પાલનપુર, તા. 06 ફેબ્રુઆરી 2020
દિયોદર તાલુકામાં પોલીસને જાણે તસ્કરો પડકાર ફેંકી રહ્યા હોય તેમ ગ્રામીણ વિસ્તારોમાં એક બાદ એક ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. જે વચ્ચે ધનકવાડા ગામે તસ્કરો સતત બીજા દિવસે ત્રણ સ્થળોને ચોરી માટે ટાર્ગેટ બનાવીને બે મંદિરમાંથી સોનાચાંદીના આભૂષણોની ઉઠાંતરી કરી છુમંતર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં બેફામ બનેલા તસ્કરો એક બાદ એક ચોરીઓને અંજામ આપી રહ્યા હોય લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે. તેમ છતાં પોલીસ દ્વારા ચોરીઓના બનાવને રોકવા કોઈ નક્કર પગલા ભરવામાં ન આવતા તસ્કરોને મોકળું મેદાન મળવા પામ્યું ચે. જે વચ્ચે ધનકવાડા ગામે તસ્કરોએ સધી માતાજીના મંદિરને નિશાન બનાવીને રાત્રીના સમયે મંદિરના તાળા તોડી મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ તેમજ માતાજીના સોના, ચાંદીના આભૂષણો મલીને લાખો રૃપિયાના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેમાં ચોરીના મુદ્દામાલ સાથે એક શકમંદ ગ્રામજનોના હાથે ઝડપાઈ જતા તેને પોલીસના હવાલે કરાયો હતો. પરંતુ પોલીસ દ્વારા આ શકમંદ વિરુધ્ધ એફઆઈઆર દાખલ કરવામાં ન આવતા પોલીસ તસ્કરોને છાવરી રહી હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે. જે વચ્ચે તસ્કરોએ ફરી બીજા દિવસે આજ ગામમાં અન્ય સ્થળે આવેલ સધી માતાજીના મંદિર, દેરાસર અને રહેણાંક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં મંદિરમાંથી માતાજીના ચાંદીના છત્ર અને મુગટ સહિતના આભૂષણોની ચોરી કરી હતી તેમજ ગોગા મહારાજના મંદિરમાં પણ સોનાચાંદીના આભૂષણો સહિત રોકડ રકમની ઉઠાંતરી કરીને પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે પોલીસ દ્વારા લોકોના જાનમાલના રક્ષણ માટે નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ચોરીના મુદ્દામાલ સાથે શકમંદ પકડાયો
ધનકવાડા ગામે તસ્કરો સતત બે દિવસ ત્રાટક્યા હતા. જેમાં એક શકમંદ ચોરીના મુદ્દામાલ સાથે ગ્રામજનોના હાથે ઝડપાઈ જતા તેને પોલીસના હવાલે કરાયો હતો તેમ છતાં પોલીસ દ્વારા ચોરીની ફરિયાદમાં શકમંદનો ઉલ્લેખ કરવામાં ન આવતા ગ્રામજનોમાં નારાજગી પ્રવર્તવા પામી છે.
બે દિવસમાં બે ગામના મંદિરમાં ચોરી
દિયોદર તાલુકામાં તસ્કરોએ બે દિવસમાં ચાર મંદિર અને એક મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાં ઓઢા ગામમાં બે મંદિર તેમજ ધનકવાડા ગામે એક મંદિરમાં ચોરી કરી હતી જેને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H3WIrz
No comments:
Post a Comment