
(પીટીઆઈ) ઈસ્લામાબાદ, તા. 11 ઓક્ટોબર, 2019, શુક્રવાર
ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ચીનના પ્રમુખ શિ જિનપિંગે જે કાર્યવાહી કરી તેના ઈમરાન ખાને વખાણ કર્યા હતા. ચીનની મુલાકાત દરમિયાન ઈમરાને કહ્યું હતું કે કાશ હું પણ ચીનના પ્રમુખની જેમ પાકિસ્તાનના 500 ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખી શક્યો હોત. એ નિવેદનની પાક. મીડિયાએ ઝાટકણી કાઢી છે.
ઈમરાન ખાને ચીનના પ્રમુખના વખાણ કરતા કહ્યું હતું કે જિનપિંગે છેલ્લાં થોડાંક વર્ષોથી ચીનમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ જે કાર્યવાહી કરી છે તે ખૂબ જ અસરકારક છે. નેતાઓને પણ આ કેમ્પેઈનના ભાગરૂપે જેલભેગા કર્યા છે. કાશ હું પણ પાકિસ્તાનના ટોચના 500 ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરી શકતો હોત, પરંતુ મારા હાથ બંધાયેલા છે.
પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પ્રક્રિયા લાંબી છે. તેના કારણે જ સ્થાનિક સ્તરે રોકાણકારો પણ ઓછા મળે છે. આ નિવેદનની પાકિસ્તાની મીડિયાએ ભારે ઝાટકણી કાઢી છે. પાકિસ્તાનના મીડિયાએ કહ્યું હતું કે ઈમરાને ચીનની મુલાકાત દરમિયાન આ નિવેદન આપીને માનસિક અસ્થિરતા છતી કરી.
પાકિસ્તાનના અસંખ્ય નેતાઓ ચીન પાસેથી સારી બાબતો શીખે જ છે અને તેનો અમલ પણ કરે છે, પરંતુ પાકિસ્તાનના સૌથી શક્તિશાળી નેતાએ વિદેશમાં જઈને દેશની કાયદાકીય જોગવાઈઓ બાબતે આવું કહેવું પડે એ જ ગંભીર બાબત છે. જો ખરેખર ઈમરાનને કાર્યવાહી જ કરવી હોય તો અન્ય કોઈ જ અડચણો આવે તેમ નથી, પણ ઈમરાને એવા કોઈ પગલાં આટલા સમયમાં ભર્યા નથી.
ચીનની પણ પાકિસ્તાનના મીડિયાએ ઝાટકણી કાઢી હતી. તંત્રીલેખોમાં કહેવાયું હતું કે ચીનમાં કેવું લોકતંત્ર છે એ જગજાહેર છે, જો એવી જ પ્રેરણા પાકિસ્તાનના નેતાએ લેવાની હોય તો તો સ્થિતિ વધુ ખરાબ થશે.
પાકિસ્તાની મીડિયાએ કહ્યું હતું કે એક નેતાએ ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરવાનું કે ફાંસી આપવાનું વિચારવાને બદલે ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા થાય તે દિશામાં વિચારવુ જોઈએ.
એનાથી વધારે અસરકારક પરિણામ આવશે. જો ઈમરાને ખરેખર ભ્રષ્ટાચાર નાબુદ કરવો હોય તો ટ્રાન્સપરન્ટ સિસ્ટમ ઉભી કરવી જોઈએ. આવા નિવેદનથી પાકિસ્તાનની ઈમેજને વધારે ધક્કો પહોંચશે એવું પણ પાક. મીડિયાએ તારણ આપ્યું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M6pRpl
No comments:
Post a Comment