
આણંદ, તા.04 ફેબ્રુઆરી 2020, મંગળવાર
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે આવેલ એક ગેસ્ટહાઉસમાં પંદર દિવસ પૂર્વે અમદાવાદના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવમાં મૃતકના પિતાએ મૃતકની પત્ની સહિતના પરિવારજનો સામે ભાલેજ પોલીસ મથકમાં આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપવા બાબતે ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ભાલેજ પોલીસે મૃતકની પત્ની સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં મળતી વિગતો મુજબ અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા મિલનભાઈ જયેશભાઈ પટેલ (ઉં.વ.૨૫)ને છેલ્લા કેટલાક વર્ષથી શાળા અભ્યાસ દરમ્યાન સાથે ભણતી જૈનીશા કીરીટભાઈ પટેલ નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જૈનીશા પણ મિલનના પ્રેમમાં હતી.
જો કે જૈનીશાના પરિવારજનોને આ સંબંધ મંજુર ન હતો. જેને લઈ વર્ષ ૨૦૧૭માં તેણીને વિદેશ મોકલી દેવાઈ હતી. પરંતુ વિદેશ ગયા બાદ પણ જૈનીશા અને મિલન વચ્ચે સંબંધ ચાલુ રહ્યા હતા. દરમ્યાન વિદેશથી પરત ફરેલ જૈનીશા અને મિલને ગત તા.૧૮-૬-૨૦૧૮ના રોજ કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ અંગેની જાણ જૈનીશાના પરિવારજનોને કરાઈ ન હતી અને તા.૨૭-૬-૨૦૧૮ના રોજ જૈનીશા પુનઃ વિદેશ ચાલી ગઈ હતી. જો કે મિલનને વિઝા ન મળતા તે વિદેશ જઈ શક્યો ન હતો.
દરમ્યાન જૈનીશાને બિમારી લાગુ પડતા તેના મામા રાજેશભાઈ અને ત્યારબાદ તેણીની માતા ગીતાબેન જૈનીશા સાથે રહેવા ગયા હતા. જેને લઈ જૈનીશા અને મિલન વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. બાદમાં જૈનીશા તથા તેણીની માતા ભારત પરત ફર્યા હતા અને જૈનીશાએ લગ્નની વાત કરવા માટે મિલનના માતા-પિતાને પોતાના ઘરે બોલાવ્યા હતા. જ્યાં જૈનીશા તથા તેના પરિવારના સભ્યોએ મિલનના માતા-પિતાને અપમાનિત કરી કાઢી મુક્યા હતા. જેને લઈ મિલનને લાગી આવ્યું હતું.
દરમ્યાન જૈનીશા તથા તેના પરિવારના સભ્યો દ્વારા અવાર-નવાર છુટાછેડા માટે દબાણ કરવાનું ચાલુ કરાયું હતું. જેથી મિલન છેલ્લા કેટલાક સમયથી હેરાન-પરેશાન રહેતો હતો. દરમ્યાન મિલન ગત તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ મહેમદાવાદ પોતાની દુકાન ખાતેથી કાર લઈ નડિયાદ જાઉં છું તેમ કહી નીકળ્યો હતો અને ત્યારબાદ ઘરે પરત ફર્યો ન હતો. બાદમાં કંટાળી જઈને મિલને ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે આવેલ સિલ્વર ગેસ્ટહાઉસમાં પંખા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. તેમજ તેણે ચાર પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં જૈનીશાના કારણે માનસિક તકલીફનો સામનો કરું છું.
જેથી મારા મોતના મુખ્ય જવાબદાર જૈનીશા અને તેના માતા-પિતા છે તેમ જણાવાયું હતું. સુસાઈડ નોટ પોલીસે કબ્જે કરી હતી. ત્યારબાદ જયેશભાઈ મનુભાઈ પટેલે પોતાના પુત્રને આત્મહત્યા કરવા માટેની દુષ્પ્રેરણા આપનાર જૈનીશા કીરીટભાઈ પટેલ, કીરીટભાઈ પટેલ, ગીતાબેન કીરીટભાઈ પટેલ (ત્રણેય રહે.અમદાવાદ, મણીનગર) તથા સુહાષભાઈ મફતભાઈ પટેલ (મામા), મફતભાઈ પટેલ (નાના) (બંને રહે.વડોદરા) વિરૂધ્ધ ભાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉક્ત પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ShxlYu
No comments:
Post a Comment