ચીનની જાસૂસી જાળ . - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 10 September 2020

ચીનની જાસૂસી જાળ .


જાસૂસીમાં ઈઝરાયેલ અને અમેરિકા પછી ચીનનો નંબર આવે છે. ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદ પરાકાષ્ઠાએ હતો ત્યારે મિત્રરાષ્ટ્ર સિરિયાને બચાવવા રશિયાએ આરબ અને અન્ય મુસ્લિમ દેશોમાં જે જાસૂસી માયાજાળ પાથરી હતી તે પણ સીઆઈએને કે મોસાદને પછાડી દે તેવી હતી. બહાર દેખાતી દુનિયાની ભીતર એક બહુ જ મોટી જાસૂસી દુનિયા છે. એ પણ જેમ્સ હેડલી ચેઈઝની નવલકથા જેવી સનસનાટીથી ભરપૂર છે. આજ સુધી તો જાપાન અને દક્ષિણ કોરિયામાં ચીન સતત જાસૂસી કરતું રહ્યું છે.

ઉક્ત બન્ને દેશોની જેલમાં અનેક ચીની જાસૂસો અત્યારે કેદ છે, અમેરિકા સાથે છેડાયેલા અને હવે વણસી ગયેલા ટ્રેડવોર બાદ ચીને હવે આગવું કોર્પોરેટ જાસૂસી તંત્ર વિસ્તાર્યું છે જે દુનિયાની કોઈ પણ ટોચની ટેકનિકલ કંપનીનો તમામ ડેટા ઓન હેન્ડ ધરાવે છે. ચીન અને રશિયા આ બન્ને દેશો હવે હેકર્સનું સ્વર્ગ માનવામાં આવે છે. કોઈ પણ નિષ્ણાત હેકર્સને તેઓ ઊંચામાં ઊંચા પેકેજમાં રાખી લેવા તત્પર હોય છે.

ટ્રેડવોર શરૂ થયા પછી ચીન માટે માત્ર કેટલાક દેશો જ શત્રુઓ નથી, કેટલીક કંપનીઓ પણ દુશ્મન છે. જ્યાં પોતાના વ્યાપાર હિતો જોખમાતા હોય તેવી તમામ કંપનીઓને ચીન ગુપ્ત રીતે બ્લેક લિસ્ટેડ નહીં પરંતુ શેડો લિસ્ટેડ કરે છે. એટલે કે તેઓ એ કંપની સાથે તમામ વ્યવહારો કરે જ છે અને કદી પણ ખ્યાલ આવવા દેતા નથી કે ચીન એ કંપનીને હવે દુશ્મન માને છે.

હમણાં ચીને ત્રીસ કંપનીઓને શેડો લિસ્ટેડ કરી છે. અને આ તમામ કંપનીઓની સંપૂર્ણ કારોબાર, હિસાબ અને ઉત્પાદન-ગ્રાહક સંબંધિત વિગતો એકત્રિત કરી લીધી છે. આજની દુનિયાની સંખ્યાબંધ કંપનીઓ એવી છે કે જેની મુખ્ય ઓફિસમાં જ કોમ્પ્યુટરો છે તે ચીનમાં બનેલા છે અથવા તો ચીની સામગ્રીનું જ એસેમ્બલિંગ કરવામાં આવ્યું છે.

એ તો હવે જાણીતી વાત છે કે બહુ શરૂઆતથી ચીને કોમ્પ્યુટરના મધર બોર્ડમાં એક સ્પાય માઇક્રોચિપ્ ફિટ કરેલી છે જે એ કોમ્પ્યુટરમાં થતા તમામ કામકાજની એક નકલ બેજિંગના મેઇન જાસૂસી સર્વરમાં મોકલી આપે છે. આ રીતે ચીને દુનિયાના વ્યાપાર-વાણિજ્ય પરનું પોતાનું મોનિટરિંગ વધાર્યું છે.

આ પ્રકારના ડેટાનો ઉપયોગ કરીને ચીન સંબંધિત કંપનીઓની વ્યૂહરચના એડવાન્સમાં જાણી લે છે અને જે તે કંપનીના વિકાસમાં અંતરાયો ઊભા કરી શકે છે. પશ્ચિમના દેશોમાં ચીની ટેકનિકલ ઉત્પાદનોને હવે જે જાકારો મળી રહ્યો છે તે માત્ર ટ્રેડવોરને કે કોરોનાને કારણે નહિ, ચીનની જાસૂસી વૃત્તિને કારણે પણ ચીન પૂરેપૂરું બદનામ છે.

એટલે કે હવે આ સમય છે જાપાન અને જર્મનીના પુનરોદયનો. કારણ કે જાપાન અને જર્મની એ દેશો છે જેની નકલ કરીને ચીન આગળ આવ્યું છે. એપલ અને એમેઝોન કંપનીના આંતરિક ઇન્ટેલિજન્સ બ્યુરોએ પણ જાહેર કરી જ દીધું છે કે અમારી બધી જ પ્રવૃત્તિઓ પર ચીન બાજ નજર રાખે છે.

આ બન્ને કંપનીઓએ પોતાને ત્યાં લાગેલા તમામ ચીની બનાવટના કોમ્પ્યુટરો અને ટેકનિકલ સાધનો ભંગારના ભાવે વેચી દીધા છે અને એના સ્થાને જાપાન અને જર્મનીની ટેકનોલોજી આયાત કરી છે.

અત્યારે ચીનના શેડો લિસ્ટમાં દુનિયાની કુલ ત્રીસ ટોચની કંપનીઓ છે જેનું ટર્નઓવર વાષક કરોડો ડોલરનું થવા જાય છે. ચીને આજ સુધીમાં પોતાની અનેક સ્પર્ધક કંપનીઓ પર સાયબર એટેક પણ કરેલા છે.

અમેરિકન સરકાર માટે એક નવા જ પ્રકારના સ્વચ્છતા અભિયાનની નોબત આવી છે. કારણ કે અમેરિકી જાસૂસી તંત્ર પાસે પણ સંખ્યાબંધ ઉપકરણો ચીની બનાવટના છે.

પેન્ટાગોનના ફયુચર વોર અભ્યાસી અને સંશોધકોએ તમામ ચાઈનીઝ કોમ્પ્યુટરો ફેંકી દેવા કહ્યું છે. જો કે એફબીઆઈને આ કહેવું પડે એ જ એના નાકને ઘસરકો લાગ્યા બરાબર છે. ચીને કેટલી હદ સુધી તેની જાળ બિછાવી છે તેનો તો આ એક નમૂનો છે.

તબક્કાવાર આ તમામ ટોચની કંપનીઓએ હવે વિવિધ ચીની કંપનીઓ સાથેની ભાગીદારી ખત્મ કરી નાંખી છે. આનાથી ચીનને મોટો ફટકો પડયો છે. ચીની મીડિયામાં આ ઘટનાઓને ટ્રેડ વોરનો એક ભાગ હોય એ રીતે બતાવવામાં આવે છે જ્યારે કે હકીકત એ છે કે ચીની જાસૂસી તંત્ર હવે ખુલ્લું પડી જતાં મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા તેનો બહિષ્કાર શરૂ થઈ ગયો છે. દુનિયામાં વિશ્વાસઘાતનું બીજું નામ ચીન હતું અને ચીન છે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hlwq3H

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages