રિલાયન્સ 200 અબજ ડૉલરનું મૂલ્ય ધરાવતી દેશની પ્રથમ કંપની બની - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 10 September 2020

રિલાયન્સ 200 અબજ ડૉલરનું મૂલ્ય ધરાવતી દેશની પ્રથમ કંપની બની


મુંબઈ/અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર

મુકેશ અંબાણીની રિલાયન્સ દેશની પ્રથમ એવી કંપની બની છે, જેની માર્કેટ કેપ 200 અબજ ડૉલર નોંધાઈ હોય. આ ઉછાળો જોકે શેરના ભાવમાં થયેલા વધારાને કારણે થયો હતો. જગતની સૌથી મોટી પૈકીની એક એમેઝોન રિલાયન્સમાં રોકાણ કરે એવી શક્યતા છે. રિલાયન્સ અને એમેઝોન વચ્ચે ડીલ થઈ રહી છે. 

એમેઝોન રિલાયન્સના રિટેલ બિઝનેસમાં 20 અબજ ડૉલર રોકવા માંગે છે. આ સોદો થશે તો ભારતના સૌથી મોટા રોકાણ સોદા પૈકીનો એક હશે. તેના પગલે રિલાયન્સના શેરમાં ઊછાળો આવ્યો હતો. બ્લૂમબર્ગના આંકડા પ્રમાણે બુધવારે સાંજે રિલાયન્સનું મૂલ્ય 201 અબજ ડૉલર (14764 અબજ રૂપિયા)એ પહોંચ્યુ હતું. 

એમેઝોન સાથે રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાટાઘાટ ચાલી રહી હોવાનું અને આ સંભવિત સોદામાં એમેઝોને રસ દાખવ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે.

અત્રે નોંધનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેની સબસીડિયરી રિલાયન્સ રીટેલમાં 40 ટકા જેટલું હોલ્ડિંગ એમેઝોનને વેચવાની ઈચ્છા હોવાનું કહેવાય છે. એમેઝોનના જેફ બિઝોસ અને એશીયાના સૌથી ધનવાન મુકેશ અંબાણી હરીફોમાંથી વિશ્વના સૌથી ઝડપી વિકસતા કન્ઝયુમર માર્કેટોમાં સહયોગી બની જશે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં થઈ રહેલા વેલ્યુ અનલોકિંગને પગલે આજે કંપનીના શેરમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની વિક્રમી તેજીએ શેર રૂ.153.40 ઉછળીને નવી રૂ.2314.65ની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી જવા સાથે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 200 અબજ ડોલરની નવી વિક્રમી ઊંચાઈને પાર કરી ગયું હતું.

આ સાથે રિલાયન્સ રીટેલમાં કંપની દ્વારા વૈશ્વિક જાયન્ટ એમેઝોન ડોટ કોમ ઈન્ક.ને 20 અબજ ડોલરનું હોલ્ડિંગ ઓફર કર્યાનું જાણવા મળે છે. જેના પરિણામે આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આક્રમક ખરીદી નીકળી હતી. આ સાથે કંપનીના શેરનો ભાવ માર્ચ 2020માં બાવન સપ્તાહના રૂ.867.82ના તળીયેથી અત્યાર સુધીમાં 160 ટકા જેટલો ઉછળીને રૂ.2343.90ની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો છે.

કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂપિયામાં રૂ.14.65 લાખ કરોડ જેટલું પહોંચી ગયું છે. આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પાર્ટલી પેઈડ-અપ શેરનો ભાવ પણ આજે રૂ.126.75 ઉછળીને રૂ.1394.55 પહોંચી ગયો હતો. રિલાયન્સ 200 અબજ ડોલરનું માર્કેટ કેપિટલાઈઝેશન પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. 

રિલાયન્સ રીટેલ સુપરમાર્કેટસ, ભારતમાં સૌથી મોટા કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ ચેઈન સ્ટોર, કેશ એન્ડ કેરી હોલલેસલર, ફર્સ્ટ-ફેશન આઉટલેટ્સ અને ઓનલાઈન ગ્રોસરી સ્ટોર જિયોમાર્ટ ચલાવે છે. રિલાયન્સ દ્વારા માર્ચ 2020ના અંતના વર્ષમાં રૂ.1.63 લાખ કરોડ(22 અબજ ડોલર)ની આવક કરવામાં આવી છે. કંપની દેશમાં 7000 ગામોમાં 12,000 સ્ટોરનું નેટવર્ક ધરાવે છે.

ચારે તરફથી રિલાયન્સમાં આવતું અઢળક રોકાણ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેલિફોર્નિયા સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી ફંડ સિલ્વર લેઈક પાર્ટનસે દ્વારા રિલાયન્સ રીટેલમાં રૂ.7500 કરોડનું રોકાણ કરીને 1.75 ટકા હોલ્ડિંગ ખરીદ્યું છે. આ સાથે અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી કંપની કેકેઆર એન્ડ કંપની દ્વારા રિલાયન્સ રીટેલમાં એક અબજ ડોલરનું અને એલ કેટ્ટરટોન દ્વારા પણ રોકાણ કરવા માટે વાટાઘાટ થઈ રહ્યાનું જાણવા મળે છે. 

આ સાથે રિલાયન્સ રીટેલ વેન્ચર્સનું મૂલ્ય રૂ.4.21 લાખ કરોડ એટલે કે 57 અબજ ડોલર જેટલું થયું છે. રિલાયન્સ દ્વારા તેના ટેકનોલોજી સાહસ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં ફેસબુક ઈન્ક., ગુગલ, જનરલ એટલાન્ટિક, ટીપીજી, કેકેઆર, સિલ્વર લેઈક, એલ કેટ્ટરટોન, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ, અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, મુબદ્દલા ઈન્વેસ્ટમેન્ટ કંપની અને પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ઈન્ટેલ કેપિટલ અને ક્વોલકોમ વેન્ચર્સ સહિતના વૈશ્વિક રોકાણકારોને 25.24 ટકા એટલે કે 20 અબજ ડોલરના હોલ્ડિંગનું વેચાણ કરાયા બાદ હવે અંબાણી દ્વારા રિલાયન્સ રીટેલ વેન્ચર્સમાં વેલ્યુ અનલોકિંગ સાથે આ જંગી હોલ્ડિંગ વેચવાની શરૂઆત કરવામાં આવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RgjiSI

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages