પાલનપુર, અંબાજી, તા.16 ઓગસ્ટ 2020, રવિવાર
ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં આ પંથકમાં આ વર્ષે એક સમયે વરસાદ ખેંચાતા દુષ્કાળ પડવાની ચિંતાને લઈ ખેડૂત આલમમાં ચિંતા જોવા મળી રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ ખાબકતા નદી, નાળા, તળાવ, ચેકડેમ પાણીથી છલકાઈ ગયા છે.
પાટણ જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસતા ખેડૂત આલમમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. ૧૦ દિવસ અગાઉ વરસાદ ન આવતા ખેડૂતો ચિંતા જોવા મળી રહી હતી. હવે જિલ્લાને મેઘરાજાએ બાનમાં લીધો હોય તેમ એક બાદ એક તાલુકામાં સારો વરસાદ પડી રહ્યો છે. જેમાં શનિવારે પાટણમાં ૩.૫ ઈંચ, હારીજમાં ૨.૫ ઈંચ તો શંખેશ્વર અને સમી તાલુકામાં ૧-૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ પાટણ, હારીજ, શંખેશ્વર તેમજ સમીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે બીજી તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસુ જામ્યું હોય ઠેરઠેર વરસાદ ખાબકી રહ્યો છે. જેને લઈ સુકી ભઠ્ઠ લોકમાતા બનાસ નદી સજીવન થઈને બન્ને કાંઠે વહેવા લાગી છે. તો કેટલાક ગામના તળાવોમાં પણ નવા નીરની આવક થઈ છે. જે વચ્ચે રવિવારે યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો કેક્ટર દ્વારા ફરી જિલ્લામાં આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભાર ેવરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને લોકો દ્વારા તાકીદ કરાઈ છે અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાનો આદેશ કરાયો છે. જોકે બનાસકાંઠા જિલ્લો છેલ્લા બે વર્ષના અપુરતા વરસાદથી અછતનો સામનો કરી રહ્યો હતો ત્યારે ચાલુ વર્ષે જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૮.૪૪ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે.
વરસાદને પગલે વાહનચાલકોએ લાઈટ ચાલુ કરવી પડી
પાટણ જિલ્લામાં શનિવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા અંધકારમય બની ગયું હતું. જેને લઈ સમી-રાધનપુર હાઈવે પર ભારે વરસાદને પગલે વાહનચાલકોએ ભરબપોરે લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. જોકે કેટલાક વાહનચાલકોને વરસાદને પગલે સામે કઈ ન દેખાતા રસ્તાની બાજુમાં ઉભા થઈ ગયા હતા.
પાટણ જિલ્લાના વરસાદી આંકડા
તાલુકો મીમી
પાટણ ૮૩
હારીજ ૬૨
શંખેશ્વર ૨૯
સમી ૨૪
સરસ્વતી ૧૦
રાધનપુર ૧૦
સાંતલપુર ૯
ચાણસ્મા ૨
સિદ્ધપુર ૦
બનાસકાંઠાં જિલ્લાના વરસાદના આંકડા
અમીરગઢ ૫૬.૧૩
કાંકરેજ ૩૭.૭૩
ડીસા૪૩.૫૮
થરાદ ૫૫.૬૧
દાંતા ૪૮.૬૫
દાંતીવાડા ૯૧.૦૬
દિયોદર ૪૩.૦૨
ધાનેરા૩ ૯.૭૦
પાલનપુર ૫૩.૪૯
ભાભર ૪૫.૫૦
લાખણી ૪૭.૯૨
વડગામ ૫૧.૭૮
વાવ ૨૧.૬૬
સુઈગામ ૫૪.૭૬
જિલ્લાનો ૪૮.૪૪ ટકા વરસાદ
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3atHDgR
No comments:
Post a Comment