- શહેરમાં વસતા વડીલો કહે છે કે છેલ્લા પચાસ વર્ષમાં બેસતા વર્ષના દિવસે વરસાદ આવ્યો હોય તેવું અમને યાદ નથી
અમદાવાદ, તા. 29 ઓક્ટોબર 2019 મંગળવાર
આ દિવાળીમાં અમદાવાદએ એક નવો ઇતિહાસ બનાવી દીધો છે. જોકે તેમાં કોઈ લોકોનો જરા પણ ફાળો નથી પરંતુ મેઘરાજાની મહેરબાની છે.
દિવાળીને દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો તેમજ ઢળતી સાંજ બાદ અને રાત્રીના વરસાદના છાંટા પડયા હતા ત્યારબાદ બેસતા વર્ષના દિવસે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો.
અમદાવાદમાં વસતા કેટલાક સિનિયર સિટીઝનોએ જણાવ્યું કે છેલ્લા પચાસ વર્ષ દરમિયાન દિવાળી કે બેસતા વર્ષના દિવસે અમદાવાદમાં આવો વરસાદ આવ્યો હોય એવું અમને યાદ નથી.
આ સિનિયર સિટીઝન કહે છે કે પાંચ છ દાયકા બાદ અમદાવાદમાં એક નવો ઇતિહાસ રચાઈ ગયો. જોકે છેલ્લા ચારેક દિવસથી અરબી સમુદ્રમાં ક્યાર નામનું વાવાઝોડું ઉભુ થયું હતું. જેને પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવેલા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.
એટલું જ નહીં દિવાળીના આગલે દિવસે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા, પરંતુ અમદાવાદ સમગ્ર ગુજરાતની મધ્યમાં આવે છે આથી અહીં વરસાદ પડવાની કોઈ સંભાવના પણ જણાતી ન હતી.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
જો કે દિવાળીના દિવસથી અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળો છવાઈ ગયા હતા તેમજ સુરજદાદા અદ્રશ્ય થઈ જતા હતા. બીજી બાજુ રવિવારની એટલે કે દિવાળીની સાંજે સાત વાગ્યાની આસપાસ વરસાદી છાંટા પડવાનું શરૂ થયું હતું. આથી અમદાવાદીઓને એવી બીક લાગતી હતી કે જો ધોધમાર વરસાદ આવશે તો ફટાકડા ફોડી શકશે નહીં પરંતુ એવું કશું થયું ન હતું અને લોકોએ ફટાકડા ફોડ્યા હતા.
દિવાળીના બીજે દિવસે એટલે કે આજે બેસતા વર્ષના દિવસે બપોરે એક વાગ્યા પછી કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ફરીથી વાદળછાયું થઈ ગયું હતું અને ઝરમર વરસાદ શરૂ થયો હતો.
અમદાવાદના વસ્ત્રાપુર તથા એસ.જી.હાઈવે તથા સિંધુ ભવન અને બોડકદેવ સેટેલાઈટ જેવા પોશ વિસ્તારો સહિતના અન્ય વિસ્તારો જેવા કે મણિનગર-કાકરિયા -રાયપુર-ઈસનપુર -જશોદાનગર-ખોખરા-હાટકેસવર -અમરાઈવાડી -રખિયાલ-વસ્ત્રાલ-ઓઢવ-ગોમતીપુર -કાલુપુર-શાહીબાગ-વાડજ-રાણીપ-ચાદલોડિયા-ગોતા માં પણ ઝરમર વરસાદ શરૂ થયો હતો.
ઝરમર વરસાદને પગલે શહેરના રાજમાર્ગો વરસાદી પાણીથી ભીના થઇ ગયા હતા. જો કે રાહદારીઓ આ વરસાદમાં પલળી જાય એવું ન હતું. એકાએક વરસાદ શરૂ થતા લોકો છત નીચે કે વૃક્ષ નીચે ઉભા રહી ગયા હતા.
બેસતા વર્ષના દિવસે સાંજે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ડૉક્ટરો કહે છે કે આવા કમોસમી વરસાદને કારણે વાયરલ ફીવર સહિતનો રોગચાળો વધી શકે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/342GGHU
No comments:
Post a Comment