
અમદાવાદ,તા.9 ફેબ્રુઆરી 2020 રવિવાર
નારોલ ખાતે શનિવારે નંદન એકઝીમમાં બનેલા આગના બનાવમાં કુલ મરણાંક સાત થયો છે.એક વર્ષમાં આ જ સ્થળે મોટી આગના બનાવ બને છે.લાખ્ખો લિટર પાણીનો મારો ચલાવીને આગને નિયંત્રણમાં લેવામાં આવે છે.આગના બનતા રહેતા દરેક બનાવ બાદ ફેકટરી ઈન્સપેકટર,એસ્ટેટ વિભાગ કે ફાયર ઓફીસર સુધીના કોઈની પણ જવાબદારી નકકી કરાતી નથી.શનિવારની ઘટના મામલે પણ તંત્રમાં બેઠેલાઓએ મૌન સેવવાનું ઉચિત માન્યુ છે.આટલા મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હોય એવો નજીકના વર્ષોમાં આ પહેલો બનાવ હોવાનુ ચીફ ફાયર ઓફીસર કહે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,શનિવારે નંદન એકઝીમમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા સાત પર પહોંચી છે.તંત્રની આખી જે સિસ્ટમ કામ કરે છે એમાં ફેકટરી ઈન્સપેકટર,એસ્ટેટ વિભાગ અને ફાયર ઓફીસર એમ ત્રણની જવાબદારી કોઈપણ મોટી દુર્ઘટના કે જાનહાનિ ન થાય એ માટે નકકી કરાઈ છે.નંદન એકઝીમ હોય કે ચિરીપાલ હાઉસ આ એવા એકમો છે જયાં એક વર્ષની અંદર મોટી આગના ચાર બનાવો બનતા હોય છે.અમદાવાદના લોકોને પીવા માટે પુરુ પાડવાના પાણીમાંથી લાખ્ખો લિટર પાણી આ લાગતી આગને બુઝાવવા માટે વાપરવુ પડે છે.
આ વિસ્તારમાં મોટી આગ લાગવી એ રુટીન બાબત હોય એમ દર વર્ષે વીમો પાકવાના સમયમાં આગ લગાડવામાં આવતી હોવાનુ તંત્રમાં બેઠેલા અધિકારીઓ નામ ન આપવાની શરતે કહે છે.આ બાબત સત્તામાં બેઠેલાઓ પણ સારી રીતે જાણે છે.છતાં ચોકકસ કયા કારણસર આજદીન સુધી કોઈની જવાબદારી નકકી કરીને કાર્યવાહી કે સજા કરાઈ નથી એ દરેક અમદાવાદીનો સવાલ છે. ફેકટરી ઈન્સપેકટરની જવાબદારી માત્ર લાયસન્સ આપવાની છે.
છતાં એ ફાયર અંગે પણ સલાહ-સુચન કરતા હોવાનો ફાયરના અધિકારીઓનો આક્ષેપ છે.એસ્ટેટ વિભાગના અધિકારીઓની જવાબદારી સ્થળ તપાસ કરી વધારાનું બાંધકામ થયુ છે કે કેમ? એ તપાસવાની હોય છે એ કામગીરી થતી નથી.એથી આ સ્થળે યુનિટોનો વિસ્તાર-વ્યાપ વધતો રહે છે.દરેક વખતે ચિરીપાલના એકમોમાં જ મોટી આગના બનાવો બને છે.ફાયર અધિકારીઓ દ્વારા નિયમિત કયા દબાણ હેઠળ ફાયર એન.ઓ.સી.કે ફાયર સેફટી અંગે ઈન્સપેકશન થતુ નથી કે પછી તમામની ચિરીપાલના સંચાલકો સાથે સાંઠગાંઠ છે એવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
ચિરીપાલ એકમોમાં લાગતી આગનો રેકોર્ડ કેમ રખાતો નથી?
ચિરીપાલના આવેલા પ્રોસેસ એકમોમાં દર વર્ષે ચાર મોટી આગના બનાવો બનતા હોય છે.આમ છતાં આ એકમોમા લાગતી આગનો કોઈ વ્યવસ્થિત રેકોર્ડ ફાયર વિભાગ દ્વારા ન રખાતો હોવાનું ફાયરના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. આટલા મોટા પ્રમાણમાં પહેલી વખત જાનહાની થઈ,ફાયર ઓફીસર(બોકસ)
નંદન એકઝીમમાં બનેલા આગના બનાવ મામલે ચીફ ફાયર ઓફીસર એમ.એફ.દસ્તૂરને પુછતાં તેમનુ કહેવુ હતુ કે,દર વર્ષે મોટી આગના ચાર બનાવ બને છે.આટલા મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હોય એવુ નજીકના વર્ષોમાં પહેલી વખત બન્યુ છે.
અગાઉ ચિરીપાલ એકમોમાં બનેલા આગના બનાવો
શનિવારના રોજ બનેલી આગની ઘટના અગાઉ જે સમયે ચિરીપાલના પ્રોસેસ હાઉસનું બાંધકામ થઈ રહ્યુ હતુ.એ સમયે સ્ટ્રકચર તુટી પડતા છ લોકોના મોત થયા હતા. પાંચેક વર્ષ પહેલા કાપડની ગાંસડીઓના મોટા જથ્થામાં આગ લાગવાના સમયે સંચાલકો અને ફાયરના અધિકારીઓ વચ્ચે છુટા હાથની મારામારી પણ થઈ હોવાનું ફાયરના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39pIIVb
No comments:
Post a Comment