48 કલાકમાં 100 કિમી ઝડપે પવન, વરસાદની વકી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 November 2019

48 કલાકમાં 100 કિમી ઝડપે પવન, વરસાદની વકી

- ખંભાત અને બોરસદના 15 ગામો એલર્ટ મોડ પર : તમામ ગામોમાં લાયઝન અધિકારીઓની નિમણૂક કરી પરિસ્થિતિ પર ચાંપતી નજર રખાઇ : જિલ્લાના મોટાભાગના સ્થળોએથી તોતિંગ હોર્ડિંગ્સ અને ભયજનક વૃક્ષો ઉતારી લેવા અધિકારીઓને સૂચના અપાઇ


આણંદ, તા.05 નવેમ્બર 2019, મંગળવાર

મહા વાવાઝોડુ દરિયાકાંઠે આગળ ધપી રહ્યું છે ત્યારે આગામી ૪૮ કલાક આણંદ માટે  ભારે હોવાના સંકેત આપવામાં આવ્યા છે. મહા વાવાઝોડાની સંભવિત અસરને લઈ ખંભાત તથા બોરસદ તાલુકાના ૧૫ ગામો એલર્ટ પર મુકવામાં આવ્યા છે અને તમામ ગામોમાં લાયઝન અધિકારીઓની નિમણુંક કરી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આગામી ૪૮ કલાક દરમ્યાન આણંદ પંથકમાં ૧૦૦ કિ.મી.ના ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કામે લાગી ગયા છે અને જોખમી વૃક્ષો તેમજ મોટા હોર્ડીંગ્સને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મહા વાવાઝોડુ આગામી તા.૬ નવેમ્બરથી ૮ નવેમ્બર દરમ્યાન ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાનું છે ત્યારે તેની અસર આણંદ જિલ્લામાં પણ વર્તાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમ્યાન કોઈપણ સમયે જિલ્લામાં ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદી ઝાપટા વરસી શકે છે. 

મહા વાવાઝોડાની સંભવિત અસર ખંભાતના દરિયાકિનારે વર્તાનાર છે ત્યારે ખંભાત તથા બોરસદ તાલુકાના ૧૫ જેટલા ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ પણ શરૂ કરી વિવિધ ગામોમાં લાયઝન અધિકારીઓને તથા તલાટીઓ, સરપંચોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર દ્વારા ખંભાતના દરિયાકાંઠે તથા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. સંભવિત મહા વાવાઝોડાને લઈને ખંભાત તથા બોરસદ તાલુકાના ૧૫ જેટલા ગામના તલાટીઓને હેડક્વાટર નહી છોડવાના આદેશ અપાયા છે. ઉપરાંત માછીમારોને દરિયામાં નહી જવા પણ સુચનાઓ આપવામાં આવી છે.

ધુવારણ તથા રાળજ સહિતના ધાર્મિક સ્થાનો ખાતે સહેલાણીઓને દરિયાકાંઠે નહી જવા સુચના આપવામાં આવી છે. આણંદ જિલ્લાના મોટાભાગના તમામ સ્થળોએથી તોતીંગ હોર્ડિંગ્સ તથા ભયજનક વૃક્ષો ઉતારી લેવા માટે નગરપાલિકાના અધિકારીઓને સુચના આપવામાં આવી છે. મહા વાવાઝોડા સામે કરાયેલ વ્યવસ્થાની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત ગામનો રીવ્યુ મેળવવા માટે બેઠક યોજી હતી.

જાહેર જનતાની સલામતી અને સાવચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવ્યા છે. ખંભાત તાલુકા પંચાયતના સભાખંડ ખાતે દરિયાકિનારાના ગામોના લોકો સાથે બેઠક યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાવાઝોડુ આવે ત્યારે શુ કરવું ? તે અંગે લોકોને માહિતગાર કરાયા હતા. વાવાઝોડા સમયે ખંભાતમાં વીજ પ્રવાહ બંધ કરવામાં આવનાર છે ત્યારે લોકોને તે અંગે માહિતી આપવામાં આવી હતી.

વાવાઝોડું ખંભાતના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના

સંભવિત મહા વાવાઝોડાની સૌપ્રથમ અસર ખંભાતના દરિયાકાંઠે દેખાનાર છે. ખંભાત વિસ્તારમાંથી આ વાવાઝોડુ આણંદમાં પ્રવેશ કરશે. વાવાઝોડુ ટકરાય ત્યારે ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યારે વીજ પ્રવાહ બંધ થવો, છાપરા ઉડી જવા અને નુકસાન થવાની સંભાવના સામે નાગરિકોને સજાગ રહેવા વહીવટી તંત્રએ જણાવ્યું છે. ખંભાત તેમજ આસપાસના વિસ્તારમાં જે લોક મેળો ભરાયો છે તે તાત્કાલિક બંધ કરવાની પણ સુચના આપવામાં આવી છે.

ખંભાતમાં એનડીઆરએફની ટીમ તૈનાત

સંભવિત મહા વાવાઝોડાની સૌપ્રથમ અસર ખંભાતના દરિયાકિનારે થનાર છે ત્યારે ખંભાત વિસ્તાર માટે એનડીઆરએફની એક ટીમ ખડેપગે તૈનાત કરવામાં આવી છે. સાથે સાથે મીઠાના શ્રમિકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને ડીઝલનો પુરતો જથ્થો રાખવા પણ સુચનાઓ આપવામાં આવી છે. ખંભાત તાલુકાના વિસ્તારના દરિયાકિનારાના રસ્તાઓ આરએફઓ, વનવિભાગના હવાલે કરવામાં આવ્યા છે જેથી રસ્તો અવરોધાય ત્યારે તે દુર કરવાની કામગીરી ઝડપથી થઈ શકે ઉપરાંત આફતના સમયે સંદેશાવ્યવહાર જળવાઈ રહે તે માટે સરકારી કર્મચારીઓને પોલીસ દ્વારા વાયરલેશ સેટ ઓપરેટ કરવાની તાલીમ પણ આપવામાં આવી રહી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JSb6oH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages