કોરોનાનો ફેલાવો કુદરતી કે કૃત્રિમ?: ચીનનું શંકાસ્પદ વર્તન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 8 February 2020

કોરોનાનો ફેલાવો કુદરતી કે કૃત્રિમ?: ચીનનું શંકાસ્પદ વર્તન


ચીન સરકાર કોરોના વિશે જરૂરી માહિતી પૂરી નથી પાડતી એવો આક્ષેપ ખુદ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન જેવી વૈશ્વિક સંસ્થા કરી ચૂકી છે. ચીન પર શંકા કરવા એટલી વાત પૂરતી છે. 

૧૯૮૬ની ૨૬મી એપ્રિલે ધરતી પરનો અત્યાર સુધીમા નોંધાયેલો સૌથી મોટો અકસ્માત થયો હતો. રશિયાના પ્રિપ્યાત શહેર પાસે આવેલું ચેર્નોબિલ અણુમથક એ દિવસે ફાટયું હતું. પરમાણુ પ્લાન્ટ વિસ્ફોટ થયો હોય એવી એ દુનિયાની પહેલી ઘટના હતી. પ્રિપ્યાત શહેર પર તેની સૌથી વધુ અસર થઈ રહી હતી. રશિયામાં સામ્યવાદી સરકાર હતી, જે માહિતી આપવા કરતાં છૂપાવવામાં વધારે માનતી હતી. પ્લાન્ટમાં સામાન્ય આગ લાગી છે એમ માનીને તેને કાબુમાં લેવા વિવિધ પ્રયાસો આદર્યા. સાથે સાથે શહેરનું સંચાલન કરતી સામ્યવાદી સમિતિએ બેઠક બોલાવી. બેઠકમાં નક્કી થયું કે આ અકસ્માતની કોઈને ખબર ન પડે એ રશિયાની પ્રતિષ્ઠા માટે વધુ જરૂરી છે. એટલે પછી શહેરને સિલ કરી દેવાયું. શહેરની બહારથી કોઈ અંદર ન આવી શકે, અંદરથી કોઈ બહાર ન જઈ શકે. સંપર્ક ન કરી શકે એટલે ટેલિફોન લાઈનો કાપી નાખવામાં આવી. 

સામાન્ય રીતે આવુ ફિલ્મમાં બનતું હોય છે. પણ રશિયાની સરકારે ત્યારે ખરેખર એવુ કર્યું હતું, આજે પણ કરે છે. હવે ચીને રશિયાનું અનુકરણ કોરોનાના કિસ્સામાં કર્યું છે. વુહાન અને હુબેઈ વિસ્તારમાં કોરોનાના પ્રથમ કિસ્સા સામે આવ્યા તો ત્યાં સારવાર પહોંચાડવાને બદલે ચીની સરકારે સમગ્ર વિસ્તારના ત્રણથી પાંચ કરોડ લોકોને નજરકેદ કરી દીધા છે. કોઈ બહાર જશે નહીં, કોઈ બહારથી અંદર આવશે નહીં..  પ્રકારનો પ્રતિબંધ લગાવી દીધો છે. માન્યુ કે રોગચાળો કાબુમાં આવે એટલા માટે આ પ્રકારનાં આકરાં પગલાં જરૂરી છે. પરંતુ એ પછીય કોરોના મુદ્દે ચીની સરકારનું વલણ શંકાસ્પદ જોવા મળી રહ્યું છે.

દુનિયાની બધી સરકારો વત્તા-ઓછા અંશે માહિતી છૂપાવવાનું વલણ ધરાવતી હોય છે. પરંતુ જો એ સરકાર સામ્યવાદી હોય તો પછી દુનિયાને ગેરમાર્ગે દોરવાનું પ્રમાણ વધી જાય એવો વધુ એક વૈશ્વિક કિસ્સો ચીનમાંથી સામે આવી રહ્યો છે. વાઈરસની શરૂઆત થઈ ત્યારથી જ ચીની સરકારનું વર્તન શંકાસ્પદ છે. ચીનમાં સામ્યવાદી શાસન છે અને તેની પોલિટ બ્યુરો નામની સમિતિ દેશ ચલાવે છે. વિપક્ષ જેવુ કંઈ નથી એટલે કહેવાય સામ્યવાદી પણ વર્તન હોય સરમુખત્યારશાહી જેવું. 

ચીને એક પછી એક શહેરોને તાળાબંધ કરી દીધા છે. માટે જ્યાં કરોડોની વસતી રહે છે અને માર્ગો ચોવીસેય કલાક ધમધમતા એવા બિજિંગ જેવા શહેરના રસ્તા પણ ખંડેર થયા હોય એમ ખાલી પડયાં છે. એટલું જ નહીં ડિસેમ્બરથી વાઈરસની જાણકારી મળ્યા પછી ચીને તેની જાણકારી જગતને આપી નથી. એટલુ જ નહીં ખુદ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને પણ જાન્યુઆરીમાં એવી નારાજગી વ્યક્ત કરી હતી કે કોરોના અંગે ચીન પુરતી માહિતી આપતું નથી. ચીનનું એવુ જ અક્કડ વલણ રહ્યું એટલે પછી હેલ્થ ઑર્ગેનાઈઝેશનના વડાએ ચીનનો પ્રવાસ કરવો પડયો. એ પછી પણ કોરોના અંગેની માહિતી તો નથી જ મળી. ચીનના આવા બંધિયાર વલણને કારણે કોરોના અંગે કેટલીક કોન્સપિરસી (શંકા-કુશંકા અને તર્ક-વિતર્ક)થિયરી સામે આવવા લાગી છે. થિયરી સાચી કે ખોટી તેનો સવાલ નથી કેમ કે કોઈ વાત સાચી હોય તો એ કોન્સિપિરસી ન કહેવાય. પરંતુ ચીન સત્ય નથી રજૂ કરતું માટે લોકોએ કેવા કેવા વિચાર રજૂ કર્યા છે?

જૈવિક હથિયાર?

દુશ્મનનો સામુહિક ખાત્મો કરવા માટે રોગચાળો ફેલાવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જેમ કે ક્રિસ્ટોફર કોલંબસ સવા પાંચસો વર્ષ પહેલા અમેરિકા પહોંચ્યો ત્યારે સ્થાનિક રેડ ઈન્ડિયનોને મારી નાખવા તેને વિષાણુયુક્ત ધાબળા આપ્યા હતા. એ ઓઢીને અનેક આદિવાસી માર્યા ગયા હતા. આધુનિક યુગમાં આ હથિયાર બાયોલોજિક વેપન્સ તરીકે ઓળખાય છે. ઈઝરાયેલના જેમ્સ બોન્ડ જેવા જાસુસ પ્લસ વાઈરોલોજિસ્ટે (વાઈરસ નિષ્ણાત) દાવો કર્યો કે કોરોનાએ ચીની સરકારે પેદા કરેલું બાયોલોજિકલ (જૈવિક) હથિયાર છે. ઈઝરાયેલી મિલિટરી ઇન્ટેલિજન્સ (જાસૂસી)માં કામ કરી ચૂકેલા દાની સોહામનું કહેવું છે કે વુહાનમાં આવેલી લેબોરેટરીમાંથી આ વાઈરસ લીક થયા છે. વુહાનમાં આવેલી ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ઑફ વાઈરોલોજિ એકમાત્ર લેબોરેટરી છે, જ્યાં ઘાતક વાઈરસ પર સંશોધન થઈ રહ્યું છે. દાનીના કહેવા મુજબ ભવિષ્યના યુદ્ધો માટે ચીન અહીં ઘાતક વાઈરસ તૈયાર કરતું હતું. પરંતુ પોતાનો વાઈરસ પોતાને ભારે પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. કેમ કે વાઈરસ લેબોરેટરીમાંથી લીક થઈ જતાં હવે સર્વત્ર રોગચાળો ફેલાઈ રહ્યો છે. એ સંજોગોમાં ચીન ક્યા મોઢે જગતને માહિતી આપે?

દુશ્મનોનું કાવતરું?

રશિયાની મુખ્ય ટીવી ચેનલ, ચેનલ વનમાં રોજ સાંજે સમાચાર આવે છે. એ સમાચારમાં એક વિશિષ્ટ વિભાગ રશિયાએ ઉમેરી દીધો છે. વિભાગ શેનો છે? કોરોના અંગેનો. ના, કોરોના વાઈરસની અપડેટ આપવા વિશેનો વિભાગ નથી. પરંતુ કોરોના અંગેની કોન્સપિરસી થિયરી આ ટીવી કાર્યક્રમમાં રોજ રજૂ કરવામાં આવે છે. રશિયાનો તો દાવો છે કે આ વાઈરસ એ ચીનના દુશ્મનનોનું કાવતરું છે. દુશ્મન એટલે અમેરિકા જ એ પણ રશિયાએ સ્પષ્ટ કરી દીધું છે.

અમેરિકા અને રશિયા વચ્ચે ટ્રેડ વૉર ચાલે છે. ટ્રેડ વૉર તો લેટેસ્ટ જંગ છે, પણ એ પહેલાથી જ કરન્સી વૉર પણ ચાલે છે. અત્યારે અમેરિકી ડૉલર વૈશ્વિક ચલણ છે, તેના બદલે ચીની ચલણનો વિશ્વમાં ડંકો વાગે એ માટે ચીન પ્રયત્નશીલ છે. કોઈ પણ દેશ પોતાના હરિફને ખતમ કરવા માંગતો જ હોય. અમેરિકાએ પણ ચીનના અર્થતંત્રને ધીમું પાડવા વાઈરસ મોકલ્યો હશે એવી થિયરી ચાલી રહી છે. થિયરી સાચી હોય કે ખોટી એ વાત બાજુ પર રાખીએ. હકીકત એ છે કે ચીનનું અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે. બીજી તરફ ચીનના (ભારત સહિતના) હરિફોને અર્થતંત્ર ધીમું પડવાનો લાભ મળી રહ્યો છે. રશિયાની ચેનલ આવો કાર્યક્રમ ચલાવતી વખતે એ વાત ભૂલી જાય છે કે ચીનના દુશ્મનોમાં રશિયાનું નામ પણ આવે જ છે!

ચીને ઇરાદાપૂર્વક કરેલો પ્રયોગ?

ચીન માટે એવુ કહેવાય છે કે હાલતી-ચાલતી હોય એવી તમામ ચીજો ચીની પ્રજા ખાઈ શકે છે. એ પ્રજા કંઈ પણ કરી શકે. ચીની શાસકો થોડા દિવસ પહેલા કમ્યુનિસ્ટ પાર્ટીની મિટિંગમાં સ્વીકાર કરી ચૂક્યા છે કે કોરોના અંગે ધ્યાન રાખવામાં અમારી હેલ્થ સિસ્ટમ નબળી સાબિત થઈ. એટલે એક વાત તો નક્કી છે કે કોરાનાને કાબુમાં લેવામાં ચીની સરકાર ઉણી ઉતરી છે. બીજી તરફ તાઈવાનની વેબસાઈટ પર ચીની કંપનીના નામે સમાચાર આવ્યા કે મૃતકોની ખરી સંખ્યા તો ૨૫ હજાર જેવી છે ને દોઢ લાખને ચેપ લાગ્યો છે. ટેન્સેન્ટ નામની વેબસાઈટ ચીની મલ્ટિમિડીયા કંપનીની છે, જેની સ્ક્રીન પર વાઈરસના આંકડા રજૂ કરતું મિટર તૈયાર કરવામાં આવ્યુ છે. એ મિટરમાં ઓછામાં ઓછી ત્રણ વાર ૨૫ હજાર મૃત્યુ પામ્યા હોવાના આંકડા ચમક્યા હતા.

બીજી તરફ ચીની સરકારે કોરોનાનો ચેપ લાગ્યો છે એવા બધાને મારી નાખવાની મંજૂરી સુપ્રીમ કોર્ટ પાસે માંગી હોવાની વાત વહેતી થઈ છે.

 દરમિયાન ફરીથી બાયોલોજિકલ વેપન્સની વાત આવી છે. કે ચીન સરકારે પોતે જ વાઈરસ ફેલાવીને કેટલા મોત થાય છે, કેવી રીતે ફેલાય છે, કેવી અસર કરે છે.. વગેરે પ્રયોગ કરવા માંગે છે. જેથી ભવિષ્યમાં દુશ્મન પર છોડી શકાય. એટલે જ ચીની સરકાર આ વિશે વધુ કંઈ બોલતી નથી. એટલુ જ નહીં ચીની સરકારના અખબાર જેમાં રોજ રોજ જિનપિંગ પ્રથમ પાને ચમકતા હોય છે, તેના સમાચાર અચાનક ઓછા થઈ ગયા છે. આખી દુનિયા કોરોનાથી ચિંતિત છે, પણ ઝિનપિંગ પોતે ક્યાંય જાહેરમાં દેખાતા નથી કે કશું કહેતા નથી.

ચીનની આવી તો ઘણી ચાલ-ચલગત છે, જે શંકા કરવા પ્રેરે છે, કે કોરાના માત્ર વાઈરસ નથી, વાઈરસથી વધુ કંઈક છે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vih1i6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages