
વિશ્વના કોઈ પણ દેશના મેડિકલ ક્ષેત્રની ઈમારત પેરામેડિકલના મજબૂત પાયા ઉપર ઉભી હોય છે. પુરુષ નર્સ હોય કે સ્ત્રી નર્સ હોય, તેના વિના મેડિકલ સગવડ અસંભવ છે. પેસેન્જર વિમાનો જ્યારે દુનિયામાં પહેલીવાર શરૂ થયેલા ત્યારે એર-હોસ્ટેસ તરીકે નર્સને જ પસંદ કરવામાં આવતી જેથી આકાશમાં ઊંચે હવાના ઓછા દબાણ નીચે જો કોઈ પ્રવાસી બેચેની અનુભવે તો તેને નર્સ સારી રીતે સંભાળી શકે. એ જમાનામાં એર હોસ્ટેસની પોસ્ટ માત્ર નર્સ માટે હતી,
સુંદર કન્યાઓ તો પછી ચિત્રમાં આવી. આજે તો નર્સ શબ્દ કોરોના સામેના વૈશ્વિક યુદ્ધનું પ્રમુખ લડાયક પરિબળ છે જે માનવજાતને ઉગારવામાં એકાગ્ર છે. રાતના ઘોર અંધકારમાં દરદીના શ્વાસની એકાએક બદલાયેલી લયકારીને ઓળખીને જે પોતે અદ્ધર શ્વાસે એને બચાવવા દોડે છે એ નર્સ હોય છે. અંતિમ સમયે નર્સ જ મહાન આરોગ્યદાયિની અને ધનવંતરિની પુત્રી જેવી દિસે છે. આજે એ નર્સ સમુદાય જ સમાજની સૌથી મોટી આશા છે. એમના સાથી જેવા વોર્ડ બોય પણ તબીબી તંત્રની એક ઉપેક્ષિત ધોરિનસ છે.
હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી સાથે ડોક્ટર કરતા નર્સ વધુ સમય વિતાવે છે. દર્દીના પરિવારજનો પણ ડૉક્ટર કરતા નર્સને વધુ સવાલો પૂછતાં હોય છે. નર્સનો સમૂહ આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ છે. કોરોનાકાળમાં તેઓ ડૉક્ટરો જેટલા જ સન્માનને પાત્ર છે. આપણા દેશમાં નર્સોને જે દરજ્જો મળવો જોઈએ તે મળ્યો નથી. કમ્પાઉન્ડર અને નર્સ મોટેભાગે ઉપેક્ષિત રહ્યા છે. કોરોનાના સંક્રમણના સમયમાં નર્સ સમુદાયે રાઉન્ડ ધ ક્લોક કામ કર્યું છે.
ચેપગ્રસ્ત દર્દીના ઘનિ અને સતત સંપર્કમાં નર્સને જ આવવાનું થતું હોય છે. છતાં પણ સરકારે કે પ્રાઇવેટ હોસ્પિટલે નર્સસમૂહની કદરદાની પૂરતી કરી નથી. ઉલટાનું નર્સે અન્યાયનો ભોગ બનવો પડયો હોય એવા ઘણા સમાચાર સામે આવ્યા છે.
કલકત્તાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં કામ કરતી પરિચારિકાને પોતાને કોરોનાના લક્ષણો જણાતા તેણે હોસ્પિટલના ડૉક્ટરોને જાણ કરી. હોસ્પિટલના સત્તાધીશોએ તેનો ટેસ્ટ કર્યા વિના એને સાદો ફલૂ છે એવું સર્ટિફિકેટ આપી દીધું. એન્ટીબાયોટિક્સ ઉપર કામ કરી રહેલી એ નર્સનું સ્થાન છેવટે મરણપથારી રહ્યું. આ એકલદોકલ કિસ્સા નથી. નર્સો સાથે આવું અવરનારવાર થતું રહ્યું છે.
આપણા ગુજરાતમાં તો સરકારી તબીબી ક્ષેત્રમાં સિત્તેર ટકા નર્સ તો કોન્ટ્રેક્ટ પર કામ કરે છે. આ કોન્ટ્રેક્ટ એટલે સરકારે એના મળતિયા હપ્તાબાજોને સોંપેલું કામ. એ હપ્તાબાજો છેક રાજ્યના આરોગ્ય પ્રધાન અને આરોગ્ય સચિવ સુધી પહોંચેલા છે. આ ભાજપના મળતિયાઓ કોન્ટ્રેક્ટ સિસ્ટમની એક પણ નર્સને પૂરો પગાર આપતા નથી પણ પૂરા પગારમાં સહી કરાવે છે. અત્યારે પણ કોરોના વોરિયર તરીકે કામ કરતા મેઈલ અને ફિમેઈલ નર્સની મહેનતનો મોટાભાગનો પગાર તો કૌભાંડકારી કોન્ટ્રેક્ટ ધારકો જ ગળી જાય છે.
પૂર્વોત્તર રાજ્યો અને કેરળની યુવતીઓ નસગ ડિપાર્ટમેન્ટમાં આખા એશિયા ખંડમાં સેવાઓ આપે છે. દુબઇમાં અને મધ્યપૂર્વના દેશોમાં પણ ઘણી ભારતીય નર્સો જોવા મળે છે. પરંતુ ભારતમાં કામ કરતી નર્સોની પરિસ્થિતિ સારી નથી. મણિપુરની ત્રણસો જેટલી નર્સ જે કલકત્તામાં કોરોના એસાઇન્ડ હોસ્પિટલમાં કામ કરતી હતી તેને વતન જવાની ફરજ પડી. તેમના માટે પીપીઇ કીટ હતી નહીં કે સેફટી પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવતું નહીં. નર્સોેને રક્ષણાત્મક યુનિફોર્મ વિના કામ કરવાની ફરજ પડાતી. મણિપુરની આ નર્સોને લોકો ચાઈનીઝ કહીને કે કોરોના કોરોના કહીને ચીડવતા.
આ બહુ ગાજેલું પ્રકરણ છે જેમાં કેન્દ્ર અને મણિપુર રાજ્ય સરકાર બેવકૂફ સાબિત થયેલી છે. હોસ્પિટલોએ આ અંગે કોઈ પગલાં ભર્યા નહીં. સરકાર પણ નર્સોેની મદદે આવી નહીં. આ કપરા કાળમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરતી દરેક નર્સ વિશેષ કોરોના-ભથ્થાને લાયક છે. સરકારે પેરામેડિકલ સ્ટાફ માટે રાહત યોજના જાહેર કરવાની જરૂર છે. નર્સના સહકાર વિના બધા જ કોરોના વોરિયર્સ લાચારી અનુભવતા હોત.
હું પણ કોરોના વોરિયર નામનું અભિયાન શરૂ થયું છે અને એ ગુજરાત રાજ્ય સરકારે ચાલુ કર્યું છે. સોશ્યલ મીડિયાના આ કેમ્પઈનની જાહેરાત કોરોનાકાળમાં ફરજ બજાવતા લોકોની નિાને સલામ આપવાનો એક યત્ન છે. પરંતુ જે લોકોએ પ્રથમ લોકડાઉન લાદવામાં આવ્યું એ પહેલાથી આજ સુધી અથાગ અને સતત મહેનત કરી છે, જવાબદારી સ્વીકારી છે અને પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશસેવા કરી છે તેની, આર્થિક રીતે મદદ થવી જોઈએ. પ્રજા પાસેથી દાન મંગાવવાનો આઈડિયા સારો હતો.
પરંતુ એવી જ ત્વરિત ઝડપથી ડૉક્ટરો અને નર્સની સુરક્ષા તથા તેના પ્રોત્સાહક પગાર બાબતે વિચાર કેમ ન આવે ? ઘણા સરકારી ખાતાઓમાં સરકારી પ્રમોશન અને પગારવધારો અટકાવી દેવામાં આવ્યા છે. પરંતુ નર્સના સમુદાયને તો તરત જ પગારવધારો મળવો જોઈએ. જુદી જુદી યોજના જરૂરી હશે, એ યોજના હેઠળ કેટલા દર્દીઓ લાભાર્થી બન્યા તેના મસમોટા આંકડાઓની જાહેરાત કરવી પણ જરૂરી હશે પરંતુ સાથે સાથે એ પણ જરૂરી છે કે હેલ્થકેર સિસ્ટમના પાયા સમાન નર્સો માટે પણ નક્કર યોગદાન સરકાર આપે અને એમને પ્ર-ઉત્સાહિત કરે. શાબાશીના બે બોલ સિવાય આર્થિક પ્રોત્સાહન પણ મળવું ઘટે. માત્ર મીઠી વાણીનો યુગ અસ્ત થયો એને દાયકાઓ વીતી ગયા છે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zpJ8yl
No comments:
Post a Comment