'ચીને પીછેહટ કરવી જ પડશે': રાજનાથસિંહ સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીઓની પ્રથમ મુલાકાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 4 September 2020

'ચીને પીછેહટ કરવી જ પડશે': રાજનાથસિંહ સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીઓની પ્રથમ મુલાકાત


પડોશી દેશો વિકાસ ઈચ્છતા હોય તો આક્રમક નીતિ પડતી મુકે

(પીટીઆઈ) મૉસ્કો, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠક માટે રશિયાના પ્રવાસે છે. આજે તેમની મુલાકાત ચીનના સંરક્ષણ મંત્રી વાઈ ફેંગ સાથે થઈ હતી. આ મીટિંગ માટે ચીની સંરક્ષણ મંત્રીએ જ વિનંતી કરી હતી.  મે મહિનાથી ચાલી રહેલા ભારત-ચીન સંઘર્ષ પછી બન્ને દેશના નેતાઓ વચ્ચે આ પ્રથમ ઊચ્ચ કક્ષાની મીટિંગ હતી.

એ દરમિયાન રાજનાથ સિંહે ચીને પીછેહટ કરવી જ પડશે એવો સંદેશો ભારપૂર્વક ચીનને આપ્યો હતો. મીટિંગ દરમિયાન રાજનાથ સિંહના આક્રમક હાવભાવ ધરાવતી તસવીરો સામે આવી હતી. સોશિયલ મીડિયામાં આ તસવીરો ચર્ચાસ્પદ બની હતી અને ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહેવા બદલ રાજનાથ સિંહની પ્રસંશા થઈ હતી. 

એ પહેલા રાજનાથ સિંહે એસસીઓ અને અન્ય સુરક્ષા સમિતિઓની બેઠક સંબોધી હતી. એ દરમિયાન ચીની વિદેશ મંત્રી વાઈ ફેંગની હાજરીમાં જ રાજનાથ સિંહે ચીનને કેટલાક મેણા માર્યાં હતા. રાજનાથ સિંહે કહ્યું હતું કે શાંતિ સ્થાપવી હોય તો પહેલા વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવું જોઈએ. તેમણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદની પણ ટીકા કરી હતી. 

એસસીઓએ એ એશિયા અને યુરોપના દેશોનું સંયુક્ત સંગઠન છે અને ચીનના શાંઘાઈમાં 2001માં સ્થાપના થઈ હોવાથી તેના નામે ઓળખાય છે. તેની બેઠકમાં એસસીઓના આઠ સભ્ય દેશો અને અન્ય ઓબ્ઝર્વર રાષ્ટ્રો મળી રહ્યાં છે.

ભારત અને ચીન વચ્ચે ચાર મહિનાથી સંઘર્ષ ચાલી રહ્યો છે. એ પછી પહેલી વખત બન્ને દેશના ટોચના નેતા અહીં સામ-સામે આવ્યા છે. રાજનાથ સિંહે ફેંગની મોજુદગીમાં જ કહ્યું હતુ કે યુરેશિયામાં વિશ્વાસના વાતાવરણની જરૂર છે અને ખોટી આક્રમતાનો કોઈ અર્થ નથી.

એ જાણીતી વાત છે કે ચીન સાથેનો સંઘર્ષ માત્રને માત્ર ચીનની આક્રમકતાને કારણે જ ઉભો થયો છે. બીજા વિશ્વયુદ્ધની પૂર્ણાહુતીને 75મુ વર્ષ થયું છે. આ અંગે રાજનાથ સિંહે કહ્યું હતું કે યુદ્ધ વખતે સર્વનાશ થયો હતો એ આપણે જાણીએ છીએ. માટે તેમાંથી શાંતિથી રહેવાની શીખ મેળવવી જોઈએ. 

એસસીઓના સભ્ય દેશો ભેગા થાય તો વિશ્વની 40 ટકા વસ્તી તેમાં આવી જાય છે. માટે આ દેશોએ મળીને વિશ્વશાંતિ માટે પહેલ કરવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જોઈએ તેવુ સંરક્ષણ મંત્રીએ નામ લીધા વગર ચીની સંરક્ષણ મંત્રીની હાજરીમાં જ કહ્યું હતું.

બીજા વિશ્વયુદ્ધના વિજયની યાદમાં રશિયાએ લશ્કરી સ્મારક અને સંગ્રહાલય તૈયાર કર્યું છે. કેથેડ્રલ ઓફ આર્મડ ફોર્સિસ નામના આ કિલ્લાની પણ રાજનાથ સિંહે બેઠક પહેલા મુલાકાત લીધી હતી. હજુ જૂન મહિનામાં જ આ કેથેડ્રલ ખુલ્લો મુકવામાં આવ્યો છે.

ભારત 7.7 લાખ રાઈફલ ખરીદશે

ભારતે રશિયા પાસેથી પોણા આઠ લાખ નંગ એકે-47-200 રાઈફલ ખરીદવાનું નક્કી કર્યું છે. જગવિખ્યાત એકે-47 રાઈફલનું એ આધુનિક વર્ઝન છે. આ રાઈફલ 1 મિનિટમાં 600 રાઉન્ડ ફાયર કરી શકે છે. એક રાઈફલની અંદાજિત કિંમત 80 હજાર રૂપિયા છે. સાત લાખ પૈકી એક લાખ આયાત થશે, જ્યારે બાકીની છ લાખ ભારતમાં બનશે. વર્ષોથી વપરાતી ઇન્સાસ રાઈફલનું સ્થાન આ નવી રાઈફલો લેશે.

રશિયા પાકિસ્તાનને શસ્ત્રો નહીં વેચે

રશિયાએ આજે ભારતને ખાતરી આપી હતી કે તેઓ પાકિસ્તાનને કોઈ હથિયાર વેચશે નહીં. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રશિયાના પ્રવાસે છે. ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણના વિવિધ કરાર થઈ રહ્યા છે. એ દરમિયાન આ કરાર પણ થયો હતો. ભારત રશિયા પાસેથી દાયકાઓથી હથિયારો ખરીદે છે. એટલે ભારતના હિતો જાળવવા માટે રશિયાએ આ ખાતરી આપી હતી. સામાન્ય રીતે સંરક્ષણના સોદામાં એક દેશને જે હથિયાર કે સામગ્રી વેચવામાં આવે એ તેના દુશ્મન દેશને વેચવામાં નથી આવતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h5xBE5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages