ગાંધીનગર અને કલોલમાં આજથી શાકભાજી, કરિયાણાની દુકાનો ખુલશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 15 May 2020

ગાંધીનગર અને કલોલમાં આજથી શાકભાજી, કરિયાણાની દુકાનો ખુલશે


ગાંધીનગર,તા. 15 મે 2020, શુક્રવાર

ગાંધીનગર જિલ્લામાં કલોલ શહેર અને ગાંધીનગરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતાં જિલ્લા કલેકટરે આ બન્ને શહેરોમાં તા.૧૭ મે સુધી કરિયાણા અને શાકભાજીની દુકાનો બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું. પરંતુ હવે સ્થિતિ અંકુશમાં જણાતાં આવતીકાલ એટલે કે તા.૧૬ મે થી સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ સુધી અનાજ, કરીયાણું, શાકભાજી અને ઘંટી ચાલુ રાખી શકાશે. જે માટે જાહેરનામું પણ પ્રસિધ્ધ કરાયું છે. જો કે દુકાનદારો અને કર્મચારીઓએ સેનેટાઈઝર તેમજ માસ્ક પહેરવું પડશે. સોશ્યલ ડીસ્ટેન્સીંગનું પાલન પણ ફરજિયાતપણે કરવું પડશે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ આ દુકાનો ખુલ્લી રાખી શકાશે. 

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે હાલ લોકડાઉનની સ્થિતિ છે ત્યારે જિલ્લામાં આ વાઈરસના સંક્રમણને અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા નવા નવા પગલાં ભરવામાં આવી રહયા છે. ગાંધીનગર અને કલોલ શહેરમાં કોરોના વાઈરસના સંક્રમણ અચાનક જ વધી જતાં જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરીને આ બન્ને શહેરોમાં તા.૧૭મી મે સુધી અનાજ, કરીયાણું, શાકભાજી સહિતની તમામ દુકાનો બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. ફકત દવા અને દુધને જ આવશ્યક ગણી ચાલુ રાખવા નિર્દેશ કરાયો હતો. 

ત્યારે હવે આ બન્ને શહેરોમાં તા.૧૭મીને બદલે આવતીકાલે તા.૧૬ મેથી જ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, કરીયાણું, શાકભાજી અને અનાજ દળવાની ઘંટી ચાલુ રાખી શકાશે. જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ આ અંગે વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી આ દુકાનો ખુલ્લી રાખી શકાશે. છુટછાટ અપાયેલી ચીજવસ્તુઓનું જ વેચાણ કરી શકાશે. વેચાણ કરતી વખતે વેપારીઓ, ફેરીયાઓ અને નાગરિકોએ સોશ્યલ ડીસ્ટેન્સીંગનું પાલન કરવું પડશે.

દુકાનમાં કામ કરતાં માલિક, કામદારો, ફેરીયાઓએ હેન્ડ ગ્લોઝ પહેરવાના રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી અન્ય વિસ્તારમાં ખરીદી કરવા માટે જઈ શકાશે નહીં. જે આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે જાહેરનામાં ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગર કલેકટરે જણાવ્યું હતું કે દુકાનોમાં ભીડભાડ ના થાય તે હેતુથી સવારથી રાત્રી સુધીનો સમય રાખવામાં આવ્યો છે. દહેગામ અને માણસામાં  આમ પણ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ માટે દુકાનો ખુલ્લી જ હતી ત્યારે હવે સમગ્ર જિલ્લામાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખી શકાશે. 

વેપારીઓ સાથે કલેકટર અને કમિશનરે બેઠક કરી

ગાંધીનગરમાં કોરોના વાઈરસના સંક્રમણના કેસમાં ઓચિંતો વધારો થતાં ગાંધીનગર અને કલોલમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો ત્યારે આવતીકાલથી આ દુકાનો શરૂ થવાની છે ત્યારે જિલ્લા કલેકટર કુલદીપ આર્ય અને મ્યુનિ.કમિશનર રતનકંવર ગઢવીચારણે વિવિધ વેપારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં કલેકટરે કહયું હતું કે વેપારીઓએ ભીડ ના થાય તેનું પુરતું ધ્યાન રાખવાનું છે અને સોશ્યલ ડીસ્ટેન્સીંગનું પાલન કરાવવાનું છે. શાકભાજીના વેપારીઓ હાલ હંગામી ધોરણે ખુલ્લી જગ્યા પસંદ કરે તે જરૂરી છે. 

હવે સામાન્ય જીવનમાં માસ્ક અને સોશ્યલ ડીસ્ટેન્સીંગ અપનાવી લેવું પડશે તો મ્યુનિ.કમિશનરે કહયું હતું કે આ બિમારીને દરેક લોકોએ ગંભીરતાથી લેવાની જરૂર છે. અત્યાર સુધી કોઈ બિમારીના કારણે દેશના વેપાર, ધંધા, ટ્રાન્સપોર્ટ જેવી તમામ સુવિધાઓ બંધ કરવામાં નથી આવી. તેમણે વેપારીઓને ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી. વેપારીઓને સંક્રમણથી કેવી રીતે બચી શકાય અને તેને ફેલાતું અટકાવી શકાય તે માટે ફીલ્મ બતાવવામાં આવી હતી.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TaSCEr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages