OBCની 17 જાતિઓને SCમાં સમાવવા અંગે યોગી સરકાર અને મોદી સરકાર આમનેસામને - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday 2 July 2019

OBCની 17 જાતિઓને SCમાં સમાવવા અંગે યોગી સરકાર અને મોદી સરકાર આમનેસામને

- ઉત્તરપ્રદેશમાં આવી રહેલી 12 બેઠકો માટેની પેટાચૂંટણી પહેલાં યોગી સરકારે માસ્ટર સ્ટ્રોક રમવાનો પ્રયાસ તો કર્યો પરંતુ એમાં કેન્દ્ર સરકાર જ આડે આવતા પેટાચૂંટણીમાં લાભ ખાટવાનો યોગી સરકારનો  પ્રયાસ બૅકફાયર થવાનો ઘાટ સર્જાયો છે


ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે ઓબીસીની ૧૭ જાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવાનો નિર્ણય લઇને મોટો માસ્ટરસ્ટ્રોક મારવાનો પ્રયાસ કર્યો પરંતુ હવે ખુદ કેન્દ્રની મોદી સરકારે યોગી સરકારના આ નિર્ણયને અયોગ્ય ઠરાવતા યોગી સરકાર સામે મુંઝવણ ઊભી થઇ છે.

યોગી સરકારના નિર્ણય સામે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ સવાલ ઉઠાવતા કેન્દ્ર સરકારને દરમિયાનગીરી કરવી પડે એવી સ્થિતિ ઊભી થઇ છે. કેન્દ્ર સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી થાવરચંદ ગહેલોતે યોગી સરકારના પગલાંને અયોગ્ય ઠરાવતા કહ્યું કે ઉત્તરપ્રદેશની સરકારે આવું ન કરવું જોઇએ.

ગયા અઠવાડિયે ઉત્તરપ્રદેશની યોગી સરકારે ઓબીસીની ૧૭ જાતિઓને અનુસૂચિત જાતિઓની સૂચિમાં સામેલ કરી દીધા. યોગી સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટો અને જિલ્લાધિકારીઓને આ જાતિઓના પરિવારોને જાતિ પ્રમાણપત્ર જારી કરવાના આદેશ પણ આપી દીધાં. યોગી સરકારનું કહેવું છે કે આ જાતિઓ સામાજિક અને આર્થિક રીતે અત્યંત પછાત છે.

હકીકતમાં સામાજિક સંરચનામાં લગભગ દલિતો જેવી અવસ્થામાં રહેતી ૧૭ અતિ પછાત જાતિઓને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની માંગ ઘણાં વર્ષોથી થઇ રહી છે. એક અંદાજ પ્રમાણે આ ૧૭ અતિ પછાત જાતિઓની વસતી લગભગ ૧૪ ટકા જેટલી છે.

યોગી સરકારનો નિર્ણય આ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોને અનામતનો લાભ આપવાના પ્રયાસરૂપે જોવામાં આવી રહ્યો છે. આ ૧૭ જાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવા પાછળ એવો તર્ક આપવામાં આવ્યો છે કે આ તમામ જાતિઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ નિમ્નસ્તરની છે અને આ જાતિઓ અનુસૂચિત જાતિની યાદીમાં સામેલ હોવાની તમામ શરતો પૂર્ણ કરે છે.

યોગી સરકારનો તર્ક છે કે આ ૧૭ જાતિઓને અનુસૂચિત જાતિની સૂચિમાં સમાવેશ કરવાથી વર્તમાન અનુસૂચિત જાતિઓને પણ કોઇ નુકસાન નહીં થાય. ઉત્તરપ્રદેશની ૧૨ વિધાનસભા બેઠકો પર આવી રહેલી પેટાચૂંટણીને જોતાં યોગી સરકારનું આ પગલું ભાજપને ફાયદો કરાવે એમ છે. તો આ નિર્ણયના કારણે બહુજન સમાજ પાર્ટીની વોટબેંકને ફટકો પડવો પણ સ્વાભાવિક છે.

હકીકતમાં અનેક ઓબીસી જાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવવાનું આંદોલન છેલ્લા ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. અગાઉ મુલાયમસિંહ યાદવ અને માયાવતી પણ પોતપોતાના દોરમાં આવા પ્રયાસ કરી ચૂક્યાં છે. વર્ષ ૨૦૦૪માં મુલાયમસિંહ યાદવ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે હતાં ત્યારે તેમની સરકારે એક પ્રસ્તાવ રજૂ કરીને પછાત વર્ગની ૧૭ જાતિઓને અનુસૂચિત જાતિમાં સામેલ કરવા માટે ઉત્તરપ્રદેશ લોકસેવા કાયદો, ૧૯૯૪માં સંશોધન કર્યું હતું. પરંતુ કોઇ પણ જાતિને અનુસૂચિત જાતિ જાહેર કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. એ સમયે કેન્દ્ર સરકારની સંમતિ ન મળવાના કારણે મુલાયમ સરકારનો નિર્ણય નિરર્થક સાબિત થયો હતો. 

