
મુંબઈ, તા.06 ઓગસ્ટ 2019, મંગળવાર
આ મહિનામાં આવી રહેલા બકરી ઈદના તહેવાર પૂર્વે બોમ્બે હાઈ કોર્ટે ફ્લેટ અને સોસાયટીઓના પરિસરમાં કુર્બાની આપવાની મનાઈ કરી છે. બકરી ઈદ માટે કતલખાનાની બહાર તથા ખાનગી જગ્યા માટે અપાયેલા પરવાનાના વિરોધમાં હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
હાઈ કોર્ટે અરજીનો ચુકાદો આપતાં ફ્લેટમાં કુર્બાની આપવાને મનાઈ કરી છે. આથી મુંબઈ મહાપાલિકા પાસે રહેલા આઠ હજાર જેટલા પરવાના રદ થશે. સામુદાયિક કેન્દ્રમાં કુર્બાનીની સુવિધા ધરાવતા સ્થળથી એક કિ.મી.ના પરિસરમાં કોઈ ગૃહનિર્માણ સોસાયટીમાં સ્વતંત્ર પરવાનગી આપવામાં આવે નહીં એમ હાઈ કોર્ટે આદેશમાં જણાવ્યું છે.
બકરી ઈદ માટે પાલિકાએ ઓનલાઈન જાહેરાત આપી હતી. જેમાં તાત્પુરતા કાળ માટે બકરાની બલી માટે પરવાના આપવાનું સૂચિત કરવામાં આવ્યું હતું. જોકે કેટલાંક પ્રાણીમિત્રોએ હાઈકોર્ટમાં ધા નાખીને જનહિત અરજી દ્વારા નિર્ણયનો વિરોધ કર્યો હતો. પ્રાણી સંરક્ષણ કાયદા સહિત મહાપાલિકાના નિયમનો ભંગ થતો હોવાનું અરજીમાં જણાવાયું હતું.
અગાઉની સુનાવણીમાં હાઈ કોર્ટે રહેણાંક સોસાયટીઓમાં પશુઓની કતલ અટકાવવા મુંબઈ મહાનગર પાલિકાને સૂચના આપતી વખતે કોર્ટે સોશ્યલ મીડિયા મારફત જાગૃતિ લાવવાથી પશુઓની કતલ અટકાવવામાં મદદ મળી શકશે એવી આશા વ્યક્ત કરી હતી.
જીવ મૈત્રી ટ્રસ્ટ અને અન્યો દ્વારા કરાયેલી ઢગલાબંધ અરજીઓની સુનાવણી ચાલી રહી હતી. રહેણાંક સોસાયટીઓમાં પશુની કતલ માટે કામચલાઉ પરવાનગી આપવા પાલિકાની નીતિ સામે વિરોધ દર્શાવાયો હતો. આ નિર્ણયને લીધે હાલના પર્યાવરણ અને પશુ કલ્યાણ સંબંધી કાયદાનો ભંગ થાય છે, એમ જણાવાયું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GMjdBB
No comments:
Post a Comment