોલ્યો, ''અરે તમે શા માટે નારાજ થાઓ છો? પૂછવામાં શો વાંધો છે? માજી, મને રૂા. ૧૬૦૦૦ પગાર મળે છે. એકલા માણસ માટે પૂરતો છે.''
''હા... હા, કેમ નહીં. અચ્છા બેટા, વરસાદ થંભી ગયો છે. હવે અમે જઈશું. ખૂબ ખૂબ આભાર.'' બોલતાં બોલતાં વૃદ્ધા ઊભી થઈ.
મધુએ પણ જતાં જતાં આછા સ્મિત સાથે આભાર માન્યો. ત્યારે દીપકે વ્યંગ્ય કરતાં વૃદ્ધાને કહ્યું, ''માજી, આભાર તો મારે પહેલા વરસાદનો માનવો જોઈએ અને પછી તમારો, કારણ કે જો આટલો ધોધમાર વરસાદ ન પડતો હોત તો તમે અંદર આવત નહીં અને જો તમે ન આવત તો મધુના આવવાનો તો સવાલ જ ઊભો ન થાત.
અમે લગભગ બે વરસથી રોજ એકબીજાને જોઈએ છીએ. મોટા ભાગે એક જ બસમાં જતાં આવતાં હોઈએ છીએ. આજ સુધી 'હલ્લો' કે 'નમસ્તે' કરવાનો મોકો મળ્યો નથી. કારણ કે અમે બન્ને સંકોચશીલ સ્વભાવના છીએ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારો પરિચય કરાવી આપ્યો.'' આ સાંભળી વૃદ્ધા અને મધુ પણ ખડખડાટ હસી પડી.
એ પછી બન્ને ચાલ્યાં ગયાં. નજરથી ઓઝલ ન થયાં ત્યાં સુધી દીપક તેમને જતાં જોઈ રહ્યો. દીપકને લાગ્યું કે રણમાં માઇલો સુધી ભટક્યા પછી તેને કોઈ વૃક્ષનો છાંયડો મળ્યો છે.
બીજા દિવસે સવારે આઠ વાગ્યે દીપક મનમાં અનેરા ઉત્સાહ સાથે બસસ્ટોપ પર પહોંચ્યો, પરંતુ ત્યાં મધુને ન જોતાં નિરાશ થયો. વારંવાર તેની નજર મધુ જે રસ્તા પરથી આવતી હતી તે તરફ જવા લાગી. બે બસ જવા છતાં મધુ ન આવતાં તે નિરાશ મનથી પછીની બસમાં બેસી ગયો. ઓફિસમાં પણ તે આખો દિવસ ઉદાસ રહ્યો.
સાંજે ઓફિસેથી પાછા ફરતા પણ દીપકને ઉદાસીનતાનો સામનો કરવો પડયો. પરંતુ તેના મને કહ્યું આટલી ઉતાવળ શા માટે? થોડીવાર રાહ જોઈ શકાય છે. છતાં તેનો મેળાપ શક્ય ન બન્યો. આમ તો તે આ કોલોનીમાં આવ્યો તેનાં પહેલાં જ દિવસથી ઓફિસે જતી વખતે મધુને બસસ્ટોપ પર જોતાં જુદો અનુભવ કર્યો હતો. તે તેના તરફ આકર્ષાયો હતો. જ્યારે તે ઇન્ડસ્ટ્રીયલ એરિયાવાળા બસસ્ટોપ પર ઉતરી તો તેના આનંદનો પાર ન રહ્યો. તેણે વિચાર્યું હવે તો રોજનો સથવારો છે. તરત ઓળખાણ થઈ જશે અને કદાચ જીવનમાં ફરી ફૂલોની મહેક પ્રસરી જશે.
વાત કે મુલાકાત તો દૂર રહી પણ મધુએ ક્યારેય ઓછું સ્મિત સરખું પણ તેના તરફ કર્યું નહોતું. જોકે બીજા યુવાનો તરફનો વ્યવહાર પણ એવો જ હતો. તે હંમેશાં તેનામાં ખોવાયેલી રહેતી દીપક ક્યારેક મધુની ઉંમર વિશે વિચાર કરતો કે તે ૩૦-૩૨ વર્ષની તો જરૂર હશે. જોકે પરિણીત હોય એવું એક પણ અલંકાર શરીર પર નજરે પડતું નહોતંુ. એ પરણેલી છે. કુંવારી છે કે પછી વિધવા કંઈ પણ કહેવું મુશ્કેલ હતું. આખરે તેણે વિચાર કર્યો કે તે કદાચ વિધવા છે.
આ પછી એક મહિનો વીતી ગયો. એક વાર મધુની મા દીપકના ઘર સામેથી પસાર થતી હતી તો બેચાર વાત કરી આગળ ચાલી ગઈ. એક વાર શાકમાર્કેટમાં દીપક સાથે મુલાકાત થઈ તો થોડીઘણી સાધારણ વાત થઈ.
પરંતુ મધુના વર્તનમાં જરાસરખો ફેરફાર ન થયો. એ પહેલાંની જેમ જાણે ઓળખતી નહોય તેમ પાસેથી પસાર થઈ જતી.
એકાદવાર દીપકે નમસ્તે કર્યાં, પરંતુ તેણે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. તેના આ વર્તનથી દીપક મનમાં કોચવાતો રહ્યો. કેટલાક સમય પહેલાં તેણે જે મેઘધનુષી રંગો જોવાની કલ્પના કરી હતી એ જાણે ફરી વાદળો પાછળ છુપાઈ ગઈ હતી.
એક દિવસ ઓફિસેથી પાછો ફરી દીપક ટીવી પર કશો કાર્યક્રમ જોઈ રહ્યો હતો. ત્યાં દરવાજો ખટખટાવવાનો અવાજ સંભળાયો. તે બહાર આવ્યો. દરવાજો ખોલ્યો તો સામે મધુની માને જોઈ દંગ રહી ગયો.
''અરે માજી, તમે આવવાની તકલીફ શા માટે કરી?''
''બેટા, ડોક્ટર પાસે ગઈ હતી. વિચાર આવ્યો કે તને મળીને જાઉં. ન જાણે કેમ પણ તું મને મારો પોતાનો લાગે છે.'' તે અંદર પ્રવેશતાં જ બોલી.
''તમે બેસો. હું તરત ચા બનાવી લાવું છું. ના ન કહેશો.''
''સારું બેટા, જેવી તારી મરજી.'' વૃદ્ધાએ હસતાં હસતાં કહ્યું.
દીપક તરત ચા અને બિસ્કિટ સાથે આવ્યો. ટીવી બંધ કરી દીધું.
''ઘરનું કામ કરતાં મુશ્કેલી પડતી હશે ખરું ને? હવે જલ્દી લગ્ન કરી લે. સ્ત્રી વિના ઘર સૂનું સૂનું લાગે છે.'' વૃદ્ધા ગંભીર થતાં બોલી.
''માજી, મારા તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. હવે તમે પ્રયાસ કરી જુઓ. કદાચ વાત જામી પણ જાય.''
''હા...હા, કેમ નહીં.'' વૃદ્ધા સહેજ વિચાર કરતાં બોલી એ કશુંક કહેવા ઇચ્છતી હોવા છતાં જીભ ન ચાલી.
''માજી, તમે કશુંક કહેતાં શા માટે અટકી ગયાં?'' દીપકે હસીને પ્રશ્ન કર્યો, ''કહો, બેફિકર કહો. હું તમારા પુત્ર જેવો તો છું.''
''બેટા, મેં પહેલી મુલાકાતમાં જ અનુભવ્યું હતું કે, મધુમાં તને થોડો રસ છે, પરંતુ સાચેસાચું કહેજે તું એને ચાહે છે ખરો?''
''સાચી વાત કહું તો મેં પહેલાં જ દિવસે તેને જોઈ ત્યારથી ચાહવા લાગ્યો હતો. એને નજરમાં રાખીને મેં હજારો સપનાં જોયાં છે, પરંતુ ન જાણે એ કેવી માટીની બની છે કે મારી સામે કદી આંખ ઉઠાવીને નજર સરખી કરી નથી. કદાચ તેને પુરુષોમાં રસ નથી. આમ શા માટે માજી? એને કયું દુ:ખ સતાવી રહ્યું છે, જે તેને અંદરને અંદર કોરી ખાય છે? મહેરબાની કરી મને એ વાત સ્પષ્ટ રીતે કહો.''
''બેટા, આશરે સાત-આઠ વર્ષ પહેલાં સામાન્ય છોકરીની જેમ તે પણ મજાક મસ્તીમાં રાચનાર છોકરી હતી. એનાં પણ સપનાં હતાં, આશાઓ હતી, પરંતુ એક એવો ધરતીકંપ આવ્યો કે તેનું જીવન બરબાદ થઈ ગયું. એકવાર તો જંતુનાશક દવા પીને તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો...''
''કેવો ધરતીકંપ?'' દીપકે ચમકીને પૂછ્યું.
''ત્યારે અમે અહીં નહોતા રહેતા. આ કાનપુરની વાત છે. બી. એ. કર્યા પછી મધુ એક ખાનગી પેઢીમાં નોકરી કરવા લાગી હતી. કેટલાક મહિના પહેલાં મારા પતિનું મૃત્યુ થયું. તેઓ જે પેઢીમાં નોકરી કરતા હતા ત્યાં મધુને એની જગ્યાએ રાખી લીધી. એ પેઢીના માલિકના પુત્રે એને જૂઠા પ્રેમ પ્રલોભનમાં ફસાવી અને એક સાંજે ઓવરટાઈમ કરવાના બહાને રોકી રાખી. તે દુષ્ટે શરબતમાં કોઈ નશીલી ચીજ મધુને પીવડાવી અને પોતાની હવસનો શિકાર બનાવી...'' બોલતાં બોલતાં વૃદ્ધાની આંખમાં આંસુ છલકાઈ આવ્યાં.
''પછી... પછી શું થયું?''
''પછી શું થવાનું હતું? વધુ પડતી જાહેરાત થઈ જાય તો અમારી બદનામી થાય. દીકરો ત્યારે બેંગલોરમાં હતો. મોટી દીકરીએ દિલ્હીમાં લગ્ન કરી લીધાં હતાં. એટલે અમે વિચાર કર્યો કે સ્થાન બદલવાથી કદાચ જૂના ઘા ભરાઈ જશે. અહીં પુત્રી-જમાઈનો ટેકો પણ હતો. બન્નેનો મધુ તરફનો વ્યવહાર ખૂબ સ્નેહભર્યો છે. બન્ને હંમેશાં સુખ-દુખમાં સાથ આપે છે. તેઓ પણ મધુને લગ્ન કરી લેવા ઘણી વિનંતી કરી ચૂક્યા છે, પરંતુ આ આઘાત પછી તેને તો પુરુષ જાત તરફ નફરત થઈ ગઈ છે. લગ્નનંુ નામ પડતાં જ ભડકી ઊઠે છે.''
''તમે મારા વિશે તેને કોઈ વાત કરી છે?'' દીપકે પૂછ્યું.
''ના. જરા પણ નથી કરી. કારણ કહેવાથી કોઈ ફાયદો નથી. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે આખી જિંદગી કુંવારી રહેશે અને તેના ગુરુ અને સાધ્વી અન્નપૂર્ણાની સેવામાં જીવન વિતાવશે.''
''આ ગુરુજી અને સાધ્વી અન્નપૂર્ણા કોણ છે?'' દીપકે સવાલ કર્યો.
''અહીં એક સત્સંગ આશ્રમ છે. મધુ દર રવિવારે સવારે ત્યાં ચાલી જાય છે અને સાંજે ઘરે પાછી આવે છે. હવે તો તે કહે છે કે તે તરત જ નોકરી છોડી સંન્યાસ લઈ લેશે. બે વાર ઋષિકેશ જઈ ચૂકી છે. ત્યાં પણ તેમનો આશ્રમ છે. તેના કહેવા મુજબ સાધ્વીની અપાર કૃપા તેના પર છે. તે તેને ઋષિકેશવાળા આશ્રમની જવાબદારી સોંપવાની ઇચ્છા રાખે છે.''
''તો આમ વાત છે.'' દીપકના મનમાં મંથન ચાલતું હતું. 'હકીકતમાં આ એક ગંભીર સવાલ હતો. વાત માત્ર આઘાત સુધી સીમિત હોત તો મારા પ્રયાસોથી તેનું નિરાકરણ થઈ શકવાની આશા રાખી શકાય તેમ હતી, પરંતુ અહીં તો ગુરુજી તથા સાધ્વી મહોદયા પણ બિરાજમાન છે.''
''ખેર, માજી, હવે તમે કહો. તમે મારા તરફથી કેવી આશા લઈને અહીં આવ્યાં છો. સંકોચ વિના કહેજો.''
''બેટા, હું તો ઇચ્છા રાખું છું કે મારા મૃત્યુ પહેલાં મધુનો સુખી સંસાર જોઉં. પુત્ર અને મોટી પુત્રી બન્ને તેમનાં પોતપોતાનાં ઘરોમાં સુખી છે... જો તે પણ આ લગ્ન માટે રાજી થઈ જાય તો અહીં તું પણ એકલો છે. તને જોઈને મનમાં આશા બંધાઈ ગઈ છે.''
''સાચું કહું માજી, હવે મધુ તરફ મને ખરેખર વધુ આકર્ષણ થયું છે અને તે પણ દયાના કારણે નહીં, પરંતુ પ્રશ્ન એ છે કે આ મુલાકાત અથવા વાતચીત કેવી રીતે કરવી? એ તો મને જોતાં જ મોં ફેરવી લે છે.''
''તંુ રવિવારે સાંજે અમારે ત્યાં આવજે. પાંચ-છ વાગ્યે મધુ પણ આશ્રમેથી પાછી આવી જાય છે, પરંતુ એને એ વાતોન જરસરખો અણસાર ન આવવો જોઈએ કે મારી અને તારી વચ્ચે બે-ત્રણ મુલાકાતો થઈ ચૂકી છે અને બીજું જે ઘટના ઘટી છે એની જરસરખી વાતની તને જાણકારી છે.''
''ઠીક છે. તમે સરનામું આપો. હું જરૂર આવીશ.''
''સામેનો મુખ્ય રોડ પાર કરી થોડે આગળ જતાં એક લીમડાનું ઝાડ છે. તેની પાસેની ગલીમાં બીજું મકાન અમારું છે. નંબર છે ૩૧૧, બ્લોક ૮.''
દીપક રવિવારની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો. હવે રોજ ઓફિસ જતાં આવતાં મધુ સાથે આંખો ચાર થતી હતી, પરંતુ મધુ તરત નજર ઝુકાવી લઈ ચહેરો બીજી તરફ ફેરવી લેતી હતી. દીપકને જરાસરખી આશા નહોતી છતાં પણ એ વિચારતો હતો કે પ્રયાસ કરવામાં શું જાય છે?
રવિવારે થોડી વાર અટકી અટકીને વરસાદનાં છાંટા પડતાં રહ્યાં. સાંજના સમયે દીપકને ઘરની કેટલીક વસ્તુઓ ખરીદવાની હતી. એટલે તે એ તરફ ચાલવા લાગ્યો. જે તરફ મધુનું ઘર હતું. એટલે તેને કોઈ પ્રકારની શંકા ન થાય કે આ પૂર્વનિયોજિત કાર્યક્રમ મુજબ અહીં આવ્યો છે.
મધુના ઘરની આગળ એક નાનકડું બજાર હતું. ત્યાંથી ચીજવસ્તુ ખરીદ કરી તે પાછો ફર્યો. લીમડાના ઝાડ પાસે પહોંચી તે ઊભો રહી ગયો. અને આમતેમ નજર કરી તે બાજુની ગલીમાં વળી ગયો.
પોતાના ઘરના દરવાજા પાસે ઊભેલી વૃદ્ધાને જોતાં જ તે સમજી ગયો કે તે યોગ્ય જગ્યાએ આવ્યો છે. એવું લાગ્યું કે જાણે મધુની મા તેની રાહ જોઈ રહી હતી તેણે હસીને ઊંચા અવાજે તેને બોલાવ્યો, ''બેટા, ક્યાં જઈ રહ્યો છે? આવ, અમે લોકો અહીં રહીએ છીએ.''
''અરે તમે... મધુની મા જ ને?'' દીપકે પણ જાણી સમજીને ઊંચા અવાજે કહ્યું.
''હા,... હા, શું ઓળખી નહીં?'' આવ, દીકરા,અંદર આવ. બહાર ઊભો રહી શા માળે પલળે છે... એકાદ કપ ચા તો પીતો જા.'' વૃદ્ધા બોલી દીપક આગળ ડગ ભરતાં બોલ્યો, ''વાહ માજી, માત્ર ચા જ? હું તો વિચારતો હતો કે વરસાદની મોસમ છે તો ભજિયાં પણ બનતાં હશે.''
''એ પણ બનશે.'' વૃદ્ધા બોલી પછી અંદર જતાં ઊંચે અવાજે બોલી, ''મધુ, જો તો કોણ આવ્યું છે?''
કદાચ દીપકના આગમનની જાણ મધુને થઈ ગઈ હતી એ તરત નીચે ઉતરી આવી હસતાં હસતાં બોલી, ''નમસ્કાર, શું ખરીદીને પાછાં જઈ રહ્યા છો?''
''બસ, થોડી ઘરની ચીજ વસ્તુ છે.'' દીપકે જવાબ આપ્યો, ''માજી, મકાન તો ઘણું સરસ છે. ઉપર કોણ રહે છે?''
''મધુ.'' તેણે હસતાં હસતાં કહ્યું.
''દીપકે ઉત્સુકતાથી મધુ તરફ જોયું તો તે જરા ઝંખવાઈ ગઈ, પરંતુ કશું બોલી નહીં.
''બેટા, તે તેનો મોટા ભાગનો સમય ઉપર જ વિતાવે છે ઉપર એક રૂમ છે. જે તેને સોંપી દીધો છે.'' પછી પુત્રી તરફ જોઈ બોલી, ''બેટા, બજારમાં જઈ થોડી ચીજવસ્તુ ખરીદીને આવું છું.''
''માજી, વરસાદમાં ક્યાં જશો?''
દીપક આગળ કશું કહેવા ઇચ્છતો હતો, પરંતુ વૃદ્ધાએ ઇશારો કરી તેને મૂંગા રહેવા કહ્યું.
દીવાનખંડમાં મધુ અને દીપક કેટલોક સમય મૂંગા બેસી રહ્યાં. પછી મધુએ વાતની શરૂઆત કરી. ''તમે રસોઈ જાતે બનાવો છો?''
''હા, બીજો કોઈ માર્ગ તો છે નહીં. વળી હોટલનં જમવાનું મને જરાય ગમતું નથી અને મોઘું પણ પડે.''
''લગ્ન શા માટે નથી કરતા?'' અજાણતાં મધુથી પૂછાઈ ગયું.
દીપકે પણ કશા ખચકાટ વિના સામો સવાલ કર્યો, ''તમે હજુ સુધી શા માટે લગ્ન નથી કર્યા?''
''બસ એમ જ.'' મધુને તરત કોઈ જવાબ ન સૂઝ્યો.
''કોઈને કોઈ કારણ તો જરૂર હશે જ. મેં તો મારા લગ્ન શાથી નથી થયાં, તે વાત માજીને સાફ રીતે કહી હતી. તો તમે સ્પષ્ટ વાત કરવા માટે કેમ સાહસ નથી કરતા?''
''ના, એવી કોઈ વાત પણ નથી.'' કહી મધુએ બારી બહાર નજર કરી પછી ગંભીર સ્વરમાં બોલી, ''આમ તો મારી સાથે થોડાં વરસ પહેલાં એક ગંભીર ઘટના બની હતી. બસ એ પછી પુુરુષ જાતિ તરફ મને ઘૃણા થઈ ગઈ છે.''
''કેવી ઘટના?''
''બસ, એ ન પૂછશો. જૂના જખમને તાજા કરવાથી શો ફાયદો?''
''પરંતુ કોઈ એક પુરુષના અયોગ્ય વર્તનને કારણે તમે આખી પુરુષ જાતને ઘૃણા કરવા લાગ્યા?''
''જુઓ, મારા પપ્પાને દારૂ પીવાની ખૂબ જ ખરાબ આદત હતી. નશામાં તેઓ મોટા ભાગે અમને ભાઈબેનોને ખરાબ ગાળો આપતા. અને માને મારપીટ કરતા હતા. હું આવા વાતાવરણમાં ઉછરી છું.
''જુઓ, જે દુ:ખદ સ્થિતિમાંથી તમારે પસાર થવંુ પડયું એના કારણે કોઈ પણ યુવતી કેટલોક સમય અસામ્ય બની શકે છે. કેટલાક દિવસો માટે તે પોતાની સમતુલા પણ ખોઈ શકે છે અને તેને પુુરુષ જાત તરફ નફરત થઈ શકે છે, પરંતુ સમય જતાં બધા ઘા રુઝાઈ જતા હોય છે.
એક વાર હું બસમાં પ્રવાસ કરતો હતો. અચાનક એક ટ્રક અમારી બસ સાથે અથડાઈ. હું ડ્રાઇવરની પાછળની બેઠક પર હતો એટલે આ અકસ્માતને મેં નજરે જોયો હતો. ઘણો માર વાગ્યો હતો. એ અકસ્માત પછી પાંચ-છ મહિના પછી હું જ્યારે બસમાં પ્રવાસ કરતો ત્યારે મનમાં ભય થતો કે સામે આવતું વાહન જરૂર આ બસ સાથે અથડાશે, પરંતુ આવો અકસ્માત ફરી ક્યારે પણ બન્યો નથી.''
''જો હું એવું વિચારત કે બસની મુસાફરી ખૂબ જ ખતરનાક છે તો મારે ક્યારે પણ બસમાં મુસાફરી ન કરવી જોઈએ. તો તમે જ કહો કે કેટલી યોગ્ય વાત કહેવાય?''
''પરંતુ બસ અકસ્માત અને મારી સાથે ઘટેલી ઘટનામાં આસમાન જમીનનો ફરક છે. હું એ ત્રાસભર્યો વર્તાવ જીવનના અંતિમ શ્વાસ સુધી ભૂલી નહીં શકું.'' દુ:ખ અને પીડામાં વ્યથિત બનેલા ભાવે તે બોલી.
''જુઓ, જે પુરુષે તમારા પર અમાનુષી અત્યાચાર કર્યો તેનો ગુનેગાર એ છે. સજા એને મળવી જોઈએ તો પછી તમે તમારી જાતને શા માટે દંડી રહ્યા છો?''
એટલામાં દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો. મધુ ઊઠીને બહાર ગઈ ત્યારે મા બોલી, ''હું ચા બનાવી લાવું છું. તું દીપક સાથે વાતો કર.''
મધુ ફરી પાછી આવી ત્યારે વાતના તંતુને ફરી સાધતા ધીરેથી તે બોલ્યો, ''જવાબ આપો, તમે શા માટે તમારી જાતને સજા આપી રહ્યા છો?''
''દીપકજી, આવી બેકાર વાત છોડો. મારો નિશ્ચય અટલ છે. એ કોઈ બદલી શકે તેમ નથી. હું ત્રણ-ચાર વર્ષમાં સત્સંગ આશ્રમમાં ચાલી જવાની છું. ત્યાં મારા મનને શાંતિ મળે છે, મારું જીવન હવે સ્વામીજીના ચરણોમાં સમર્પિત છે. હું નોકરી છોડી સંન્યાસ લઈશ અને બાકીનું જીવન ત્યાં ગાળીશ.''
''પરંતુ...''
''પણબણ કશંુ નહીં.'' મધુએ ઠંડો જવાબ આપ્યો, ''મહેરબાની કરીને હવે તમે આ વિષયમાં કશી આગળ વાત ન કરશો. બીજી એક વાત કે તમે ભવિષ્યમાં પણ ક્યારે મારી સાથે લગ્નની વાતનો વિચાર સુદ્ધાં કરશો નહીં.'' એટલામાં મા ચા લઈને આવી. મધુ ચા પી તરત ઉપરના રૂમમાં ચાલી ગઈ. એના ગયા પછી વૃદ્ધાએ ધીરેથી દીપકને પૂછ્યું, ''કશી વાત થઈ?''
''હા, વાત તો થઈ, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. એ કદાચ પથ્થર બની ગઈ છે. એની અંદરનો જિંદગી જીવવાનો ઉત્સાહ મરી પરવાર્યો છે. તેનામાં પ્રેમ, સ્નેહ જેવી કોમળ ભાવનાઓનું ઝરણું સૂકાઈ ગયું છે. તે એક વેરાન, ભયાનક રણમાં બદલાઈ શકે છે. હવે તમે પણ તેના લગ્ન વિશે તેની સાથે વાત ન કરો એ જ સલાહભર્યું છે.''
સમય એની ગતિથી ચાલતો રહ્યો. સાત-આઠ મહિના પછી એક દિવસ સાંજે રજા પછી જ્યારે દીપક ઇન્ડસ્ટ્રીયલ એરિયાના બસસ્ટોપ પર ઊભો હતો. ત્યારે કોઈ નારીસ્વર 'નમસ્કાર' કરતો કાને પડયો. એ ચમકી ગયો.
''અરે, મધુ તમે?'' દીપકે આશ્ચર્ય સાથે તેની સામે જોઈ કહ્યું. ''કહો, મા કેમ છે? તબિયત તો સારી છે ને?''
''હાજી, પરંતુ તે વારંવાર તમને યાદ કરે છે. ક્યારેક ઘરે આવશો તો મા ખુશ થશે.''
''અને તમે?'' દીપકે તેની નજર સાથે નજર મેળવતાં સવાલ કર્યો.
''એમ સમજો કે આ નિમંત્રણ અમારા બન્ને તરફથી છે.'' મધુના અઘર પર સ્મિત હતું. આવું સ્મિત તેણે પહેલાં ક્યારે પણ જોયું નહોતું.
એટલામાં બસ આવી ગઈ. બન્ને તેમાં ચડી ગયા. મુસાફરી દરમિયાન કશી વાતચીત ન થઈ શકી, પરંતુ બસમાંથી ઉતરતાં મધુએ ફરી વાર ઘરે આવવાનું આમંત્રણ આપ્યું અને દીપકે બીજા દિવસે આવશે એવું વચન આપ્યું.
બીજા દિવસે સાંજે જ્યારે દીપક મધુના ઘરે પહોંચ્યો ત્યારે તે એકલી હતી. પૂછતાં જાણવા મળ્યું કે તેની મા કોઈ નજીકના સંબંધીના ખબરઅંતર પૂછવા હોસ્પિટલ ગઈ હતી.
''તમે ઊભા છો કેમ? બેસોને?'' મધુએ સોફા તરફ ઇશારો કરતાં કહ્યું અને ઉમેર્યું, ''હું ચા બનાવીને આ આવી.''
''ના, ચા તો માજી આવશે ત્યારે પીશ પહેલા એ કહો કે તમે, મારા કહેવાનો હેતુ એ છે કે તમે અને માતાજીએ કોઈ ખાસ કારણસર મને અહીં બોલાવ્યો છે?'' દીપકે સહેજ હસીને પૂછી લીધું.
''હા, ખાસ હેતુ તો છે'' મધુએ પણ સામે પડેલી ખુરશી પર બેસતાં કહ્યું, ''પરંતુ હેતુ ત્યારે જ પાર પાડશે જ્યારે તમારા તરફથી હકારાત્મક જવાબ મળશે.''
''જવાબ, મારા તરફથી? કઈ બાબતમાં?''
''હા...'' મધુના ગાલ પર શરમની સુરખી લીંપાઈ ગઈ, ''શું તમે હજુ સુધી એકલા જ છો?''
''શું મારા માટે કોઈ છોકરી શોધી કાઢી છે કે શું?''
''એમ જ સમજો ને, પરંતુ તમારો નિર્ણય જણાવવામાં મોડું ન કરશો નહીં તો સામેવાળી પાર્ટીનો મિજાજ બદલાતાં વાર નહીં લાગે.''
મધુની વાતનો મર્મ સમજી જતાં દીપકે ગંભીર સ્વરે કહ્યું, ''કદાચ હવે સામેની પાર્ટીનો મિજાજ બિલકુલ નહીં બદલાય. અકસ્માત બદલવાનું કારણ જાણી શકવા આતુર છું.''
''એમ સમજો કે કોઈ બીજા આઘાતમાંથી એ આબાદ ઉગરી ગઈ.''
''શું.... બીજો આઘાત? પણ ક્યાં અને કેવી રીતે?'' દીપક ચમકીને પૂછી બેઠો.
''જે સ્વામીને હું પૂરી શ્રદ્ધા અને નિષ્ઠા સાથે નમન કરતી હતી તે મારી લાજ લૂંટવા માટે એકદમ આતુર બની ગયો. એ પાખંડી સાધ્વી આ ઘૃણાભર્યા કામમાં પૂરેપૂરો સાથ આપતી હતી. ત્યારે ત્યાંથી એક વ્યક્તિએ મને કહ્યું કે સાધ્વી અન્નપૂર્ણા સ્વામીની રખાત છે અને તેની ઇચ્છા પરિપૂર્ણ કરવા માટે ભલી ભોળી નિર્દોષ છોકરીઓને પટાવી તેને ચરણે ધરી દે છે. બન્ને સાથે મળીને આશ્રમની મોટી સંપત્તિ ઉડાવી આનંદ લૂટી રહ્યાં છે.''
''ઓહ...'' દીપકે મધુની નજીક આવી તેના ખભા પર હાથ મૂકતાં કહ્યું, ''હું તો પેહલાં પણ તમને સાવચેત કરવાની ઇચ્છા રાખતો હતો, પરંતુ તમે તો સાંભળવા પણ તૈયાર નહોતા. તમે નકામાં મૃગતૃષ્ણા પાછળ ભટકી રહ્યાં છો. આ મઠ, આશ્રમો અને મંદિરોમાં જઈને કશું પણ મેળવી શકાતું નથી. ખેર, જે ગઈ ગુજરી છે તે ભૂલી જાવ અને ભવિષ્યના જીવન વિશે વિચાર કરો.''
''એજ તો વિચારું છું.'' મધુએ ગરદન ઘુમાવી દીપક તરફ નજર કરી, ''લોકો સાચું કહે છે કે આપણા સમાજમાં એકલી સ્ત્રી સુરક્ષિત નથી રહી શકતી. બાળપણમાં પિતા, યુવીનામાં પતિ અને વૃદ્ધા વસ્થામાં પુત્રની છત્રછાયા અને રક્ષણની જરૂર રહે છે. મેં ખૂબ જ સમજી વિચારીને આ નિર્ણય કર્યો છે...'' પ્રેમભરી નજરે દીપકની તરફ જોતી મધુ મૂંગી થઈ ગઈ.
''શા માટે વાત અધૂરી છોડી દીધી?'' દીપકે પૂછ્યું, ''કહો શું નિર્ણય કર્યો છે?''
''એ જ કે હવે આપણે બન્ને જીવનની સફર સાથે શરૂ કરીશું. હવે મેં ભૂતકાળની તમામ સ્મૃતિઓને ફગાવી દીધી છે. કદાચ એક માર્ગ આપણી પ્રતીક્ષા કરી રહ્યો છે...''
''મધુ, જો આ બીજો આઘાતજનક બનાવ બન્યો ન હોત તો તમે મને તમારા જીવનમાં પ્રવેશવાનું આમંત્રણ આપત ખરાં?'' દીપકે ધીરેથી કહ્યું. ''ચૂપ...'' મધુ ઝટ બોલી, ''હવે એ આઘાતજનક બનાવોને હું યાદ કરવા નથી ઇચ્છતી હવે તો તમે જ મારા જીવનસાથી છો. જ્યાં લઈ જશો ત્યાં આવીશ. આ દાસી તમારી પાછળ તમારા પગલે પગલું ભરવા તૈયાર છે.'' આમ કહી મધુ ખુદ દીપકની બાહોમાં સમાઈ ગઈ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GGDmvs
No comments:
Post a Comment