બાદમાં અલાહાબાદ હાઇકોર્ટે પણ આ નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરતા રદ્ કરી દીધો હતો. છેલ્લે આવો પ્રયાસ અખિલેશ યાદવ પણ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે હતા ત્યારે તેમણે આ જાતિઓને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પાસ કરીને કર્યો હતો. જોકે કોર્ટે તેમના આ નિર્ણય પર સ્ટે મૂકી દીધો હતો. થોડા દિવસો પહેલાં જ કોર્ટે આ સ્ટે હટાવી લીધો છે પરંતુ હજુ આ મામલે અંતિમ ચુકાદો આવવાનો બાકી છે. એવામાં યોગી સરકારે ફરી વખત ઓબીસીની આ જાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવીને રાજકીય માહોલ ગરમાવી દીધો છે.

અનામતનો મુદ્દો હંમેશા મોટો રાજકીય મુદ્દો રહ્યો છે અને ઉત્તરપ્રદેશની પેટાચૂંટણી પહેલા યોગી સરકારે પણ આ મામલે સરસાઇ મેળવવાનો પ્રયાસ કર્યો છે. હકીકતમાં ભારતમાં જાતિ પર થતી ચર્ચા રાજકીય પરિણામો નક્કી કરતી હોય છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીથી લઇને ભારતમાં તમામ ચૂંટણીમાં જાતિવાદ મહત્ત્વનો મુદ્દો બનતો આવ્યો છે. દેશના મોટા ભાગના પ્રાદેશિક પક્ષો તો કોઇ જાતિવિશેષના આધારે જ ઓળખાતા હોય છે. 

તો દેશની મુખ્ય રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ પણ જાતિવાદના મુદ્દામાંથી બાકાત નથી. વિકાસના કે અન્ય મુદ્દાઓના દાવા ભલે થાય પરંતુ ચૂંટણી આવે ત્યારે ઉમેદવારની પસંદગી જાતિને અનુલક્ષીને જ થતી હોય છે. એટલું જ નહીં, રાજકીય પક્ષો વચ્ચે થતાં જોડાણોમાં પણ જાતિગત સમીકરણો ધ્યાનમાં લેવામાં આવે છે.

આપણા દેશમાં ધાર્મિક આધારે વોટ માંગવાની મનાઇ છે પરંતુ જાતિગત ઓળખને આધાર બનાવીને મતો મેળવવા પર કોઇ રોકટોક નથી. આઝાદીના સાત દાયકા બાદ પણ દેશની ચૂંટણીઓમાં જાતિવાદનું વર્ચસ્વ રહ્યું છે. આર્થિક વિકાસ, વંચિત સમુદાયોને આગળ લાવવાના પ્રયાસ છતાં જાતિવાદની બેડીઓમાંથી રાજકારણ છૂટી શક્યું નથી. જાતિવાદની અસર માત્ર ગામડાઓ પૂરતી જ છે એવું નથી. શહેરોમાં પણ જાતિવાદ મહત્ત્વનો મુદ્દો બનતો રહ્યો છે. ચૂંટણીમાં ઝંપલાવતા ઉમેદવારોએ પોતાની જાતિ વિશે ગાઇવગાડીને કહેવું પડે છે. 

જોકે રાજકારણમાં જાતિવાદ જળવાઇ રહેવા પાછળ મહત્ત્વનું કારણ એ પણ છે કે છેલ્લા થોડા દાયકાથી દેશમાં સામાજિક અસમાનતા વધી છે. ખાસ કરીને નેવુંના દાયકામાં શરૂ થયેલા ઉદારીકરણના દોર બાદ અનેક ક્ષેત્રોમાં અસમાનતા વધી છે. જે લોકો વિકાસની આ દોડમાં પાછળ રહી ગયાં છે એમના મનમાં હતાશા અને અસુરક્ષિતતાની લાગણી જન્મી છે. એટલા માટે જ છેલ્લા થોડા વર્ષોથી સંપન્ન સમાજો પણ અનામતની માંગણી કરવા લાગ્યા છે.

હકીકતમાં ભારતીય સમાજ અને દેશના રાજકીય માળખા વચ્ચે રહેલા વિરોધાભાસને ડો. બાબાસાહેબ આંબેડકરે શરૂઆતથી જ ઓળખી લીધો હતો. બંધારણનું લોકાર્પણ કરતા પહેલાં જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતે રાજકીય દૃષ્ટિએ લોકશાહી ભલે અપનાવી લીધી હોય પરંતુ સમાજનું લોકશાહીમાં આગમન સરળ નહીં હોય કારણ કે દેશમાં જે સામાજિક પદાનુક્રમ છે એને દૂર કરવો સહેલો નથી.

ભારતની જમીનમાં જાતિવાદના મૂળિયા આટલા ઊંડે સુધી કેમ ઘૂસેલા છે એ અંગે સમાજશાસ્ત્રીઓમાં પણ મતમતાંતર છે. આઝાદી બાદ અનેક સંગઠનોએ અને લોકનેતાઓએ જાતિનો ભેદભાવ દૂર કરવા માટે અનેક આંદોલનો ચલાવ્યાં છે પરંતુ આવા આંદોલનો પણ જાતિવાદના મૂળ કાપી શક્યાં નથી.

સમાજશાસ્ત્રીઓનું અનુમાન હતું કે દેશનો જેમ જેમ આર્થિક વિકાસ થતો જશે તેમ તેમ સામાજિક ભેદભાવ ઓછો થતો જશે. આર્થિક ઉદારીકરણના દોરમાં સાર્વજનિક જીવનમાં જાતિગત ભેદભાવ ઓછો થયો. અસ્પૃશ્યતા જેવા દૂષણો શહેરોમાં નહીવત્ બન્યાં તો ગામડાઓમાં પણ ઘટયાં. જોકે લગ્નસંબંધોમાં જાતિની ભૂમિકા હજુ યથાવત્ છે તો રાજકારણમાં તો જાતિવાદનું મહત્ત્વ ઘટવાના સ્થાને વધતું રહ્યું છે.

આમ પણ ઉત્તરપ્રદેશમાં ભાજપ છેલ્લા થોડા સમયથી પછાત જાતિઓને પોતાના પક્ષમાં કરવા માટે પ્રયાસરત છે. ખાસ કરીને ભાજપ સમાજવાદી પાર્ટીના સમર્થક ન હોય એવા અનેક નેતાઓને પોતાની સાથે લાવીને તેમની વોટબેંકને પોતાની સાથે જોડવા માટે પ્રયાસો કરી ચૂકી છે. 

ઓબીસીની ૧૭ જાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવાનો નિર્ણય લઇને ભાજપે નિષાદ પાર્ટી તેમજ અન્ય કેટલીક પાર્ટીઓના હાથમાંથી મુદ્દા જ ગાયબ કરી દેવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ યોગી કેબિનેટમાં હતાં ત્યારે ઓમપ્રકાશ રાજભર સતત અતિ પછાત જાતિના લોકોને અલગ અનામત આપવાની માંગ કરતા હતાં. યોગી સરકારે ઓબીસી અંગેનો આ નિર્ણય લઇને ઓમપ્રકાશ રાજભરનું રાજકીય પત્તું સાફ કરવાનો પ્રયાસ કર્યો છે.

જોકે યોગી સરકારના આ નિર્ણયને બહુજન સમાજ પાર્ટીએ ગેરબંધારણીય ઠરાવતા રાજ્યસભામાં ઉઠાવ્યો છે. બહુજન સમાજ પાર્ટીએ કહ્યું કે તે પણ આ ૧૭ ઓબીસી જાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવવા ઇચ્છે છે પરંતુ તમામ પ્રક્રિયા બંધારણીય રીતે થવી જોઇએ. એ સાથે જ બહુજન સમાજ પાર્ટીએ વસતીની ટકાવારીના આધારે અનુસૂચિત જાતિનો ક્વોટા વધારવાનો તર્ક રજૂ કરીને બીજો દાવ ખેલવાનો પ્રયાસ કર્યો છે.

 હાલ તો અનામત મામલે ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારના અભિપ્રાય ભિન્ન હોવાનું સ્પષ્ટ થયું છે. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે પણ યોગી સરકારના નિર્ણયને ગેરબંધારણીય ઠરાવ્યો છે ત્યારે પેટાચૂંટણી પહેલા લાભ ખાટવાનો યોગી સરકારનો આ પ્રયાસ બૅકફાયર થવાનો ઘાટ સર્જાયો છે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KTAf4i

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages