
વિજયનું પાત્ર જાવેદ અખ્તરના બાળપણ અને સલીમ ખાનના પિતા પરથી પ્રેરિત હતું
આ ફિલ્મે બોલીવુડને હંમેશા માટે બદલી નાખ્યું
મૃત્યુ ક્યારેય ફોન કરીને આવતું નથી. પરિવર્તનનું પણ એવું જ છે. તે તેના આગમનની આગોતરી જાણ કરતુ નથી. તમને લાગે કે બધું બરોબર ચાલી રહ્યું છે, સબ ચંગા સી અથવા જે ચાલે છે તે બરોબર ન હોવા છતાં તેમાં બદલાવને કોઇ અવકાશ નથી.
એવા જ સમયે કશુંક એવું આવી જાય છે કે જે પ્રવર્તમાન સ્થિતિને મૂળસોતી બદલી નાખે છે. એક એવો બદલાવ કે જે અણધારી દિશા તરફ લઇ જાય છે. ભાખી ન શકાય એવા ભવિષ્ય તરફ દોરી જાય છે. ૧૯૭૩માં આવેલી ઝંજીર ફિલ્મ આવો જ એક પ્રવાહપલટો હતી.
૧૯૭૩નું વર્ષ ભારતના ઇતિહાસમાં ઘણી બધી રીતે મહત્ત્વનું છે. ૨૪ એપ્રિલે સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસનો ચુકાદો આપ્યો. એ ચુકાદો ઐતિહાસિક એટલા માટે હતો કેમ કે તેણે ભારતના બંધારણને ભારતીય સંસદ પર જીત અપાવી હતી. એ વર્ષની જ બીજી મહાન ઘટના ઝંજીર ફિલ્મ હતી.
જેણે હિંદુસ્તાની સિનેમાનું વ્યાકરણ હંમેશા માટે પલટાવી નાખ્યું. બ્લેક એન્ડ વાઇટમાંથી રંગીન ચલચિત્રોમાં સેટ થયેલા દર્શકો હવે કહાનીના રંગીનપણાનો પણ અનુભવ કરવા લાગ્યા હતા. ફિલ્મોમાં બોલાતી ભાષા બદલાઇ રહી હતી. પહેલી વખત દર્શકો પડદા પર હીરોને બદલે એન્ટીહીરો જોઇ રહ્યા હતા. ૧૨ ફલોપ ફિલ્મો આપી ચૂકેલા અમિતાભ બચ્ચને પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાને નેપથ્યમાં ધકેલી દીધો હતો.
ઝંજીરનો પ્રારંભિક સીન કંઇક આવો છે: વિજય વારંવાર સપનામાં ઘોડા પર બેઠેલા એક બુકાનીધારીને જોવે છે અને ગભરાઇને ઊઠી જાય છે. આ વિજય જે મારા-તમારા જેવો સામાન્ય છોકરો છે ને ભવિષ્યથી અથવા અજ્ઞાાતથી ચિંતિત છે. તેને આવતું બિહામણું સપનું અનિશ્ચિત આવતીકાલ છે.
આ મુવિમાં અમિતાભની અત્યંત સાધારણ એન્ટ્રી થાય છે. તેઓ ઇન્સ્પેકટર વિજયનું કિરદાર ભજવી રહ્યા છે. ઝંજીરમાં ઇન્સ્પેકટરના કિરદારમાં ગળાડૂબ અમિતાભ પછીની ફિલ્મોમાં ઝંજીરના અમિતાભના કિરદારમાં ગળાડૂબ જોવા મળે છે.
શેરખાન બનેલા પ્રાણની એન્ટ્રી ધમાકેદાર છે. બેકગ્રાઉન્ડના સંગીત સાથે તેમનો ઠસ્સો રુઆબદાર હોય છે. એ વખતે પ્રાણનું કદ સાચે જ અમિતાભ કરતાં મોટું હતું.
વિલનનું પાત્ર ભજવતા પ્રાણ હીરો જેટલા જ અથવા તેનાથી પણ ઝાઝા લોકપ્રિય હતા. એક ફિલ્મમાં શમ્મી કપૂર સાથે તેમનો ફાઇટ સીન હતો. સામાન્ય રીતે એવું થાય કે હીરો જ્યારે વિલનને મારે ત્યારે દર્શકો રાજી થાય, પણ એ ફિલ્મમાં પ્રાણ જ્યારે શમ્મી કપુરની ધોલાઇ કરતા હતા ત્યારે દર્શકો તાળી અને સીટી સાથે ચિચિયારી કરતા હતાં.
ઝંજીરમાં જ્યારે શેરખાન અને વિજયનો પોલીસ સ્ટેશનમાં પહેલી વખત ભેટો થાય છે ત્યારે શેરખાન સ્થિતિને હળવાશથી લેતા બેસવા માટે ખુરશી ખેંચે છે ને વિજય ખુરશીને લાત મારીને કહે છે, જબ તક કહા ન જાયે શરાફત સે ખડે રહો. યે પુલિસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપ કા ઘર નહીં.
આ સીનથી દર્શકો સ્તબ્ધ થઈ જાય છે. બોલીવુડમાં પહેલી વખત કોઇ કિરદારે પ્રાણ સાથે આટલી જલદ ભાષામાં વાત કરી હતી. આટલી આક્રમકતાથી તેને પડકાર્યો હતો. બીજા દ્રશ્યમાં વિજયનો સીનિયર ઑફિસર તેને ખિજાઈને કહે છે કે કાયદો તોડનારા લોકો માટે તારે કાનૂન હાથમાં લેવાની જરૂર નથી ત્યારે વિજયનું પાત્ર એક્ઝેટલી શું છે? તેનો સુપેરે પરિચય મળી જાય છે.
ત્યારબાદ ઝંજીર ધીમા નશાની જેમ ફ્રેમ બાય ફ્રેમ ખુલતી જાય છે ને તેનો એકેએક સીન દર્શકોને મદહોશ કરતો જાય છે. આ એક બિલકુલ નવું સિનેમા છે. અસામાન્ય છે, બિનપરંપરાગત છે. લોકોને આવું જોવાની આદત નથી. પડદા પર જે કંઇ ઘટી રહ્યું છે તે તેમની ધારણા બહારનું છે. હીરો અસાધારણ ઊંચાઇ અને સાધારણ ચહેરાવાળો છે. આજ્ઞાાકારીને બદલે વિદ્રોહી છે.
મર્યાદાની સાંકળો તોડી નાખવામાં માને છે ને બોલીવુડ હંમેશા માટે બદલાય જાય છે. પહેલી વખત દર્શકોને અમિતાભ બચ્ચનમાં રસ પડે છે. આ કોણ છે? આની હાઇટ કેટલી છે? ક્યાં ભણેલો છે? શું આ તેનો ઓરિજીનલ અવાજ છે વગેરે વગેરે.
સલીમ-જાવેદની જોડીએ આ પિકચર લખી હતી. નસરીન મુન્ની કબીરને આપેલા ઇન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે ઝંજીરને યાદ કરતાં કહ્યું કે દર્શકોનું રિએકશન વિચિત્ર હતું. તેઓ ન તો તાળી પાડતા હતા, ન સીટી વગાડતા હતા, બિલકુલ ચૂપચાપ સ્તબ્ધ થઇને ફિલ્મ જોઇ રહ્યા હતા. તેમના માટે આ અનુભવ હતો.
ઝંજીર માટે ડીરેકટર પ્રકાશ મહેરાએ ધર્મેન્દ્રને સાઇન કર્યા હતા. તેમને અને મુમતાઝને લઇને ફિલ્મ બનાવવાની ઘોષણા કરી દીધી. ધર્મેન્દ્ર અન્ય ફિલ્મોના શૂટીંગમાં અતિવ્યસ્ત હતા. ઝંજીર માટે સમય કાઢી શકતા ન હતા. કંટાળીને પ્રકાશ મહેરાએ તેમને ફિલ્મ છોડી દેવા આજીજી કરી જે તેમણે સ્વીકારી.
ધર્મેન્દ્ર હંમેશા સહૃદય વ્યક્તિ રહ્યા છે. સીધા-સરળ અને નિખાલસ સ્વભાવના માલિક છે. જ્યારે તેમણે મુંબઇમાં ઘર ખરીદ્યું ત્યારે રાજ કપુરે તેમને ઘરની સાઇઝ પૂછી. ધર્મેન્દ્રએ બહુ જ માસુમિયતથી કહ્યું, માની લો કે ૪૦-૫૦ ખાટલા સમાય જાય એટલું.
મુમતાઝના લગ્ન થઇ જતાં તે પણ આ ફિલ્મથી હટી ગઇ. મહેરા દેવાનંદ પાસે ગયા. તેઓ તેમની કાલાપાનીથી ઇમ્પ્રેસ હતા. દેવાનંદે કહ્યું હીરો ક્રોધી છે. ગીત પણ નથી ગાતો. આમ મારી ઇમેજ સાથે માફક આવતો નથી આથી હું આ ફિલ્મ નહીં કરું. સલીમ-જાવેદને પણ દેવાનંદ આ પાત્ર માટે ફીટ લાગતા નહોતા.
તેમણે રાજકુમારનો એપ્રોચ કર્યો. રાજકુમારે ફિલ્મનો સેટ ચેન્નઇમાં લગાડવા માગણી કરી. ફિલ્મ મુંબઇ પર આધારિત હતી. આથી તમની માગણી કેવી રીતે સ્વીકારી શકાય? અમિતાભ મહેરાની આખરી પસંદ હતા. તેમને એ સમયે સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેમની છેલ્લી પસંદ પહેલા નંબરની સાબિત થશે.
જાવેદ-અખ્તર કહે છે કે દર્શક ફિલ્મના અંત સુધી નક્કી કરી શકતો નહોતો કે વિજયનું પાત્ર કેવા પ્રકારનું છે? તે હીરો છે કે નથી? આ પાત્ર જીવતા-જાગતા માણસો જેવું છે જે ન તો હીરો હોય છે, ન તો વિલન. ફિલ્મમાં એક દૃશ્ય છે બાળક વિજય સામે તેના માતાપિતા બંનેની લાશ પડી છે. વિજય માની લાશને ભેટીને પોક મૂકે છે. લેખક શા માટે મહાન છે તે અહીં છતું થાય છે. કોઇપણ બાળકને તેની મા પ્રત્યે વધારે લગાવ હોય છે આથી તેને ગુમાવવાનું દુ:ખ પણ પિતાના જવા કરતાં વધારે વસમું હોય છે.
જાવેદ-અખ્તરે બચપણમાં જ માની છત્રછાંયા ગુમાવી દીધી હતી. તેમનાથી વધુ માના ન હોવાનું દર્દ કોણ સમજી શકે? એક પુરુષ તેની પ્રેમિકા અથવા પત્નીમાં પણ પોતાની મા શોધતો હોય છે. તરકશ કાવ્ય સંગ્રહમાં જાવેદ સાહેબે આ મતલબનો એક શેર લખ્યો છે: અપની મહબૂબા મેં અપની મા દેખે, બિન મા કે લડકો કી ફિતરત હોતી હૈ.
વિજયનું બચપણનું પાત્ર જાવેદ-અખ્તરના બચપણની છાયામાં ચાલે છે. માતાના મૃત્યુ પછી વિજય મૂંગોમંતર બની જાય છે. કલાસમાં, સ્કૂલમાં બધે ચૂપચાપ રહે છે. ચહેરા પર મૌન ઓઢીને ચાલે છે. બાળપણમાં માતાના મૃત્યુ પછી જાવેદ-અખ્તર પણ કાંઇક આવા જ બની ગયા હતા.
પિતા વિશે તેમનું મન ગુસ્સાથી ભરાઈ ગયું હતું, જે તેમના મૃત્યુ પછી જ શાંત પડયું. વિજયનું ઇન્સ્પેકટરનું પાત્ર સલીમના પિતા પરથી પ્રેરિત છે. સલીમના પિતા ભોપાલમાં પોલીસ ઇન્સ્પેકટર હતા.
ઝંજીર રિલીઝ થઇ ત્યારે અમિતાભ બિમાર હતા. શરૂઆતમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહીં. અચાનક ફિલ્મે જોર પકડતાં અમિતાભ ઘા ખાઈ ગયા. તેમને વિશ્વાસ આવતો નહોતો. તેમનું ટેમ્પરેચર ઓર વધી ગયું.
ઝંજીર હીટ થવા પાછળ ઘણાં કારણો આપવામાં આવે છે. અમિતાભ બચ્ચન અને જાવેદ-અખ્તર તો ખરા જ, પણ એ સિવાયના પરિબળો હતાં. ૧૯૭૩માં ભારતની રાજનીતિ બદલાઈ રહી હતી. સામાજિક વિદ્રોહ શરૂ થઇ ચૂક્યો હતો. જયપ્રકાશ નારાયણની સમાજવાદી ચળવળ નવી સપાટી આંબી રહી હતી.
કાયદો અને વ્યવસ્થા સામે પડકાર ઉભા થવા લાગ્યા હતાં. ન્યાય પ્રત્યેનો લોકોનો વિશ્વાસ હચમચી ઊઠયો હતો. જો ન્યાય જોઇતો હોય તો જાતે જ લડવું પડશે એવી ભાવના પ્રબળ બનતી જતી હતી. ઝંજીર બદલતા સામાજિક પરિદૃશ્યોનું પણ સિનેમાઇ દસ્તાવેજ હતી.
એ વર્ષે સલીમ-જાવેદે લખેલી યાદો કી બારાત પણ રિલીઝ થયેલી. તેમાં ધર્મેન્દ્ર એન્ટીહીરોની ભૂમિકામાં હતા. પ્રતિષ્ઠિત લેખક જયોર્જ ગીશીંગ કહે છે જે ફિલ્મ લોકોને વાસ્તવિકતા દેખાડે તે તેમને ગમતી નથી. બ્રિટનના દર્શકોને સ્વાંગ અને નાટકીયતા પસંદ પડે છે. વિજયનું પાત્ર પણ કંઇક આવું જ છે. તે કાનૂન તોડનારા લોકોને કાયદાની બહાર જઇને સજા આપે છે. વાસ્તવિકતા દુનિયામાં આવું બનતું નથી એટલે જ ઝંજીર લોકોને ગમેલી, ગમે છે અને હંમેશા ગમતી રહેશે.
આજની નવી જોક
લલ્લુ (પાનવાળાને): તમે મને ઓળખો છો?
પાનવાળો: ના.
લલ્લુ: મારા પપ્પાને ઓળખો છો?
પાનવાળો: ના.
લલ્લુ: ઓકે. તો એક સિગારેટ આપો.
પાનવાળો: હેં!?
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Umt9v
No comments:
Post a Comment