જાગ્યા ત્યારથી સવાર : મીડિયા અને સોશ્યલ મીડિયામાં બોયકોટ ચીનાની અપીલ ટોચ પર છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 21 June 2020

જાગ્યા ત્યારથી સવાર : મીડિયા અને સોશ્યલ મીડિયામાં બોયકોટ ચીનાની અપીલ ટોચ પર છે


જ્હોન સ્ટુઅર્ટ મિલનું એક વાક્ય છે કે જો તમે તમારા દુશ્મનોને પણ તમારા ઉત્પાદનો વેચી શકો તો તમે દુનિયાના મહાન સેલ્સમેન છો. આજના વિશ્વના મહાન સેલ્સમેનનો ખિતાબ મિસ્ટર જિનપિંગે પોતાના હસ્તક જ રાખ્યો છે. ભારતે હારબંધ કન્ટેનરોના કાફલા ચીન પાસેથી ખરીદેલા છે. સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે આજના જગતમાં ચીનથી કોમસયલ ડિસ્ટન્સ રાખવાનો જે નવો વાવંટોળ ઉઠયો છે એ પહેલા તો ચીનનું વાણિજ્ય ક્ષેત્રે એકચક્રી શાસન હતું. હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. આજથી બે દાયકા પહેલા જાણકારો ચિંતિત હતા અને લુચ્ચા ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે ઊહાપોહ કરતા હતા. પરંતુ ભારતીયોનો ચીની પ્રોડકટ માટેનો પ્રેમ અકબંધ હતો. તેનું એકમાત્ર કારણ એ કે ચીની માલ અકલ્પનીય હદે સસ્તો મળે છે. આપણા તહેવારોમાં વેચાતી વસ્તુઓની માર્કેટમાં પણ ચીને ઘુસણખોરી કરી છે. જેને કારણે ભારતીય માર્કેટ અને લોકલ વેપારીઓ તથા ઉત્પાદકોને ખૂબ નુકસાન પહોંચ્યું છે. 

છેલ્લા બે મહિનાથી ભારત - ચીનની વાસ્તવિક અંકુશરેખા ઉપર તણાવ વધવાને કારણે અને હવે ભારતના વીસ સૈનિકોની શહાદત બાદ પહેલી વખત ભારતીય જનમાનસમાં ચીની માલના બહિષ્કારની વાત રોપાઈ છે. હવે એ કેટલીક ઉગે છે એ જોવાનું રહે છે. થોડા દિવસોથી વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા ભારપૂર્વક અપીલ કરવામાં આવે છે. મીડિયા અને સોશ્યલ મીડિયામાં બોયકોટ ચીનાની અપીલ ટોચ પર છે. પ્રજાના એક મોટા સમુદાયને ચાઈનીઝ ઉત્પાદન પરત્વે તત્પુરતી નફરત થઈ છે એ જોઈ શકાય છે. આ નફરત લાંબી ચલાવવી આસાન નથી. ભારતીય સૈનિકોએ ભયાનક અને વિકટ સંયોગોમાં પણ પીછેહઠ કરી નથી. વિશ્વના શ્રે ભૂમિદળોમાં ભારત પ્રથમ પંક્તિમાં છે. એટલે જ સરહદી અથડામણોમાં વિશ્વના અન્ય કોઈ પણ દેશોની તુલનામાં ભારતનો વતન માટે બહાદુરી પૂર્વક ફના થવાનો આંક ઊંચો છે. 

ચીન તેનો સસ્તો અને હલકો માલ ભારતમાં પધરાવીને ભારતને છેલ્લા ચારેક દાયકાથી ખોખલું કરવાનો સફળ પ્રયત્ન કરી રહ્યું છે. અત્યારે સ્થિતિ એવી છે કે ભાગ્યે જ એવો કોઈ ભારતીય મળે જેનો એક દિવસ પણ એવો પસાર થયો હોય જે સમય દરમિયાન તેણે એક પણ ચીની ઉત્પાદનનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપયોગ ન કર્યો હોય. ચીન ભારતના અર્થતંત્રને નબળું પાડવા માટે ભયંકર કોશિશો કરી રહ્યું છે તેનો આપણે કઈ રીતે જવાબ આપીએ છીએ ? ઈ. સ. ૨૦૧૭ માં ડોકલામ ખાતે ભારત અને ચીની સેના વચ્ચે ઘર્ષણ થયું. પરંતુ મોદી સરકારે સરહદ ઉપર થનારા ઘર્ષણની અસર ભારત-ચીન વચ્ચેના આર્થિક સંબંધ ઉપર પડવા ન દીધી. સરકારે ચીની કંપનીઓને ભારતમાં રોકાણકાર તરીકે, સપ્લાયર તરીકે અને પાર્ટનર તરીકે પણ આમંત્રણ આપ્યું. અમેરિકન અને યુરોપિયન મિત્ર દેશોની સલાહને અવગણીને પણ ભારતે ચીની કંપની હુવેઇને ફાઈવ-જી ટેકનોલોજીનો પ્રયોગ ભારત ખાતે કરવાની મંજૂરી આપી. ગેટ-વે હાઉસના અમિત ભંડારી કહે છે કે ભારતીય સ્ટાર્ટઅપમાં ચીની રોકાણકારોએ ચાર બિલિયન ડોલરનું રોકાણ કરેલું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેકટની જે રંગેચંગે ઉજવણી અને જાહેરાત થઈ રહેલી, પ્રજા ડિજિટલ ઇન્ડિયાની ગુલબાંગો સાંભળી રહેલી તેમાં ક્યાંક ને ક્યાંક ચાઈનીઝ પૈસો હશે તે સામાન્ય માણસને ખબર ન હોય તે સ્વાભાવિક છે.

આજે અચાનક ત્રણ વર્ષ પછી, ભારતીય અર્થતંત્રની નબળી હાલત અને બેરોજગારોની સંખ્યામાં આવેલા ઉછાળાને કારણે સરકારે આત્મનિર્ભર ભારતની દરખાસ્ત મૂકી. જે કામ સત્તામાં આવતાંવેંત કરી નાખવાનું હતું એ છ વર્ષે માત્ર શરૂ થયું. હવે છેક ઇલેક્ટ્રિક વિહિકલમાં બહુ જ રસ લેતા યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરીને સૂઝયું અને તેમણે ગયા અઠવાડિયે એક વેબિનારમાં કહ્યું કે વીજળીથી ચાલતા વાહનો માટેના પુરજા અને જરૂરી સામાન માટે સ્થાનિક ઉત્પાદકોને ચાન્સ અપાશે. તેમણે કહ્યું કે જો આયાત કરવી જ પડે તો ચીન સિવાયનો કોઈ વિકલ્પ શોધવો પડશે. ભારતીય રેલવે બેજિંગની એક કંપનીને ૪૭૧ કરોડનો ઓર્ડર આપવાની હતી જે હમણાં જ કેન્સલ કરવામાં આવ્યો. સરકારી ખાતા જેવી ટેલિકોમ કંપની બીએસએનએલ પરોક્ષ રીતે ચીનાઓના માલ પર જ આધાર રાખતી હતી. તાજેતરમાં સરકારે બીએસએનએલને હુવેઇ કંપનીની સેવા કે તેનો માલ લેવાની મનાઈ ફરમાવી છે. 

વિવો ફોન એ ચીની કંપની છે અને ભારતમાં મોટી મોટી ઇવેન્ટમાં તે ટાઇટલ સ્પોન્સરર હોય છે. આ વર્ષે યોજાનારી આઈપીએલમાં વિવો ફોનની રૂપિયા ૨૧૯૯ કરોડની સ્પોન્સરશિપ હતી. હવે આ નિર્ણય ફેરવિચારણા હેઠળ છે. વિવોની જ જોડકી બહેન જેવી મોબાઈલ કંપની એટલે ઓપ્પો. ઓપ્પો આ વર્ષે ઇન્ડિયા ફોન લોન્ચ કરવાની હતી અને તેની મોટા પાયે ઇવેન્ટ યોજાવાની હતી.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hRVhxp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages