
હું ૩૫ વરસની મહિલા છું. મારી ગરદનની ત્વચા કાળી પડી ગઇ છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.
એક મહિલા (નવી મુંબઇ)
વધતી ઊંમરની અસર ગરદન પર પહેલાં પડતી હોય છે.કારણ કે, ગરદન પર સિબેશિયમ ગ્લેન્ડસ ઓછા હોય છે. ક્રીમયુક્ત ક્લિંઝરથી ફાયદો થશે. મસાજ કરીને તરત ધોઇ નાખવું નહીં. પછી રૂના પૂમડાથી સાફ કરવું. થોડા દિવસ નિયમિત સાફ કરવાથી ત્વચા સાફ થશે. સ્ક્રબ કરવાથી પણ ફાયદો થશે. દહીંને કાળાશ પડતી ત્વચા પર લગાડવાથી તે બ્લિચનું કામ કરશે. અડધો કલાક સુધી લગાડી રાખવું. અને પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવું. અને પછી ક્રિમ લગાડવું.
હું ૧૯ વરસની યુવતી છું. મારી ત્વચા રૂક્ષ છે મને નાઇટ ક્રિમ લગાડવાની યોગ્ય રીત જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
થોડું નાઇટ ક્રિમ હથેળી પર લઇ બંને હાથે રગડી લેવું. એમ કરવાથી ઊર્જા ઉત્પન્ન થશે. તેમજ ક્રિમ પણ પીગળશે. હળળે હાથે મસાજ કરવું. લગાડતાં પહેલાં ક્રિમને હુંફાળુ પીગળાવી શકાય પરંતુ તે ગરમ ન થાય તેનું ધ્યાન રાખવું.
હું ૨૦ વરસની સુરતની આસપાસના ગામડામાં રહેતી યુવતી છું. મને વેક્સિંગ વિશે થોડી માહિતી આપશો.
એક યુવતી (સુરત)
વેક્સિંગ કર્યા બાદ એન્ટી બેકટેરિયલ ક્રિમ લગાડવું. જેથી રેસિષ ન પડે. જો શરીરના કોઇ ભાગ પર ઘા હોય તો ત્યાં વેક્સિંગ કરવું નહીં.વેક્સિંગ કર્યા બાદ શક્ય હોય તો ઢીલા કપડા પહેરવા. હવે તો માર્કેટમાં વેક્સિંગ કરવાની ડિસ્પોઝેબલ પટ્ટીઓ મળે છે તેનો જ ઉપયોગ કરવો જેથી કોઇ ઇન્ફેકશનની શક્યતા ન રહે.
હું ૧૭ વરસની યુવતી છું. મારું કદ પાંચ ફૂટ ચાર ઇંચ છે પરંતુ મારે ચાર ઇંચ લંબાઇ વધારવી છે. તો એ માટે કોઇ દવા હોય તો જણાવશો.
એક યુવતી (ભાવનગર)
તમે પહેલાં એક વાત તો સમજી લો કે હાઇટ વધારવા માટે કોઇ દવા લેવી પડતી નથી. તે માટે તમારે ખાસ વ્યાયામ કરવા પડશે. દરવાજાની બારસાખ પર રોજ લટકવાથી લંબાઇ વધશે. આ ઉપરાંત નિયમિત દોરડા કૂદશો તે પણ ફાયદાકારક સાબિત થશે. તેમજ સાયકલ ચલાવવાથી અને તરવાથી પણ ત્રણ-ચાર ઇંચ લંબાઇ ચોક્કસ વધશે. હાઇટ વધારવા માટે તમે કોઇ બિનકુદરતી ઉપાય કે દવા કરશો નહીં.
મારા દાદી અરીઠાથી વાળ ધોવાની વાત કરે છે તો અરીઠા કઇ રીતે વપરાય તે જણાવશો.
એક યુવતી (ગાંધીનગર)
વાળ ધોવા માટે અરીઠા, શીકાકાઇ તેમજ આંબળાનુંં મિશ્રણ ઉત્તમ સાબિત થયું છે. રાતના આ મિશ્રણને લોખંડના લોયામાં પલાળી રાખવું અને સવારે તેને ઉકાળવું ઠંડુ પડે પછી તેને મસળી તેનો ગર કાઢી વાળમાં લગાડવું. લગભગ એકાદ કલાક વાળમાં રહેવા દઇ એના પલાળેલા પાણીથી વાળ ધોઇ નાખવા.
એકલા અરીઠાનો ઉપયોગ કરવો હોય તો તેને રાતના પલાળી સવારે ચોળી વાળમાં લગાડી દેવું. એકાદ કલાક રહીને વાળ ધોઇ નાખવા. અરીઠા વાળમાં ચોંટી જશે તેથી સાદા પાણીથી વાળ ધોવાની તકલીફ પડશે. પહેલાં હાથેથી શક્ય હોય તેટલા અરીઠા વાળમાંથી કાઢવા. અને પછી વાળ ધોવા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Om4alp
No comments:
Post a Comment