
નવી દિલ્હી, તા.12 જુલાઈ 2019, સુક્રવાર
આઇસીસી રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવતા અને બીસીસીઆઇ પાસેથી કરોડોનો પગાર મેળવતા સુપરસ્ટાર્સના ફ્લોપ શૉના પગલે હાઈપ્રોફાઈલ ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલમાં હારીને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ હતી. ટીમની આઘાતજનક હાર બાદ પરાજયના કારણોનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે, જ્યારે એક મીડિયા રિપોર્ટમા ટીમ ઈન્ડિયાના ખેલાડીને ટાંકીને ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે, ભારતીય ડ્રેસિંગરૂમનું વાતાવરણ અત્યંત તનાવયુક્ત બની ગયું હતુ.
ટીમના ખેલાડીઓ બે જૂથમાં વહેંચાઈ ગયા હતા, જેમાં એક જૂથ કોહલીની નજીકના ખેલાડીઓનું હતુ, તો બીજું જુથ રોહિત શર્માની નજીકના ખેલાડીઓનું હતુ. આ બન્ને વચ્ચેનો ટકરાવ અને અસંતોષ હારનું કારણ બન્યા હતા. વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી જ ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્શન અંગે પ્રશ્નાર્થ સર્જાતો રહ્યો છે.
રાયડુને પડતા મૂકવાથી માંડીને શંકરને ટીમમાં સમાવવાનો તેમજ શંકર ઈજાગ્રસ્ત થતાં અગ્રવાલને ટીમમાં તક આપવાનો નિર્ણય ગળે ઉતરે તેવો નથી. રિપોર્ટમાં એક ભારતીય ટીમના ખેલાડીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, કોહલી અને શાસ્ત્રી મોટાભાગના નિર્ણયોમાં પોતાની મનમાની ચલાવતા. ટીમના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ પોતાની મરજી મુજબ આગળ વધતા. જેના કારણે ટીમના ઘણા સભ્યોમાં અસંતોષ અને નારાજગીનું વાતાવરણ સર્જાયું હતુ. આ કારણે ટીમના ખેલાડીઓ બે જુથમાં વહેંચાઈ ગયા હતા.
કોહલી અને શાસ્ત્રી પર વિનોદ રાયની રહેમ નજર
ભારતીય ટીમ મેનેજમેન્ટમાં કેપ્ટન કોહલી અને કોચ શાસ્ત્રી તમામ નિર્ણયો અન્ય કોઈના મંતવ્યની દરકાર રાખ્યા વિના લેતા. કોહલી અને શાસ્ત્રીને હાલમાં બીસીસીઆઇનું સંચાલન કરી રહેલી સુપ્રીમ કોર્ટની સમિતિના વડા વિનોદ રાયનું સમર્થન હોવાનું મનાય છે. આ કારણે કોહલી અને શાસ્ત્રીને કોઈની ફિકર નથી.
અગાઉ ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન કેપ્ટન કોહલી અને તે સમયના કોચ કુમ્બલે વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઈ ત્યારે પણ વિનોદ રાયે કોહલીની તરફેણ કરી હોવાનું ચર્ચાય છે. આ પછી કુમ્બલેએ સામે ચાલીને ખસી જવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાની નિષ્ફળતા છતાં કેપ્ટન કોહલીની સામે કોઈ પ્રશ્નાર્થ સર્જાયો નથી, જે પણ આશ્ચર્યની બાબત છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xNPMKx
No comments:
Post a Comment