
બર્મિંગહામ, તા. 2 જુલાઈ 2019, મંગળવાર
વિન્ડિઝના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન ક્લાઈવ લોઈડ માને છે કે હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા, એ બે ટીમો એવી છે કે, જેમણે તેમના પર્ફોમન્સથી બધાને પ્રભાવિત કર્યા છે. હવે નોકઆઉટ મુકાબલા નજીક છે, ત્યારે ભારતે તેના લોઅર બેટીંગ ઓર્ડરને સુધારવાની જરુર છે.
વર્લ્ડ કપમાં વિન્ડિઝને ઈ.સ. ૧૯૭૫ અને ૧૯૭૯માં ચેમ્પિયન બનાવનારા ક્લાઈવ લોઈડે જણાવ્યું છે કે, ભારતીય ટીમની સામે પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાનો પ્રશ્ન છે. તેમની સામે ઈંગ્લેન્ડે એકદમ પરફેક્ટ રમત રમી બતાવી. તેમણે તેમના સ્પિનરોને ટાર્ગેટ કર્યા. મને લાગે છે કે, ભારતે તેના લોઅર બેટીંગ ઓર્ડરને વધુ મજબુત બનાવવાની જરુર છે.
૭૪ વર્ષના વિન્ડિઝના બેટ્સમેન લોઈડે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાએ સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધુ છે. ભારત પણ તેમની સાથે જોડાવાની નજીક છે. મારા મતે વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ દેખાવ કરનારી બે ટીમો, ઓસ્ટ્રેલિયા અને ભારતની છે. આ બંને ટીમોએ ઈંગ્લેન્ડની પરિસ્થિતિ અને પિચોને બરોબર પારખી છે અને તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. આ વર્લ્ડ કપમાં પિચ ખરેખર જબરજસ્ત રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા જાણે ઘરઆંગણે રમતાં હોય તેવી રીતે રમી રહ્યા છે.
વિન્ડિઝની ટીમના કંગાળ દેખાવ અંગે પણ લોઈડે કહ્યું કે, વિન્ડિઝના ક્રિકેટરોએ તેમની ભૂલો સુધારવી પડશે અને નવા એપ્રોચ સાથે ઉતરવું પડશે. વિન્ડિઝની ટીમને વર્લ્ડ કપમાં ભાગ્યનો સાથ મળી શક્યો નહતો. શ્રીલંકા સામેની મેચમાં પૂરણે શાનદાર દેખાવ કર્યો છતાં તે નિર્ણાયક તબક્કે આઉટ થઈ ગયો. અમારા બેટ્સમેનોએ વર્લ્ડ કપમાં માત્ર બે જ સદી ફટકારી. જોકે ટીમની સ્ટ્રેન્થ જોતા અમારી ટીમ પાંચેક સદી ફટકારી શકે તેવી છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LuDjmS
No comments:
Post a Comment