
- શ્વેત-અશ્વેતની રાજનીતિ ઓલરેડી શિખર પર છે તે સમયે ફરીથી ચૂંટાઈ આવવા ટ્રમ્પ હવે ઇમિગ્રન્ટ્સ વિ. અમેરિકનનું રાજકારણ ખેલશે
હાર્યો જુગારી બમણું રમે એવું જાણે કે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ માટે જ કહેવામાં આવ્યું છે, એક બાજુ કોરોનાને નાથવામાં અમેરિકન સરકાર હાસ્યાસ્પદ પુરવાર થઇ છે, બીજી કોર અશ્વેતોના આંદોલને વેગ પકડયો છે. આ બંને બાબતો બીજી વખત સત્તામાં આવવા માગતા ટ્રમ્પની વિરુદ્ધમાં કામ કરી રહી છે. આવી સ્થિતિમાં તેમણે એ રમત બમણાં જોરથી રમવાનું શરૂ કર્યું છે, જે એક જમણેરી રાજનેતા રમતો હોય છે. એ રમત એટલે અમેરિકનોની ભાવનાઓને બહેકાવવી અને મતોનો પવન પોતાની તરફ પલટવો. આ માટે તેમણે હવે એચ-૧બી વિઝાનો સહારો લીધો છે. બેરોજગાર અમેરિકનોને નોકરીના આંબા-આંબલી દેખાડવા માટે તેઓ એચ-૧બી સહિત રોજગારલક્ષી તમામ વિઝા સસ્પેન્ડ કરવા વિચારણા કરી રહ્યા છે.
વોલસ્ટ્રીટ જર્નલે ટ્રમ્પ પ્રશાસનના એક અધિકારીનું કવોટ ટાંકીને જણાવ્યું, આ વ્યવસ્થા અંતર્ગત જ્યાં સુધી સસ્પેન્શન જારી રહેશે ત્યાં સુધી એચ-૧બી વિઝા ધારકો અમેરિકામાં કામ કરી શકશે નહીં. જો કે જે પ્રોફેશનલ્સ ઓલરેડી અમેરિકામાં કામ કરી રહ્યા છે તેમને આની અસર થવાની સંભાવના નહીંવત્ છે. આ સમાચાર પ્રસિદ્ધ થયા પછી વાઇટ હાઉસ પ્રશાસને તેનું ખંડન કર્યું નથી મતલબ સમાચાર પાક્કા છે. વાઉટ હાઉસની પ્રવકતા હોગન ગીડલીએ સમર્થન આપ્યું,ં હજી અંતિમ નિર્ણય થયો નથી, પ્રશાસન આ મામલે ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહ્યું છે. થોડા દિવસો પહેલાં ટ્રમ્પે જરાક જુદી રીતે આ વિશે હિન્ટ આપેલી, કોરોનાનો ચેપ રોકવા માટે બહારથી આવતા લોકોની સંખ્યા સીમિત કરવી અનિવાર્ય છે. સાથોસાથ અમેરિકનોને નોકરીમાં પ્રાથમિકતા મળે તેના માટે પણ કશુંક કરવાની જરૂર છે. એચ-૧બી વિઝા સસ્પેન્ડ કરવામાં આવશે તો ભારતીય આઇટી કંપનીઓ પર જબરદસ્ત નકારાત્મક અસર થશે.
એચ-૧બી વિઝા એક નોન ટુરીસ્ટ વિઝા છે. તે કોઇપણ વિદેશી કર્મચારીને છ વર્ષ સુધી અમેરિકામાં કામ કરવા માટે આપવામાં આવે છે. આ વિઝા એવા પ્રોફશનલ્સને આપવામાં આવે છે જેની અમેરિકામાં અછત હોય. તેના માટે કેટલીક શરતો પણ છે. તમારી પાસે બેચલર ડીગ્રી હોવાની સાથોસાથ કોઇ ક્ષેત્રમાં તમને મહારત હાંસલ હોવી ફરજિયાત છે. તેનો પગાર કમસેકમ ૬૦,૦૦૦ ડોલર એટલે કે રૂા. ૪૫ લાખ હોવો જરૂરી છે. આ વિઝા વિદેશીઓને અમેરિકામાં સ્થાયી થવાનું પ્રથમ પગથિયું બની રહે છે. એચ-૧બી વિઝા ધારક પાંચ વર્ષ સુધી અમેરિકામાં કામ કર્યા પછી યુ.એસ.ની નાગરિકતા પ્રાપ્ત કરવા માટે અરજી કરી શકે છે. એચ-૧બી વિઝાની ડિમાન્ડ એટલી બધી છે કે દર વર્ષે લોટરીના માધ્યમથી તે જારી કરવામાં આવે છે. તેનો સૌથી વધુ ઉપયોગ ટીસીએસ, વિપ્રો, ઇન્ફોસીસ અને ટેક મહિન્દ્રા જેવી ભારતીય કંપનીઓ તથા માઇક્રો સોફટ અને ગુગલ જેવી અમેરિકન કંપનીઓ કરે છે. ઇન્ફોસીસ અને ટીસીએસે તો અમેરિકામાં એચ-૧બી વિઝાધારકોના વસવાટ માટે બિલ્ડીંગોના બિલ્ડીંગો ખરીદી લીધા છે.
એચ-૧બી વિઝાના સસ્પેન્શનના સમાચાર પ્રસિદ્ધ થતાં ભારત સરકાર અને ભારતની આઇટી કંપનીઓ ટેન્શનમાં આવી ગયા છે. આઇટી કંપનીઓના સંગઠન નાસ્કોમે અપીલ કરી છે કે, આઇટીના કર્મચારીઓને વિઝા પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવે. અમેરિકાના પાયાગત ક્ષેત્રોના નિર્માણમાં ભારતની આઇટી કર્મચારીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. અમેરિકાને પોતાની અર્થવ્યવસ્થા પાટે ચડાવવા માટે આવા આઇટી કર્મીઓની જરૂર પડશે. આરોગ્ય અને ઑનલાઇન બંને ક્ષેત્રે અમેરિકાને વિદેશી કર્મચારીઓ વિના ચાલે તેમ નથી. આથી અમે ઇચ્છીએ છીએ કે તેમને વિઝા પ્રતિબંધોમાંથી બાદ રાખવા જોઇએ.
ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૂંગલાએ રી-એકશન આપ્યું, સ્કીલ્ડ ભારતીય પ્રોફેશનલ્સને અમેરિકામાં રહેવાની મંજૂરી આપવાના મામલે અમે અમેરિકન સરકાર સાથે સંપર્કમાં છીએ. ભારતના ઘણાં ડોકટર્સ પણ કોવિડ-૧૯ને નાથવાના કામમાં લાગેલા છે. અમે આ વિશે પણ અમેરિકન સરકારનું ધ્યાન દોર્યું છે.
ભારત સરકાર અને ભારતીય આઇટી કંપનીઓનું ચિંતિત થવું વાજબી છે. ટીસીએસ, ઇન્ફોસીસ અને વિપ્રો જેવી દિગ્ગજ આઇટી કંપનીઓને ૬૦ ટકા આવક અમેરિકામાંથી થાય છે. તે મોટી સંખ્યામાં એચ-૧બી વિઝા ધારકોને યુનાઇટેડ સ્ટેટ્સ મોકલે છે. અમેરિકાના શ્રમ મંત્રાલય અનુસાર દર વર્ષે આપવામાં આવતા ૮૫ હજારમાંથી ૭૦ ટકા એચ-૧બી વિઝા ભારતીય કંપનીઓ લઇ જાય છે. એક રીપોર્ટ પ્રમાણે વોશિંગ્ટન અને ન્યુયોર્કમાં જેટલા એચ-૧બી વિઝા ધારકો છે તેમાંથી ૭૦ ટકા ભારતીયો છે. ૨૦૧૮માં અમેરિકાએ આપેલા દર ચારમાંથી ત્રણ એચ-૧બી વિઝા ભારતીયોને ફાળે ગયા હતા.
આઇટી વિશેષજ્ઞાોના મત પ્રમાણે એચ-૧બી વિઝા સસ્પેન્શન પછી સૌથી વધુ નુકસાન ભારતીય કંપનીઓને ઉઠાવવું પડશે. ગત વર્ષે એપી (એસોસીએટ્સ પ્રેસ)ના સર્વેમાં જણાવાયું હતું કે ભારતીય એચ-૧બી વિઝા ધરાવતા ભારતીય કર્મચારીઓને અમેરિકન કર્મચારીઓની તુલનામાં ૯ ટકા ઓછું વેતન આપવામાં આવે છે. આથી તેમને નોકરીએ રાખવામાં સરવાળે અમેરિકન કંપનીઓ ફાયદામાં રહે છે. ૨૦૧૯માં ક્રિસિલના એક અહેવાલમાં જાણકારી આપવામાં આવી હતી કે હવે અમેરિકન કંપનીઓએ વિદેશી પ્રોફેશનલ્સની તુલનાએ અમેરિકનોને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે તેના કારણે કંપનીનું કોસ્ટિંગ ૨૫થી ૩૦ ટકા વધી જશે.
