વર્લ્ડ સિનેમા - લલિત ખંભાયતા
92મા એકેડમી (ઑસ્કર) એવોર્ડમાં દક્ષિણ કોરિયાની ફિલ્મ 'પેરસાઈટ' સૌથી ચર્ચાસ્પદ રહી. કુલ 24 કેટેગરીમાં અપાતાં આ એવૉર્ડમાં સન્માન પામેલી પેરસાઈટ અને અન્ય કેટલીક નોંધપાત્ર ફિલ્મોની કથા અહીં ટૂંકમાં રજૂ કરી છે
પેરસાઈટ : જોકર વગરની કોમેડી, વિલન વગરની ટ્રેજેડી
નોમિનેશન : 6
એવૉર્ડ : બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ, ઓરિજિનલ સ્ક્રીનપ્લે
દક્ષિણ કોરિયાના ડિરેક્ટર બોંગ જોન હૂએ પોતાની ફિલ્મ 'પેરસાઈટ' વિશે કહ્યું હતુ કે 'આ જોકર વગરની કોમેડી અને વિલન વગરની ટ્રેજેડી છે'. વાર્તા દક્ષિણ કોરિયાના પાટનગર સેઉલ શહેરની છે. પહેલી નજરે ન દેખાતી હોવા છતાં વિશ્વને ભાંગી રહેલી એક સમસ્યા અમીરી-ગરીબીની ખાઈની છે અને આ ફિલ્મ તેની જ રજૂઆત છે.
સેઉલમાં રહેતા કિમ પરિવારમાં ચાર સભ્યો છે, માતા-પિતા, બે બાળકો. બાળકો ઘણા હોંશિયાર છે, જેની સાબિતી સાવ નાનકડાં ભોંયરામાં આવેલા ઘરમાં લટકતાં મેડલ પરથી મળી રહે છે. હોંશિયાર તો બધા છે, પરંતુ જોઈએ એવુ કામ મળતું નથી. એટલે ચારેય સભ્યો જે કામ મળે એ કરીને ગુજરાન ચલાવે છે. વાઈ-ફાઈ પણ પડોશીનું વાપરે છે. કિમ પરિવારના કિ-વૂને એક દિવસ તેનો મિત્ર કહે છે કે હવે હું બહાર જાવ છું. પાર્ક પરિવારમાં દીકરી છે, તેને અંગ્રેજી શીખવું છું. મારી જગ્યાએ તને એ કામ મળી શકશે. વાહ! પણ કામ તો જ મળે જો યુનિવર્સિટીની ડીગ્રી હોય. એ તો નથી! ડીગ્રી નથી પણ ફોટોશોપ તો છે ને, નકલી ડીગ્રી તૈયાર કરી દેવાઈ, નોકરી મળી ગઈ. પરિવારમાં વર્ષો પછી આનંદ છવાયો કેમ કે પહેલી વાર પરમેનેન્ટ નોકરી મળી હતી.
કિમ પરિવારના સભ્યો ધીમે ધીમે કરતાં પાર્ક પરિવારમાં પોતાની જગ્યા બનાવતા ગયા. આખો પરિવાર પાર્ક પરિવાર પર આધારિત એટલે પરોપજીવી એટલે પેરસાઈટ થવા લાગ્યો. ઘરમાં કામગીરી શરૂ કર્યા પછી ખબર પડી કે અહીં તો બીજો એક પરિવાર પણ પેરસાઈટ તરીકે રહે છે! કોમેડીના ટ્રેક પર ચાલતી ફિલ્મ અચાનક રસ્તો બદલી ટ્રેજેડી તરફ વળે છે.
દક્ષિણ કોરિયા આમ તો ધનાઢ્ય દેશ છે, પણ ત્યાંય અમીરી-ગરીબી અને બેરોજગારીની સમસ્યા તો છે જ. એ સમસ્યા આ ફિલ્મ દ્વારા જગત સમક્ષ રજૂ થઈ છે. તો વળી આ ફિલ્મ દ્વારા અમેરિકાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક એશિયન ડિરેક્ટરે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. વધુ નોંધપાત્ર વાત એ છે કે 92 વર્ષના ઑસ્કર ઈતિહાસમાં પહેલી વાર પરદેશી (અંગ્રેજીમાં ન હોય એવી) ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવૉર્ડ મળ્યો છે. બાકી આ પ્રકારની ફિલ્મો માટે ફોરેન કેટેગરી છે જ. ફિલ્મને કુલ છ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, જેમાંથી ચાર (બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ અને ઓરિજિનલ સ્ક્રીનપ્લે) એવૉર્ડ મેળવી ચૂકી છે.
જોકર : એ જ હિરો,એ જ વિલન
નોમિનેશન : 11
એવૉર્ડ : બેસ્ટ એક્ટર, ઓરિજિનલ સ્કોર
ફિલ્મમાં આમ તો હિરો હોય, વિલન હોય અને બીજા ઘણા પાત્રો હોય. જોકરમાં બીજા પાત્રો તો છે, પરંતુ હિરો ગણો તો હિરો અને વિલન ગણો તો વિલન એ જોકર પોતે જ છે. ગોથમ શહેરમાં રહેતો સ્ટેન્ડ-અપ કોમેડિયન જોકર કેવી રીતે બન્યો તેની આ ફિલ્મ કહાની છે. પરંતુ જો બેટમેન સિરિઝના અન્ય જોકરની છાપ સાથે ફિલ્મ જોવામાં આવશે તો નિરાશા સાંપડવાની પૂરી શક્યતા છે.
'ગંગાધર હી શક્તિમાન હે..' દૂરદર્શન પર વર્ષો પહેલા આવતી આ સિરિયલમાં મુકેશ ખન્ના ડબલ રોલ કરતા, ગંગાધર અને શક્તિમાનનો. શક્તિમાનમાં અપાર શક્તિ, ગંગાધર સામાન્ય ડરપોક માણસ. આપણો જોકર પણ એવો જ છે. જોકર બને ત્યારે અલગ છે અને સ્ટેન્ડઅપ કોમેડિયન આર્થર ફ્લેક તરીકે સાવ અલગ છે.
જોકરનું નાનપણમાં શોષણ થયું હતું, માતા માનસિક અસ્વસ્થ હતી. દેખાવ વર્તનને કારણે જ્યાં, ત્યાં તેની ધોલાઈ થતી રહે છે. એ સ્થિતિની તેના મન પર શું અસર થાય? તેનો જવાબ આપતી આ સાઈકોથ્રિલર છે. લાઈટો બંધ કરીને શૂટિંગ કર્યું હોય એવી અંધારાથી ઘેરાયેલી છે. માટે નાનકડા વર્ગ સિવાયના દર્શકોને આ ફિલ્મમાં રસ પડે એવી શક્યતા ઓછી છે.
આ વખતે સૌથી વધુ 11 નોમિનેશન જોકરને મળ્યાં હતાં. એક્ટર માટે કોઈ પાત્રમાં ઉતરીને તેનો રોલ કરવો પડકારજનક હોય છે. અહીં હોકિન ફિનિક્સ જે પાત્ર ભજવી રહ્યાં છે એ પોતે જ મલ્ટિપલ પર્સનાલિટી પ્રકારનું છે. એ અઘરો રોલ ઉત્તમોત્તમ કરવા બદલ જ ફિનિક્સને બેસ્ટ એક્ટરનું સન્માન મળ્યું છે.
1917 : સમય સાથે સ્પર્ધા
નોમિનેશન : 1૦
એવૉર્ડ : સાઉન્ડ મિક્સિંગ, વિઝ્યુઅલ ઇફેક્ટ સિનેમેટોગ્રાફી
હવેના યુદ્ધો તો સંપૂર્ણપણે કમ્યુનિકેશન અને ટેકનોલોજી આધારિત છે. પણ આ વાત 1914માં શરૂ થઈ 1918માં પુરાં થયેલા પ્રથમ વિશ્વયુદ્ધના વર્ષ 1917ની એક ઘટનાની છે. બ્રિટિશ ટૂકડીએ જર્મનો પર ચોક્કસ સમયે હુમલો કરવો એવુ નક્કી થયેલું હતું. પરંતુ સ્થિતિ અચાનક બદલાઈ. માટે બ્રિટિશ આર્મી જનરલ એરિનમોરે બે યુવા લાન્સ કોર્પોરલ ટોમ બ્લેક અને વિલ સ્કોફિલ્ડને કામ સોંપ્યુ. ટોમ-વિલે જર્મન ભૂમિમાં જઈને બ્રિટિશ સૈન્ય ટીમને જાણ કરવાની હતી કે જે હુમલો નક્કી થયો છે એ હવે નથી કરવાનો. હુમલો કરવામાં 16૦૦ બ્રિટિશ સૈનિકોના જીવને જોખમ હતું. આ સંદેશો પહોંચાડવા માટેની બધી ટેલિફોન લાઈનો કપાઈ ચૂકી હતી. જરનલનો આદેશ હતો ઉપરાંત ટોમનો ભાઈ પણ એ 16૦૦ સૈનિકોમાં હતો. માટે તેણે સંદેશો પહોંચાડવો જ પડે. બન્ને રવાના થયા.. તેમણે સમય સાથે સ્પર્ધા કરવાની હતી.
યુદ્ધભૂમિમાં આગળ બન્ને સૈનિકો અને તેની સાથે સાથે દર્શકો સામે બે મહત્ત્વના સવાલ છે. એક તો એ બન્ને સલામત રીતે બ્રિટિશ ટૂકડી સુધી પહોંચી શકશે, બીજો સવાલ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં ક્યાંય હુમલો તો શરૂ નહીં થઈ ગયો હોય ને..? પહેલું વિશ્વયુદ્ધ ટ્રેન્ચ (જમીનમાં બનાવાયેલી નહેર) યુદ્ધ હતું. આ ફિલ્મમાં એવી ટ્રેન્ચ અને તેની અનોખી દુનિયા પણ જોવા મળે છે.નવલકથાકાર આલ્ફ્રેડ મેન્ડિસ પોતાના પૌત્રને વિશ્વયુદ્ધની આવી વાર્તાઓ કરતા હતા. એના પરથી જ પૌત્ર સેમ મેન્ડિસે આ ફિલ્મ બનાવી. વિશ્વયુદ્ધ વખતનો માહોલ ઉભો કરવા માટે સાઉન્ડ, વિઝ્યુઅલ અને સિનેમેટોગ્રાફી માટે ફિલ્મને એકેડમી એવૉર્ડ મળ્યાં છે.
વન્સ અપોન ટાઈમ ઈન હોલિવૂડ : ફિલ્મી કથા
નોમિનેશન : 1૦
એવૉર્ડ : સપોર્ટિંગ એક્ટર, પ્રોડક્શન ડિઝાઈન
ડિરેક્ટર ક્વેન્ટિન ટેરેન્ટિનોએ સર્જેલી આ ફિલ્મ હોલિવૂડના વર્ષ 1969 આસપાસના ઘટનાક્રમને રજૂ કરે છે. એ વખતે હોલિવૂડનો ગોલ્ડન યુગ પુરો થઈ રહ્યો હતો, પરિવર્તન આવી રહ્યું હતું, નવી વાર્તાઓ આકાર લઈ રહી હતી. એ સમયે સંઘર્ષ કરતો એક એક્ટર, તેનો સાથીદાર, એક્ટરની બાજુમાં રહેવા આવતા ડિરેક્ટર, હિરોઈન, હોલિવૂડની લેટનાઈટ પાર્ટીઓ, વગેરે વાતોના ટૂકડા એકઠા કરીને આખી ફિલ્મ બનાવાઈ છે. ફિલ્મ સામાન્ય રીતે સળંગ વાર્તા રજૂ કરતી હોય છે. ટેરેન્ટિનો સળંગ વાર્તાને બદલે પોતાને મન પડે એ રીતે, કે પછી કટકે કટકે વાર્તા રજૂ કરવા ટેવાયેલા છે. આ ફિલ્મમાં પણ કોઈ સળંગ વાર્તા શોધવા જઈશું તો સમજ પડવાની નથી. આમ પણ આ ફિલ્મ સંપૂર્ણપણે અમેરિકન ઑડિયન્સ માટે બનેલી છે.
આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ તેની વાર્તા નહીં, એક્ટર બ્રાડ પીટ, લિઓનાર્દો અને જરા વાર માટે આવતા અલ પચિનો છે. 1969માં હોલિવૂડમાં બનેલી અમુક સત્યઘટનાઓ આ ફિલ્મમાં રજૂ થઈ છે. ટેરેન્ટિનો સ્ટાઈલની મારામારી પણ છે. ફિલ્મ દસ ઑસ્કર માટે નોમિનેટ થઈ હતી, બે એવૉર્ડ મેળવી શકી છે. રસપ્રદ રીતે પીટના સપોર્ટિંગ એક્ટર તરીકે સ્પર્ધા ધ આયરિશમેનના અલ પચિનો, ટોમ હેન્ક્સ, એન્થની હોપકિન્સ.. જેવા ધૂરંધરો સાથે હતી.
ફોર્ડ વર્સિસ ફેરારી : પ્રયાસ તો કરો..
નોમિનેશન : 4
એવૉર્ડ : ફિલ્મ એડિટિંગ, સાઉન્ડ એડિટિંગ
જગવિખ્યાત મોટર કંપની ફોર્ડ માટે 196૦નો દાયકો જરા મુશ્કેલ સાબિત થયો, વેચાણ ઘટતું જતું હતું. યુવાનોને જૂનવાણી ફોર્ડ ખાસ પસંદ ન હતી. ફરીથી માર્કેટમાં આવવા માટે શું કરવું? રેસિંગની સ્પર્ધામાં ઉતરવું! રેસિંગની સ્પર્ધા માટેની કાર બનાવાની માસ્ટરી તો ફેરારી જેવી કંપનીઓની હતી, ફોર્ડ એવી કાર ક્યાંથી બનાવી શકે? ચર્ચામાં સમય બગાડવાને બદલે કામ સુપેરે પાર પાડવા માટે ફોર્ડના મેનેજમેન્ટ દ્વારા રેસિંગ ડ્રાઈવર કેરોલ શેલ્બીની ભરતી કરી દેવાઈ. તેની મદદ માટે બીજો એક રેસર કેન માઈલ્સ પણ એપોઈન્ટ કરી દેવાયો.
ફોર્ડ જેવી તોતીંગ કંપની હોય એટલે મનપસંદ કાર બનાવી શકાય એવુ બિલકુલ જરૂરી નથી. કામ શરૂ કર્યું એટલે શેલ્બી-કેન સામે કેટલાક પડકારો આવ્યા. એક તો ફેરારીને આંટે એવી કાર બનાવાની હતી, બીજું મોટી કંપનીમાં ચાલતું કોર્પોરેટ પોલિટિક્સ અને એ સિવાયની નાની-મોટી માથાકૂટો.
ફિલ્મમાં મેટ્ટ ડેમન અને ક્રિશ્ચિયન બેલ મુખ્ય કલાકારો છે. એ બન્ને તેમની એક્ટિંગ માટે આખા જગતમાં ચાહના ધરાવે છે. તો વળી કાર ડિઝાઇનિંગ, તેની ટેકનિક અને છેવટે યોજાતી રેસની રજૂઆત પણ રસપ્રદ છે. ફિલ્મમાંથી સમજવા જેવી વાત પ્રયાસ કરવાના મહત્ત્વની છે. ફેરારી જેવી કાર આપણાથી નહીં જ બને એમ માનીને બેસી રહેવાને બદલે પ્રયાસ તો કરો.. પ્રયાસ કરવામાં સંકોચ થતો હોય એ સૌ કોઈએ સફળ ડિરેક્ટર જેમ્સ મેનગોલ્ડની આ ફિલ્મ જોવી જોઈએ.
***
92મા એકડમી એવૉર્ડમાં વિજેતા થયેલી વધુ કેટલીક ફિલ્મોની વાત હવે પછી...
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39z6qOY
No comments:
Post a Comment