
ગાંધીનગર, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
ગાંધીનગરના મહાત્મા મંદીર ખાતે આગામી તા.૧૫થી રર ફેબુ્રઆરી સુધી યુનાઈટેડ નેશન્સ અને વન પર્યાવરણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ૧૩૦ દેશના પ્રતિનિધિઓ મહાત્મા મંદિર ખાતે હાજરી આપશે. એક અઠવાડીયા સુધી યોજાનાર આ કોન્ફરન્સને લઈ સરકાર અને ગાંધીનગરનું તંત્ર એલર્ટ મોડ ઉપર મુકાયું છે ત્યારે આ સમિટના પગલે ગાંધીનગરમાં રપ૦૦ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આઈજીના સુપરવીઝન હેઠળ સાત એસપી, પ૧ ડીવાયએસપી, ૧ર૦ પીઆઈ અને બે હજાર જેટલા પોલીસ જવાનોને ફરજ સોંપવાની છે જેનું આજે રિહર્સલ પણ યોજાયું હતું.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર આકાર પામ્યા બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ સમિટ યોજાતી રહી છે ત્યારે આગામી તા.૧૫થી રર ફેબુ્રઆરી દરમ્યાન મહાત્મા મંદીર ખાતે રાજય સરકારના વન વિભાગ અને યુનાઈટેડ નેશન્સના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય કક્ષાની ૧૩મી સીએમએસ-સીઓપી-ર૦ર૦ સમિટ યોજાવાની છે.આ આંતરરાષ્ટ્રીયકક્ષાની સમિટમાં દેશ જ નહીં પરંતુ ૧૩૦ દેશના પ્રતિનિધિઓ હાજરી આપવાના છે.
રાજયના પાટનગર ગાંધીનગરમાં આટલી મોટી સમિટ યોજાવાની હોવાથી સરકારના આદેશને પગલે ગાંધીનગર જિલ્લાનું વહીવટી તંત્ર પણ તૈયારીઓમાં લાગી ગયું છે. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા શહેરમાં રાઉન્ડ ધી કલોક સફાઈ વ્યવસ્થા વધારી દેવાઈ છે અને મહાત્મા મંદિર સુધીના તમામ માર્ગો ચકચકાટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીના માર્ગ ઉપર ઢોરપકડ પાર્ટીને સક્રિય કરી રખડતાં પશુઓ પકડવામાં આવી રહયા છે.
તો આ સમિટની સુરક્ષા પણ પોલીસ માટે અતિ મહત્વની છે ત્યારે ગાંધીનગર રેન્જ આઈજીના સુપરવીઝન હેઠળ સાત એસપી, પ૧ ડીવાયએસપી, ૧ર૦ પોલીસ ઈન્સ્પેકટર, ૧૬૦ પોલીસ સબ ઈન્સ્પેકટર અને બે હજાર જેટલા પોલીસ જવાનોને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે. એરપોર્ટથી મહાત્મા મંદિર સુધી સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. ગાંધીનગર ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પોલીસ જવાનોને બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે જે તા.રર સુધી ફરજ બજાવશે. આ આંતરરાષ્ટ્રીય સમિટ દરમ્યાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે હેતુથી પોલીસ એલર્ટ મોડ ઉપર મુકાઈ ગઈ છે. આજે સમગ્ર પોલીસ બંદોબસ્તનું રિહર્સલ પણ યોજાયું હતું.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bBagIW
No comments:
Post a Comment