
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 25 ઓગસ્ટ, 2019, રવિવાર
ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી કિડની ફેલ્યોરથી કેન્સર જેવી અસાધ્ય બીમારીઓ સામે લડતા રહ્યા અને છેક સુધી મોતને હાથતાળી આપતા રહ્યા. જોકે, સાથી નેતા સુષમા સ્વરાજના નિધન બાદ તેઓ ભાંગી પડયા હતા અને સ્વાસ્થ્ય કથળતા 9મએી એઈમ્સમાં દાખલ કરાયા પછી જીવીત બહાર આવી શક્યા નહીં.
અરૂણ જેટલીનું સ્વાસ્થ્ય અનેક વખત કથળ્યું હતું. જોકે, તેઓ હિંમતથી દરેક બીમારીઓ સામે લડયા હતા અને સાજા થઈને રાજકારણાં તેમનું યોગદાન આપતા રહ્યા હતા. પરંતુ વર્ષ 2018માં તાવ હોવા છતાં લખનઉમાં પક્ષની એક રેલીમાં તેઓ હાજર રહ્યા હતા.
જોકે ત્યાંથી દિલ્હી પાછા ફર્યા બાદ તપાસ કરતાં તેમને જાણવા મળ્યું કે તેમની કિડની ફેઈલ થઈ ગઈ છે અને તેનું પ્રત્યાર્પણ જરૂરી છે. તેમના અને પત્ની સંગીતાના વિશાળ પરિવારમાં અનેક સંબંધીઓ કિડનીનું દાન કરવા તૈયાર હતા અને તેમણે કિડનીનું પ્રત્યાર્પણ કરાવ્યું. પ્રત્યાર્પણના પ્રારંભિક દિવસોમાં ચેપ લાગવાના તીવ્ર જોખમને પગલે તેઓ એપ્રિલથી ઓગસ્ટ સુધી નાણામંત્રી તરીકેની ફરજોથી દૂર રહ્યા હતા.
જોકે, તેમના માથે વધુ મોટું જોખમ તોળાઈ રહ્યું હતું. આ વર્ષના પ્રારંભમાં તેઓ કેન્સરના જીવલેણ સ્વરૂપ એવા સરકોમા કેન્સરનો ભોગ બન્યા હતા. એઈમ્સના ડોક્ટરો દ્વારા આ નિદાન કરાયા બાદ જેટલી તુરંત પોતાના ખર્ચે સમગ્ર પરિવાર સાથે ન્યૂયોર્કની સ્લોઆન કેટરિંગ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને કેન્સરજન્ય સેલ દૂર કરાવ્યા હતા.
એપ્રિલમાં ફરી તેમનું સ્વાસ્થ્ય કથળતાં જણાયું કે સરકોમા કેન્સર ફેફસા સુધી ફેલાઈ ગયું છે. તેઓ ચૂંટણી અભિયાન દરમિયાન ફરી એક સપ્તાહની અમેરિકાની મુલાકાતે ગયા હતા. તેમનું શરીર વારંવારની કિમોથેરપીનો સારો પ્રતિસાદ આપતું નહોતું. જુલાઈના અંતમાં ટયુમરનો મોટો જથ્થો દૂર કરાયો હતો કેન્સરના માત્ર થોડાક જ સેલ બાકી રહ્યા હતા.
જેટલીને છેક સુધી આશા હતી કે તેઓ કેન્સરને હરાવીને રાજકીય મોરચે પાછા ફરશે. પરંતુ 6ઠ્ઠી ઓગસ્ટે તેમના સાથી નેતા સુષમા સ્વરાજના આકસ્મિક નિધને તેમને તિવ્ર આઘાત આપ્યો. તે સમયે તેમણે લખ્યું હું ભાગી પડયો છું. ત્યાર બાદ 9મી ઓગસ્ટે બ્લડ પ્રેશર વધતાં અને શ્વાસમાં તકલીફની ફરિયાદને પગલે જેટલીને એઈમ્સમાં દાખલ કરાયા હતા. પરંતુ તે ક્રમશ: બેભાન અવસ્થામાં સરતા ગયા હતા અને છેવટે 24મી ઓગસ્ટે તેમનું અવસાન થયું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KW6rD5
No comments:
Post a Comment