ભારતની આઇટી કંપનીઓને અમેરિકા ફર્સ્ટની નીતિને કારણે પહેલેથી જ નુકસાન સહેવું પડી રહ્યું છે એવામાં એચ-૧બી વિઝાનું સસ્પેન્શન ઘા પર ઘસરકો પુરવાર થશે. ડોનલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિને કારણે એચ-૧બી વિઝાનો રિજેકશન રેશિયો વધી ગયો છે. ૨૦૧૫માં એચ-૧બી વિઝાનો રિજેકશન રેશિયો ૬ ટકા હતો, જે ૨૦૧૯માં વધીને ૨૪ ટકા થઇ ગયો છે.
ભારતના જે યુવાનોનું પ્લેસમેન્ટ હજી થોડા સમય પહેલા ગુગલ, માઇક્રો સાફટ અને ફેસબુક જેવી કંપનીઓમાં થયું છે તેમને પણ ફટકો પડશે. તેમાંથી ઘણાંનું જોઇનીંગ આ વર્ષના અંતમાં થવાનું છે, અને ઘણાંનું આવતા વર્ષની શરૂઆતમાં. જો ડોનલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝા સસ્પેન્ડ કરી નાખ્યા તો તેઓ મળેલી નોકરી જોઇન્ટ કરી શકશે નહીં. આખી કથાનો સાર એ નીકળે છે કે એચ-૧બી વિઝા સસ્પેન્શનની સર્વાધિક અસર ભારતની આઇટી કંપનીઓ અને ભારતના આઇટી પ્રોફેશનલ્સ પર પડશે. ભારતની જીડીપીમાં ભારતની આઇટી કંપનીઓનું યોગદાન ૯.૫ ટકા છે. અત્યારે કોરોનાને કારણે ઓલરેડી મંદી છે ત્યારે ભારતની કંપનીઓને પડનારો ફટકો દુકાળમાં અધિક માસ લાવનારો બની રહેશે.
ટ્રમ્પ છેક ૨૦૧૬થી જ એચ-૧બી વિઝાનો વિરોધ કરતા રહ્યા છે. તેઓ કહે છે કે એચ-૧બી વિઝાને કારણે અમેરિકનોની નોકરી ભારતીયો લઇ જાય છે, પણ શું ખરેખર આવું છે? ના, બિલકુલ નહીં. તાજેતરના એક સર્વેક્ષણમાંથી આ સવાલનો જવાબ મળે છે. તેમાં જણાવાયુ છે કે, અમેરિકામાં એચ-૧બી વિઝા ધારકોમાંથી મોટાભાગના પ્રોફેશનલ્સ કોમ્પ્યુટર સંબંધિત નોકરી કરતા હોય છે. આવી નોકરીઓનો બેરોજગારી દર ગત જાન્યુઆરી મહિનામાં માત્ર ૩ ટકા હતો ને અત્યારે કેવળ ૨.૫ ટકા છે. તેની સામે અન્ય ક્ષેત્રમાં બેરોજગારીનો દર ગત જાન્યુઆરીમાં ૪.૧ ટકા હતો, અને આજે વધીને ૧૩.૫ ટકા થઇ ગયો છે. આ મુજબ જો અમેરિકામાં એચ-૧બી વિઝા સસ્પેન્ડ કરવામાં આવે તો પણ બેરોજગારી દરમાં કોઇ ફેરફાર થઇ શકે તેમ નથી.
સત્તાલાલસુ ડોનલ્ડ ટ્રમ્પ પોતાના ફાયદા માટે પહેલેથી જ ખોટું ચિત્ર દેખાડતા આવ્યા છે. કાળા સામે ગોરા અમેરિકનોને ભડકાવીને તથા ભારતીય પ્રોફેશનલ્સ વિરુદ્ધ અમેરિકાના બેરોજગારીને ભડકાવીને પ્રમુખ બન્યા છે. ચાર વર્ષના શાસનમાં તેમણે એવું કશું ઉકાળ્યું નથી કે બીજી વખત ચૂંટાઇ શકે અને જાહેર આરોગ્ય ક્ષેત્રે તેમની સરકારને જે નિષ્ફળતા સાંપડી છે તે કાળા અક્ષરે ઇતિહાસમાં દર્જ થઇ રહી છે. બીજી વખત ચૂંટાવાના મરણિયા પ્રયાસ રૂપે તેમણે ફરીથી ગોરાઓને કાળા સામે અને બેરોજગાર અમેરિકનોને વિદેશી પ્રોફેશનલ્સ વિરુદ્ધ ભડકાવવાનો આરંભ કર્યો છે. ભાગ્ય અમેરિકાના બીજું તો શું?
આજની નવી જોક
સ્વામીજીનું પ્રવચન સાંભળીને ઘરે આવેલા છગને લીલીને ઊંચકી લીધી.
લીલી (છગનને): સ્વામીએ રોમાન્સ કરવાનું કહ્યું છે?
છગનઃ ના, સ્વામીજીએ કહ્યું, પોતાના દુઃખ જાતે ઊંચકો.
જીકે જંકશન
- દર વર્ષે ૧૭મી જૂને વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટીફીકેશન એન્ડ ડ્રાટ ઉજવવામાં આવે છે. જંગલોનો નાશ થતો હોવાથી વિશ્વમાં ગરમી વધતી જાય છે અને રણનો વિસ્તાર પણ વધતો જાય છે. રણને ફેલાતું અટકાવવા આ ઉજવણી કરવામાં આવે છે.
- ઉત્તરપ્રદેશ મનરેગા અંતર્ગત સૌથી વધુ નોકરી આપનારું રાજ્ય બની ગયું છે. બીજા પ્રાંતમાંથી કોરાનાને કારણે વતન પરત ફરેલા મજૂરોને આનાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવો સહારો મળી રહેશે.
- કેરળમાં દર વર્ષે ઉજવાતો શબરીમાલા મહોત્સવ આ વર્ષે કોરોનાને કારણે રદ કરવામાં આવ્યો છે. કેરળમાં પેરિયાર વન્ય અભયારણ્ય આવેલું છે. કોવિડ-૧૯ના દર્દીઓની સેવા માટે કેરળની રાજ્ય સરકારે કર્મીબોટ રોબોટ બનાવ્યા છે. મુખમલ્દકલી અબીલ ગાઝીઐએ કિર્ગિસ્તાનના પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું છે.
- ફેસબુકે ઓનલાઇન બાળ યૌન શોષણ રોકવા માટે પ્રોજેક્ટ પ્રોટેક્ટ અભિયાન શરૂ કર્યું છે. ઓડિશામાં તાજેતરમાં રજપર્વ મનાવવામાં આવ્યો હતો. સૂર્ય જ્યારે મિથુન રાશિમાં પ્રવેશે ત્યારે ચોમાસાની શરૂઆત થાય છે. તેની ખુશીમાં ઓડિશાવાસીઓ વર્ષોથી રજપર્વ મનાવે છે. મકરસંક્રાંતિની જેમ આ મિથુન સંક્રાંતિ છે.
- આસામની ઉડણપરી હિમા દાસને ભારત સરકારે ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરી છે. ૪૦૦ મીટરની દોડ ૫૦.૭૯ સેકન્ડમાં પૂરી કરવાનો નેશનલ રેકોર્ડ તેના નામે છે. તે ૨૦૦૦ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. આ અગાઉ અર્જુન એવોર્ડથી પણ સન્માનિત થઇ ચૂકી છે.
- નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇંડિયાનું સંપૂર્ણપણે ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. તાજેતરમાં આયોજન પંચના પૂર્વ સદસ્ય એ. બૈદનાથનું અવસાન થયું હતું.
- રાજસ્થાન સરકાર દ્વારા ઓપરેશન ડેઝર્ટ ચેઝનો આરંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત જયપુરમાં ડિફેન્સ વિભાગના બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ દેશની સંવેદનશીલ વિગતો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએએસને પહોંચાડી રહી હતી.
- રાજસ્થાન સરકારે સ્માઇલ ઇ-લર્નિંગ પ્લેટફોર્મનો પ્રારંભ કર્યો છે. ડોકટરોનું ઑનલાઇન કન્સલટેશન મેળવવા માટે આયુ એવમ સેહત સાથી એપ બનાવવામાં આવી છે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hKFBfD
No comments:
Post a Comment