પાટણ,તા.4 જુલાઈ 2019, ગુરૂવાર
પાટણમાં આજે ભગવાન જગદીશજીની ૧૩૭મી રથયાત્રાનો રંગેચંગે પ્રારંભ થયો હતો. ભગવાન જગન્નાથ, ભ્રાતા બલરામ અને બહેન સુભદ્રા સાથે પટોળાના વસ્ત્રોમાં સજ્જ થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. સમગ્ર પાટણ શહેરના માર્ગો જય રણછોડ માખણ ચોર, જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખી, મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છેના નાદ ગુંજી ઉઠયો હતો.
પાટણ શહેરની રથયાત્રાએ ભારતની ત્રીજા નંબરની રથયાત્રા ગણાય છે. જગન્નાથપુરી, અમદાવાદ બાદ પાટણ ત્રીજા ક્રમે આવે છે. રથયાત્રામાં ભગવાન સામે ચાલીને દર્શન આપવા પરિક્રમાએ નીકળતા ત્રણ લાખથી વધુ ભક્તો જોડાયા હતા. રથયાત્રામાં ધાર્મિક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓની અનેકવિધ ઝાંખી તેમજ હાથી, ઊંટ અને ઘોડા સહિત બેન્ડબાજા સાથે રથયાત્રામાં જોડાયા હતા. પાટણ એસપી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાના રથ ઉપરાંત ધાર્મિક સંસ્થાઓના જલારામ મંદિર, ગાયત્રી મંદિર, બ્રહ્માકુમારી સંસ્થાની બગીઓ ઉપરાંત હાથી ૧૦ શણગારેલા ઊંટ-૧૦ ઘોડા, વિવિધ સંસ્થાઓની ઝાંખીઓની ઉંટલારીઓ જેમાં બાળકો સાથે મોટેરાઓને વિવિધપાત્રો ભજવતા, ૧૨ પ્રસાદની લારી, ૩ બેન્ડવાજા પાંચ જેટલા ડી.જે.સાઉન્ડ, ટ્રકો આ રથયાત્રામાં રથયાત્રા મંદિરથી નીકળી, હિંગળાચાચર, બગવાડા દરવાજા, સુભાષચોક, જુનાગંજ બજાર જ્યાં ત્રણેય રથોનું જુનાગંજબજારમાં મુસ્લીમ બિરાદરો દ્વારા સ્વાગત ત્યારેબાદ ત્રણ દરવાજા, રતનપોળ, ખોખરવાડા, મોટીસરા થઈ પરત નીજ મંદિરે ફરી હતી.
સિદ્ધપુરના ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીએ ચાંદીના રથમાં પરિક્રમા કરી

સિદ્ધપુરમાં અષાઢી બીજના રોજ શહેરમાં છેલ્લા ૭૫ વર્ષથી ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની રથયાત્રાનો ઉત્સવ આનંદ ઉલ્લાસ અને શાંતિપ્રિય માહોલમાં ઉજવાય છે. જેમાં સવારથી જ ગામધણી ગોવિંદરાયજીના મંદિરે દર્શન માટે મોટી લાઈનો લાગી હતી. સિદ્ધપુર શહેરમાં ભક્તિભર્યા માહોલમાં સાંજે ૪ઃ૩૦ કલાકે મહાઆરતી સાથે ૫ કલાકે ભગવાન ગોવિંદ માધવની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન ચાંદીના કલાત્મક રથમાં શહેરના મંડીબજાર, પથ્થરપોળ, અલવાનો ચકલો, રૃદ્ર મહાલય થઈને ધર્મચકલા, માધુપાવડીયા સુધી ભ્રમણ કર્યું હતું. જ્યારે રથયાત્રામાં ૬૦૦ કિલોથી પણ વધારે કાકડી, જાંબુ, કેરી અને મગના પ્રસાદનું વિતરણ કરાયું હતું.
રથયાત્રામાં ઠેર ઠેર ચોકેચોક ભગવાનની આરતી-પૂજા થઈ હતી. જ્યાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૃપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જે રથયાત્રા ૯ કલાકે પરત નીજ મંદિરે આવી હતી. જ્યારે છુવારા ફળી ખાતે મુસ્લીમ સમાજ દ્વારા ફુલહાર કરીને કોમી એકતાનું ઉદાહરણ પુરુ પાડયું હતું. આ રથયાત્રા પરંપરાગત માર્ગો ઉપર ફરી સરસ્વતી નદીના તટમાં પહોંચે છે. જ્યાં ભગવાનની પાદુકા પૂજન કર્યા બાદ રથયાત્રા મંદિરે પરત ફરે છે. ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની નગરની પરિક્રમાએ નીકળ્યા હતા ત્યારે રથયાત્રામાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાાતિના યુવાનો તથા બાળકો પૂર્ણ પવિત્રતાથી પિતાંબર પહેરી ખુલ્લા પગે ભગવાનના રથને નગરની પરિક્રમા કરાવી હતી. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JnliED
No comments:
Post a Comment