
(ટ્રંકકોલ) તળાજા, તા.15 મે 2020, શુક્રવાર
તળાજા તાલુકાના દકાના ગામે લોકડાઉનમાં પોતાની ફરજ પર રહેલા બે હોમગાર્ડ જવાને ત્રણ શખસોને મોઢા પર માસ્ક લગાવવાનું કહેતા શખસોએ ઉસ્કેરાઇ બન્ને હોમગાર્ડ પર સશસ્ત્ર હુમલો કરી છરી અને પાઇપના ઘા ઝીંકી દેતા બન્ને યુવાનને ઈજાગ્રસ્ત હાલતે તળાજા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામા હોમગાર્ડ યુનિટના જવાનો અને પોલીસ દોડી ગઇ હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર કોરોના મહામારીને લઇ છેલ્લા લાંબા સમયથી લોકડાઉન મુકવામાં આવ્યું છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર સાથે હોમગાર્ડ લોકડાઉન અને જાહેરનામાની અમલવારી કરાવી રહ્યું છે. આજે શુક્રવારે હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા બે જવાન ઈન્દ્રજીતસિંહ દિલીપસિંહ વાળા (ઉ.વ.૩૦) અને સિધ્ધરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.૨૫, રે.બન્ને દરબારગઢ, તળાજા) તળાજા તાલુકાના દકાના ગામે લોકડાઉન દરમિયાન પોતાની ફરજ પર હતા તે વેળાએ સાંજના પાંચ કલાકના અરસા દરમિયાન દકાના ગામે રહેતા પુના મનાભાઇ મકવાણા, મહેશ મનાભાઇ મકવાણા, વિશાલ રમેશભાઇ જાંબુચા બે બાઇક પર પાણી પ્રશ્ને સરપંચને રજૂઆત કરવા જઇ રહ્યા હતા. તેઓને બન્ને હોમગાર્ડે અટકાવી મોઢા પર માસ્ક ન પહેર્યા હોય જેથી માસ્ક પહેરવાની સુચના આપતા ત્રણેય શખસોએ ઉશ્કેરાઇ તારી શું ઔકાત છે.
તેમ કહી બન્ને હોમગાર્ડ પર હુમલો કરી છરી, પાઇપ જેવા હથિયારો વડે માર મારી ઈજા પહોંચાડી હતી. જેના પગલે બન્નેને ઈજાગ્રસ્ત હાલતે સારવાર અર્થે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા તળાજા પોલીસ અને હોમગાર્ડ યુનિટના જવાને તળાજા હોસ્પિટલ દોડી આવ્યા હતા. બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે તળાજા પોલીસે ત્રણેય શખસ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LzIYXP
No comments:
Post a Comment