

- ગાંધીનગરમાં શ્રધ્ધાનું ઘોડાપુરઃરથયાત્રાના સ્વાગત માટે મુખ્ય માર્ગોની બંને બાજુ ભક્તો ઉમટી પડયા
- માર્ગમાં ભાવિકોએ લીંબુ શરબત, છાશ, પાણી જાંબુ, મગ, કાકડીના પ્રસાદના સેન્ટરો ઉભા કર્યા
ગાંધીનગર, તા. 4 જુલાઈ 2019, ગુરુવાર
ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રજી સાથે નવા રથમાં સવાર થઇને નગરના ભક્તોના દર્શનાર્થે આજે નિકળ્યા હતા. સવારના ૭ કલાકે પંચદેવ મંદિર,સે-૨૨માં મેયર , સ્થાનિક કોર્પોરેટરો તેમજ પંચદેવ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી સહિત અન્ય મહાનુભાવો દ્વારા ભગવાનની આરતી કર્યા બાદ ગાંધીનગરમાં ૩૫મી રથયાત્રા પરિભ્રમણ માટે નિકળી હતી. સે-૨૨ મેઇન શોપીંગ સેન્ટરના વેપારીઓ તેમજ ચીપટાઇપ શોેપીંગના વેપારીઓએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ સેક્ટર-૧૭માં રથયાત્રા પ્રવેશી હતી.
જ્યાં વસાહત મંડળ અને હનુમાનજી મંદિરે પરંપરાગતરીતે રથયાત્રાનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ રથયાત્રા સેક્ટર-૧૬માં પ્રવેશી હતી. જ્યાં નાગરિક બેન્ક પાસે આ વિસ્તારની હોટલો અને ગેસ્ટ હાઉસ એસો. દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રાને સેક્ટર-૧૬ના શોપીંગ સેન્ટરમાં સાયકલની દુકાનના વેપારી દ્વારા પણ પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું. અહીં વેપારીએ રથના ચારેય ટાયરમાં હવા પુરી હતી જ્યારે અહીં જ વસાહત મંડળ અને વેપારી મંડળ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સેક્ટર-૧૬માં તિરૂપતીબાલાજી મંદિર પાસે રથયાત્રાનું પૂજન કર્યા બાદ બ્રહ્મભવન પાસે બ્રહ્મસમાજના ભાઇઓ અને બહેનો દ્વારા રથયાત્રાને શ્રધ્ધાપૂર્વક આવકારવામાં આવી હતી. ત્યાં ભક્તોને બ્રહ્મસમાજ દ્વારા છાસ અને પાણી આપવામાં આવ્યું હતું.અહીં હેપ્પી યુથ કલબ દ્વારા પણ ભક્તોને સેવા પુરી પાડવામાં આવી હતી. તો ફતેપુરા પાસે રથયાત્રા નહીં જતી હોય ત્યાંના રહિશો સે-૧૬ના ખૂણે પહોંચી ગયા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા. ત્યાર બાદ રથયાત્રાએ ફરી ગતી વધારી હતી.
આંબેડકર ભવન પાસે સાંઇનાથ સેવા મિત્ર મંડળના સભ્યો દ્વારા સે-૧૨માં રથયાત્રાને આવકારી હતી.ત્યાર બાદ ગ રોડથી રથયાત્રા સે-૧૩ તરફ વળી હતી. ત્યાં પણ ભક્તોને ભગવાને દર્શન આપ્યા હતા. સે-૧૩ બાદ રથયાત્રા પુનઃ સે-૧૨માં પ્રવેશી હતી. જ્યાં સ્થાનિક કોર્પોરેટર ઉપરાંત સેક્ટરનાં વેપારીઓ, વસાહતીઓ તેમજ ઉમિયા સંસ્થાનના આગેવાનો દ્વારા રથયાત્રાનું ભાવપુર્વક સ્વાગત કરાયું હતું. દરમિયાન સેક્ટર-૧૨માં રાજપુત યુવક મંડળે પણ રથયાત્રાનું વિધિવત સ્વાગત કર્યું હતું.
સે-૧૨માંથી સે-૬માં પ્રવેશતાની સાથે જ ભક્તોની સંખ્યા વધી ગઇ હતી. સે-૬ ભુવનેશ્વર મંદિર આરતી કર્યા બાદ શાસ્ત્રીજી અને ભગવાનનો રથ સંત રોહિદાસ મંદિર તરફ ગયા હતા જ્યારે અન્ય વાહનો સે-૬ના મુખ્ય શોપીંગ સેન્ટરે પહોંચ્યા હતા જ્યાં ચંદ્રમૌલિશ્વર મહાદેવ મંદિર તેમજ વસાહત મંડળ દ્વારા અને વેપારીઓ તરફથી તેમજ મોટીસંખ્યામાં ભક્તો દ્વારા સ્વાગત કરાયું હતું.અહીં આરતી કરવામાં આવતી હતી. ત્યારબાદ સેક્ટર-૬ના નાના શોપીંગ સેન્ટર થઇને રથયાત્રા સે-૩-૬ના ચારરસ્તા પાસે પહોંચી હતી.અહીં વધુ વખત રથને વિરામ આપવામાં આવ્યો હતો.
આ વિસ્તારમાંથી મોટીસંખ્યામાં ભક્તો ભગવાનના દર્શનમાંટે ઉમટી પડયા હતા.આ ભક્તોને દર્શનનો લાભ મળી રહે તે માટે ખાસ કરીને સેક્ટર-૩-૬ના ચારરસ્તા પાસે ભગવાનના રથને વધુ સમય ઉભો રાખવામાં આવ્યો હતો.તો ઘ-૨ સર્કલ પાસે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.ત્યારબાદ રથને ધીરે ધીરે આગળ ધપાવવામાં આવતો હતો. રથયાત્રા રોડ નં. બે ઉપરથી સે-૭ તરફ વળી હતી.જ્યાં આ વખતે સરકારી આવાસો બની જતાં અહીં ભક્તોને ભારે ભીડ જામી હતી.
સે-૭માં શોપીંગના વેપારીઓ અને શાકમાર્કેટના વેપારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.તો સે-૮માં કલ્ચરલ ફોરમ,શોપીંગ સેન્ટરના વેપારીઓ તેમજ વસાહતીઓએ રથયાત્રાના આવકારી હતી.ત્યારબાદ દર વખતની જેમ ફરી રથયાત્રાએ ટોપ ગીયર પકડયો હતો.પોલીસભવન પાસે રાજ્યના પોલીસ વડાએ રથયાત્રાનું સ્વાગત કરવાની પંરપરા જાળવી રાખી હતી. તો ત્યારબાદ સે-૧૯માં થઇને રથયાત્રા સે-૨૦માં પહોંચી હતી.જ્યાં અક્ષરધામના પાછળના દરવાજાએ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સે-૩૦માં ગુરુદ્વારા થઈને બપોરે એક વાગ્યાની આસપાસ જલારામ મંદિરે પહોંચી હતી. જ્યાં મોસાળમા છ હજાર જેટલા ભાવિકોએ મોહનથાળ તથા શાક, છાશ અને ખીચડીનો પ્રસાદ આરોગ્યા બાદ ફરી રથયાત્રાને બપોરે ત્રણ કલાકે પુનઃ પ્રયાણ કરવામાં આવી હતી. ત્યારબાદ રથયાત્રા સે.૨૮માં પહોંચી હતી. જ્યાં હુુસૈની કમિટી અને મુસ્લિમ સમાજના મહાનુભાવો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પુરું પાડયું હતું.
તો સેક્ટર-૨૮માં બ્રહ્માકુમારી દ્વારા પણ રથયાત્રાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સે.૨૮મા વસંતકુવરબા સ્કૂલ અને વરિયા સમાજ ભવન થઈને સે.૨૭માં લઈ જવામાં આવી હતી. જ્યાં એસઆરપી જવાનોએ એસઆરપી બેન્ડથી સ્વાગત કર્યું હતું. તો સેક્ટર-૨૭, ૨૪, ૨૩ અને સે.૨૨માં પણ ભક્તોનું મહેરામણ જોવા મળ્યું હતું. ઠેરઠેર ભાવિકો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સેક્ટર-૨૧ વૈજનાથ મહાદેવ અને ચ-૬ સર્કલ તેમજ શાક માર્કેટવાળા રૂટ પર થઈને સાંજે રથયાત્રા નીજ મંદિર પરત ફરી હતી.રથયાત્રામાંવસાહત મંડળો, શોપીંગ સેન્ટરો સહિત વેપારી મંડળો અને અન્ય સેવાભાવીઓ દ્વારા લીંબુ શરબત, છાશ, આઇસ્ક્રિમ, પાણી, કેળા, જાંબુ, મગ, કાકડી ઉપરાંત માલપુવા, મોતીચુરના લાડુ તથા સીરાના પ્રસાદના સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા. રથયાત્રા દરમિયાન યુવક મંડળ અને ભક્તો દ્વારા જય...રણછોડ... માખણ ચોર...ના નાદ લગાડવામાં આવ્યા હતા. તો મહિલા અને ભજન મંડળો દ્વારા ભગવાનના ભજન - કિર્તન રથયાત્રા દરમિયાન કરવામાં આવ્યા હતાં.
ભગવાનના મોસાળામાં સાત હજાર ભક્તોએ પ્રસાદ લીધો
જલારામ મંદિરે ભક્તોને મોહનથાળ પીરસાયો
ગાંધીનગરમાં આજે પરંપરાગત રીતે નિકળેલી રથયાત્રામાં અંદાજે સાત હજાર ભક્તો માટે ભગવાનના મોસાળ એવા સે.૨૯ના જલારામધામમાં ચોખ્ખા ઘીનો મોહનથાળ સાથે ખીચડી, છાશ અને બટાટા-ટામેટાના શાકનો મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. ભગવાનના મોસાળમાં આવેલા ભક્તોના ભોજનમાં શ્રધ્ધાનો સ્વાદ પણ ભળ્યો હતો. રથયાત્રા સવારે પંચદેવ મંદિરથી નિકળી સેક્ટરોના વિવિધ રુટ પરથી ફરી બપોરે એક વાગ્યાની આસપાસ જલારામ મંદિર ખાતે આવી પહોંચી હતી. ત્યારે મોસાળમાં ભગવાનનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર ખાતે રથયાત્રિકોએ મહાપ્રસાદ આરોગી વિરામ કર્યો હતો.
જલારામ ધામના સંચાલકો દ્વારા ભક્તજનો માટે ૩૦૦ કિલો ખીચડી, ૬૦૦ કિલો બટાટા-ટામેટાનું શાક તેમજ બે હજાર લીટર છાશના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ વખતે ચોખ્ખા ઘીનો મોહનથાળ પિરસવામાં આવ્યો હતો. તેના માટે દોઢસો કિલો ચોખ્ખુ ઘી અને ૨૫૦ કિલો ઘઉં અને ૧૫૦ કિલો ખાંડ વપરાઈ હતી.
જલારામ સમાજના સ્વયંસેવકો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વખતે મોસાળામાં પણ ભારે ભીડ જોવા મળી હતી. મોસાળામાં આ વખતે સાત હજારથી પણ વધારે ભક્તોએ મોસાળમાં મહાપ્રસાદ આરોગ્યો હતો.ત્યાર બાદ બપોરે ત્રણ કલાકે ભગવાને મોસાળામાંથી વિદાય લેતા રથયાત્રાએ જય રણછોડ...માખણ ચોર...ના ગગનભેદી નારા સાથે વિસામા બાદ પુનઃ પ્રસ્થાન કર્યું હતું.
ભગવાન સાથે 'સેલ્ફી' લેવાનો ક્રેઝ!
ગાંધીનગરની આ વખતની રથયાત્રામાં દરેક ભક્તો પાસે મોબાઇલ પાસે મોબાઇલ હતો. એટલું જ નહીં દર્શન કર્યા પહેલાં ભક્તો મોબાઇલથી ફોટો પાડવાનું ચુકતા ન હતા. તો સેલ્ફી લઇને યુવાક ભક્તોએ સોશ્યલ મિડિયા ઉપર વાયરલ કરી દીધા હતા.
સોશ્યલ મિડિયાના આજના યુગમાં ભક્તો ભગવાનના પણ લાઇનમાં ઉભા રહ્યા વગર ઓનલાઇન દર્શન કરતાં થઇ ગયા છે. ત્યારે આજે ભગવાન સામેથી દર્શન આપવા નીકળ્યા હતા. ત્યારે ભક્તો પોતાના મોબાઇલના કેમેરાથી ભગવાનની તસવીર પાડતાં જોવા મળ્યા હતા. યુવાનોમાં ભગવાન સાથે સેલ્ફી લેવાનો ક્રેઝ ખાસ જોવા મળ્યો હતો તો બહાર ગામ રહેતાં ભક્તો વિડિયો કોલીંગ માફરતે રથયાત્રા અને ભગવાનના દર્શન કરતાં જોવા મળ્યા હતાં એટલું જ નહીં સોશ્યલ મિડિયામાં પણ સવારથી જ રથયાત્રાના અને મેસેજ અને ફોટા વહેતા થયાં હતાં.
રણછોડની પ્રસાદીરૂપે તુલસીના 'છોડ'નું વિતરણ
ગાંધીનગરની ૩૧ કિલોમીટર લાંબી રથયાત્રામાં અન્ય સંસ્થાઓની સાથે વનવિભાગનો રથ પણ જોડાયો હતો. જેમાં વન વિભાગે વસાહતીઓને ભગવાન રણછોડની પ્રસાદીરૂપે તુલસી ઉપરાંત વિવિધ જાતના વૃક્ષના રોપાનું વિતરણ કર્યું હતું.ગાંધીનગર વન વિભાગ દ્વારા આ વખતે પણ રથયાત્રામાં પોતાનું વાહન મુકીને વસાહતીઓને ભગવાન રણછોડની પ્રસાદીરૂપે તુલસીના છોડનું વિતરણ કરાયું હતું. શરૂઆતથી જ વન વિભાગનું વાહન રથયાત્રા સાથે જોડાઇ ગયું હતું. વન વિભાગને ત્રણ થી ચાર વખત વાહન બદલીને વધુ રોપા લાવવાની ફરજ પડી હતી. રથયાત્રા દરમિયાન તુલસી ઉપરાંત લીમડા તેમજ ફળાઉ ઝાડ જેવા કે સીતાફળ, જામફળ,દાડમના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/327FVx1
No comments:
Post a Comment