
જેતપુર, તા. 04 જુલાઈ 2019, શુક્રવાર
જેતપુર નજીક છાપરવાડી ડેમમાંથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંપ કાઢવાના બહાને સરકારી તંત્રની મીઠી નજર હેઠળ બેફામ ખનિજ ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ અંગે વીરપુર પોલીસને ફરિયાદ મળતા તપાસ કરવા જતાં વહેલી સવારે તમામ ટ્રેકટરો આશ્ચર્યજનક રીતે પોલીસને ખાલી જોવા મળતા જવા દેવાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. વાસ્તવમાં આ ટ્રેકટરો તાલુકા ભાજપના એક મોટ આગેવાનના હોવાની ચર્ચા છે.
સિંચાઇ માટે બનેલ છાપરવાડી - ૨ ડેમ ગત વર્ષે નહીંવત વરસાદને કારણે શિયાળામાં જ તળિયા ઝાટક થઇ ગયો હતો. જેથી રાજકીય ઓથ ધરાવતા ખનિજ માફિયાઓ દ્વારા સ્થાનિક ડેમ સાઇટના કર્મચારીઓ તેમજ પોલીસ તંત્રની મીઠી હેઠળ ખનીજની ચોરી ચાલુ કરી હતી.
તેમાં સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંપ કાઢવાની કામગીરી હાથ ધરી, જેના કારણે ખનિજ માફિયાઓને તો 'ભાવતું હતું અને વૈદે' કહ્યું તેવી મોજ પડી ગઇ. હવે તો જેટલી આધુનિક મશીનરી ડેમમાં મુકાય તેટલી મુકીને દિવસ-રાત ડેમમાંથી રેતી કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
વીરપુર પોલીસને ડેમમાંથી ખનીજ ચોરીની માહિતી મળતા ગત રોજ વહેલી સવારે પોલીસે છાપો માર્યો હતો. જે અંગે વિરપુર પીએસઆઇ ગોયલને પુછતા તેમણે જણાવેલ કે અમોને ડેમ પરથી જાણ કરવામાં આવી હતી કે કાંપ કાઢવાની મંજૂરી હવે પૂર્ણ થઇ ગઇ છે. જેથી અમો તે બાજુ પેટ્રોલિંગમાં હતા ત્યાં અમોને ટ્રેકટરો નજરે પડતા અમોએ ટ્રેકટર તપાસતા તમામ ટ્રેકટરો ખાલી નીકળ્યા! આથી જવા દેવાયા હતાં.
પીએસઆઇનો આવો જવાબ ખરેખર આશ્ચર્યજનક હતો કેમ કે વહેલી સવારે ટ્રેકટરો ડેમમાં શું કરવા જાય આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ ટ્રેકટરો તાલુકાના ભાજપના એક મોટા આગેવાનના હતા.જેથી પોલીસે નાછૂટકે જવા દેવા પડયા હતા.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JaPync
No comments:
Post a Comment