પૂર્વ કાંઠે એમ્ફાન બાદ હવે પશ્ચિમ તટે નિસર્ગનો પ્રહાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 June 2020

પૂર્વ કાંઠે એમ્ફાન બાદ હવે પશ્ચિમ તટે નિસર્ગનો પ્રહાર


- બે અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં બે વાવાઝોડાએ દેશના પૂર્વ અને પશ્ચિમ તટને ઘમરોળ્યાં

- દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં એક સદી કરતાયે વધારે સમય બાદ વાવાઝોડું ત્રાટક્યું છે અને કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહેલા લોકોની હાલાકીમાં વધારો કર્યો છે

દેશના પૂર્વ કાંઠાને અમ્ફાન વાવાઝોડાએ ઘમરોળ્યા બાદ પશ્ચિમ તટે નિસર્ગ નામનું વાવાઝોડું ત્રાટક્યું. અરબ સાગરમાંથી ઉદ્ભવેલું નિસર્ગ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્ર વ્યાપક વરસાદ વરસી રહ્યો છે. ખાસ બાબત એ કે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં એક સદી કરતાયે વધારે સમય બાદ કોઇ વાવાઝોડું ત્રાટક્યું છે. મુંબઇ આમ પણ કોરોના વાઇરસના કેર સામે ઝઝૂમી રહ્યું છે. અત્યાર સુધીમાં મુંબઇમાં કોરોના સંક્રમણના ૪૦ હજાર મામલા સામે આવી ચૂક્યાં છે. એમાં હવે નિસર્ગ વાવાઝોડાએ લોકોની હાલાકીમાં વધારો કર્યો છે. બે અઠવાડિયા કરતા ઓછા સમયમાં ભારતમાં આવેલું આ બીજું વાવાઝોડું છે. તાજેતરમાં જ અમ્ફાન વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે તબાહી મચાવી હતી અને ૭૦થી વધારે લોકોના જીવ પણ લીધાં હતાં. 

હકીકતમાં ચોમાસા પૂર્વેના મહિનાઓમાં ભારતના હવામાનની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ હોય છે. ખાસ કરીને એપ્રિલના અંત ભાગથી લઇને મે મહિનામાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદ, વાવાઝોડાં, ધૂળ-રેતીની આંધી, વીજળી ત્રાટકવી જેવા કુદરતી પ્રકોપ જોવા મળી શકે છે. આ કુદરતી આફતો સામાન્યથી લઇને જીવલેણ પ્રકારની હોઇ શકે છે. સામાન્ય રીતે ભારતમાં ચાર કે પાંચ વાવાઝોડા અને આંધીના ગાળા આવતા હોય છે. જોકે હવામાનની દૃષ્ટિએ જોતા દર વર્ષે ચોમાસા પૂર્વેની હવામાનની ગતિવિધિમાં બે કરતા વધારે ગંભીર પ્રકારના વાવાઝોડા આવતા નથી. 

ભારતના દરિયાકાંઠાના રાજ્યો માટે સમુદ્રી વાવાઝોડાની નવાઇ નથી. ખાસ કરીને દેશના પૂર્વીય તટ પર અવારનવાર વિનાશક વાવાઝોડા આવતા રહે છે પરંતુ તાજેતરમાં ઉદ્ભવેલું ઓખી વાવાઝોડું છેલ્લા થોડા સમયના બીજા વાવાઝોડા કરતા અલગ છે. આમ તો સાયક્લોન નામે ઓળખાતા વાવાઝોડા ભારતની પૂર્વે અરબ સાગર અને પશ્ચિમે બંગાળની ખાડીમાં સર્જાતા હોય છે પરંતુ પૂર્વ કાંઠા કરતા પશ્ચિમ કાંઠે એટલે કે બંગાળની ખાડીમાં આવા વાવાઝોડા ઉદ્ભવવાનું પ્રમાણ ચાર ગણું વધારે હોય છે. આનું મુખ્ય કારણ એ કે બંગાળની ખાડી કરતા અરબ સાગરના પાણીનું તાપમાન થોડું નીચું હોય છે જેના કારણે આ વિસ્તારમાં આવા વાવાઝોડા ખાસ પેદા થતા નથી કે સઘન થતા નથી. બીજું એ કે પૂર્વીય તટે બંગાળની ખાડી કે આંદામાન સમુદ્ર નજીક ઉદ્ભવતા વાવાઝોડા ઉપરાંત પેસિફિક મહાસાગર તરફથી પણ ક્યારેક વાવાઝોડા આવે છે. ટાયફૂન તરીકે ઓળખાતા આ વાવાઝોડા ધરતીને અડે ત્યારે તેમની ઘણી ખરી શક્તિ ગુમાવી દે છે પરિણામે આવા વાવાઝોડા અરબ સાગર તરફ પહોંચતા નથી. એટલા માટે ભારતના પશ્ચિમ કાંઠે એવા જ વાવાઝોડા જોવા મળે છે જે સ્થાનિક રીતે અરબ સાગરમાં જન્મ્યા હોય. 

ભારે વિનાશ વેરતા વાવાઝોડાની ખબરો હાલના દિવસોમાં વધી રહી છે. જોકે વાવાઝોડાની સંખ્યા વધી રહી હોવાના મુદ્દે વૈજ્ઞાાનિકોમાં મતમતાંતર છે. જોકે એ વાતે તમામ સંમત છે કે છેલ્લા થોડા વર્ષોથી વાવાઝોડાની વિનાશક તાકાત જરૂર વધી છે. હવામાનશાસ્ત્રીઓના મતે છેલ્લા થોડા વખતથી આવતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની તીવ્રતા ત્રણથી પાંચ અંક હોય છે.  ૨૨૦ કિલોમીટરથી વધારે ઝડપે ફૂંકાતા વાવાઝોડાને સુપર સાયક્લોન ગણવામાં આવે છે. આવું સુપર સાયક્લોન ઓડિશાના કાંઠે ઓક્ટોબર ૧૯૯૯માં ત્રાટક્યું હતું. આ વાવાઝોડામાં પવનનો વેગ ૨૬૦ કિલોમીટર પ્રતિ કલાકે પહોંચ્યો હતો. ૨૦૧૩માં ત્રાટકેલું ફૈલિન વાવાઝોડું પણ સુપર સાયક્લોન ગણાવાની હદે પહોંચી ગયું હતું. ફૈલિનમાં હવાની ગતિ ૨૨૦ કિલોમીટર પ્રતિ કલાકે આંબી ગઇ હતી. 

છેલ્લા થોડા વર્ષોમાં થયેલા સંશોધનોના આધારે અમેરિકી વૈજ્ઞાાનિકો એ તારણ પર પહોંચ્યા છે કે છેલ્લા ૩૦ વર્ષથી એટલાન્ટિક મહાસાગરમાં આવતા વાવાઝોડાઓમાં હવાની ગતિ વધી છે. એ જ રીતે પેસિફિક મહાસાગરમાં ઉદ્ભવતા વાવાઝોડાઓ પણ વધારે વિનાશકારી બન્યા છે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે આવનારા વર્ષોમાં વાવાઝોડા વધારે ને વધારે વિનાશક બનતા જશે, કારણ કે ક્લાયમેટ ચેન્જના કારણે સમુદ્રો વધારે ગરમ થઇ રહ્યાં છે. દાખલા તરીકે કેરેબિયન સમુદ્રમાં અત્યારે ૩૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે જે પહેલા ૨૮ ડિગ્રી રહેતું હતું. 

સમુદ્રમાંથી ઉઠતા તોફાનને દુનિયાના જુદા જુદા ભાગોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. ઉત્તર અમેરિકાના કિનારે આવતા તોફાનોને હરિકેન, પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં ટાયફૂન અને ભારતમાં સાયક્લોન કહેવામાં આવે છે. નામ ભલે જુદા જુદા હોય પરંતુ આ વાવાઝોડા સર્જાવાની પ્રક્રિયા લગભગ સરખી હોય છે. સમુદ્રનું પાણી ૨૬ ડિગ્રી સેલ્સિયશે પહોંચે ત્યારે ઉષ્ણકટિબંધીય વાવાઝોડું એટલે કે ટ્રોપિકલ સ્ટ્રોમ સર્જાય છે. પાણી ગરમ થતા તેનું બાષ્પીભવન થાય છે અને વરાળ બન્યા કરે છે. વરાળ બનેલા પાણીની ઘનતા વધારે હોય છે અને હવા ગરમ થવા લાગે છે. 

આ ગરમ હવા ઉપર તરફ જવા લાગે છે જેનું સ્થાન લેવા પાસેની ઠંડી હવા આવતી રહે છે. આ ઠંડી હવા પણ ગરમ થઇને ઉપર જવા લાગે છે. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરતી હોવાના કારણે સંઘનિત થયેલી આ હવા પણ ગોળ ઘુમરાવા લાગે છે અને મોટા વંટોળનું સ્વરૂપ લે છે. જેના કારણે વાવાઝોડાના કેન્દ્રમાં આશરે ૫૦ કિલોમીટર મોટી આંખ સર્જાય છે. ખાસ વાત એ કે આ આંખની અંદરનો વિસ્તારમાં વાદળરહિત હોય છે અને ત્યાં હવા પણ ખાસ હોતી નથી. હવાની દિશા સાથે આ વિશાળકાય વંટોળ આગળ વધે છે. જ્યારે આ વાવાઝોડું જમીન સાથે ટકરાય છે ત્યારે તેની ઉર્જા તો ઓછી થઇ જાય છે પરંતુ વાવાઝોડાની ગતિ અને ભારે વરસાદ અને દરિયો તોફાની થતા ભારે વિનાશ વેરાય છે. પૂર્વ ગોળાર્ધમાં મોસમ વિજ્ઞાાનીઓ ઉષ્ણકટિંબધીય વાવાઝોડાને તીવ્રતા અનુસાર એકથી પાંચ નંબર આપે છે. જેટલો આંક વધારે તેટલી વાવાઝોડાની તીવ્રતા વધારે. આ આંકડાના કારણે ખ્યાલ આવે છે કે વાવાઝોડામાં હવાનો વેગ કેટલો હશે અને કેટલો ભારે વરસાદ પડશે. 

વાવાઝોડાની વિનાશકતા વધારે હોય કે ઓછી પરંતુ જરૂરી એ છે કે તેના વિશે અગાઉથી ચેતવણી જાહેર કરવામાં આવે અને બચાવ અને રાહતકાર્યોની વ્યવસ્થા ગોઠવવામાં આવે. જો આવી તૈયારીઓ અગાઉથી કરી રાખવામાં આવશે તો લોકોની તકલીફો ઓછી થશે અને લાખો કરોડોના જાનમાલનું નુકસાન પણ અટકશે. આમ તો દેશના હવામાન ખાતાએ છેલ્લા થોડા વર્ષોમાં હવામાનની પૂર્વ આગાહી કરવામાં ખાસી સફળતા મેળવી છે. ખાસ કરીને સ્પેસ ટેકનોલોજી અંતર્ગત ભારતે હવામાનની દેખરેખ રાખતા ઉપગ્રહો આકાશમાં ચડાવ્યાં છે એના કારણે પણ હવામાનની દેખરેખ રાખવામાં ખાસી મદદ મળી રહી છે. 

જોકે હવામાન ક્યારે બદલાઇ જાય એ કોઇ કળી ન શકે અને એ રીતે પળ પળ બદલાતા મોસમનું આકલન કરવામાં હજુ હવામાન ખાતાને મહારથ હાંસલ થઇ હોય એવું જણાતું નથી. આજે દુનિયાના અનેક દેશોએ હવામાનની આગાહી કરવા માટે ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી વિકસાવી છે અને એના પરિણામે એ દેશોમાં હવામાનના ફેરફારના કારણે સર્જાતી જાનમાલની હાનિમાં ઘણી હદે ટાળી શકાય એવી ક્ષમતા વિકસી છે. ભારતમાં હવામાનની સચોટ આગાહી ન થઇ શકવાના પરિણામે અનેક વખત ભયંકર તબાહી જોવા મળે છે. 

હવામાન ખાતું ચેતવણી જાહેર કરે એ પછી એ માહિતી લોકો સુધી પહોંચાડવી અત્યંત જરૂરી બની જાય છે. એ માટે જે તે રાજ્યના પ્રશાસને તૈયાર રહેવું પડે અને સુરક્ષા માટેનો બંદોબસ્ત ગોઠવવો પડે. દર વખતે કુદરતી આફત ત્રાટકે અને જાનમાલનું મોટા પાયે નુકસાન થાય એ પછી એ પ્રદેશના નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે કે પછી હેલિકોપ્ટરમાં બેસીને વિહંગાવલોકન કરે અને પછી વળતરની જાહેરાત કરી દે એ યોગ્ય નથી. પ્રશાસનની ઉદાસીનતા અને લાપરવાહીના પરિણામે જ દર વર્ષે વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવા કુદરતી પ્રકોપ ત્રાટકે છે ત્યારે ભયંકર વિનાશ સર્જાય છે. આવી કુદરતી આફતોમાં જાનમાલનું નુકસાન થાય કે ખેતીના પાકને અસર થાય એની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર પણ પડે છે. 

હવામાન વિજ્ઞાાનીઓના મતે જેમ જેમ સમુદ્રો ગરમ થતા જશે તેમ તેમ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને વાવાઝોડા વિનાશક હોવાની શક્યતા પણ વધતી રહેશે. પીગળી રહેલા હિમનદીઓ, ગરમ થતા ઉનાળા, ધરતીકંપો, સમુદ્રી તોફાનો, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાદળ ફાટવા જેવી ઘટનાઓ પ્રકૃત્તિના અંધાધૂંધ દોહનના પરિણામ છે. કુદરતી સંપત્તિના બેફામ વપરાશથી પૃથ્વીના વાતાવરણ પર દબાણ વધી રહ્યું છે અને એ જ કારણ છે કે વિશ્વમાં વિનાશક વાવાઝોડાઓની સંખ્યા સતત વધી રહી છે.




from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cxFZdi

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages