
બર્મિંગહામ, તા. 1 જુલાઈ 2019, સોમવાર
ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે બાંગલાદેશ સામે મેદાને પડશે ત્યારે તેનું લક્ષ્યાંક વિજય મેળવવાની સાથે જ આઇસીસી વન-ડે વર્લ્ડકપ-૨૦૧૯ની સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવાનું રહેશે. બીજી તરફ બાંગલાદેશ માટે આઇસીસી વન-ડે વર્લ્ડકપની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખવા આવતીકાલના મુકાબલામાં વિજય મેળવવો ફરજીયાત છે.
આઇસીસી વન-ડે વર્લ્ડકપમાં ભારતીય ટીમનો ૬માંથી પાંચ મેચમાં વિજય અને એકમાં પરાજય થયો છે. રવિવારે ઇંગ્લેન્ડ સામેની મેચ સાથે જ ભારતની વિજયકૂચનો અંત આવ્યો હતો. રાહતની વાત એ છે કે, ભારતને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માત્ર એક મેચમાં વિજય મેળવવાનો છે.
ભારત બંને મેચમાં હારે તો પણ તે સારી નેટ રનરેટના આધારે ચોથી ટીમ તરીકે સેમિફાઇનલમાં પ્રવેશી શકે છે. પરંતુ અફઘાનિસ્તાન અને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામેની મેચ સાથે જ ભારતની નબળાઇઓ છતી થઇ છે. જેમાં મુખ્ય સમસ્યા વિરાટ કોહલી-રોહિત શર્મા સિવાયના બેટ્સમેનોનું ફોર્મ છે.
લોકેશ રાહુલ શરૂઆતમાં ચમકારો બતાવ્યા બાદ કોઇ કમાલ કરી શક્યો નથી. ઇંગ્લેન્ડ સામેની મેચમાં લોકેશ ૯ બોલમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. જોકે, આવતીકાલની મેચમાં તેને ઓપનિંગમાં જાળવી રાખવામાં આવે તે નિશ્ચિત છે. રવિવારે ઇંગ્લેન્ડ સામે રમેલી ભારતીય ટીમમાંથી આવતીકાલના મુકાબલા માટે કેદાર જાધવને સ્થાને રવિન્દ્ર જાડેજાને સામેલ કરવામાં આવી શકે છે.
મહેન્દ્રસિંહ ધોની પાસેથી ભારતને તેની પ્રતિષ્ઠાને અનુરૂપ બેટિંગની આશા રહેશે. ધોનીએ ૬ ઇનિંગ્સમાં ૧૮૮ રન નોંધાવ્યા છે. બોલિંગમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શામી કમાલની બોલિંગ કરી રહ્યા છે. શામી ૩ મેચમાં ૧૩ વિકેટ ખેરવી ચૂક્યો છે. બાંગલાદેશની ટીમે ભારત સામે છેલ્લે ૨૧ જૂન ૨૦૧૫ના વિજય મેળવ્યો હતો. આ પછી બાંગલાદેશ સામેની ચારેય મેચમાં ભારતે વિજય મેળવ્યો છે.
સંભવિત ટીમ ઃ ભારત ઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), એમએસ ધોની, રિષભ પંત, હાર્દિક પંડયા, કેદાર જાધવ/રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, યુઝુવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ. બાંગલાદેશ ઃ લિટોન દાસ, તામિમ ઇકબાલ, શાકિબ અલ હસન, મુશ્ફિકર રહીમ, સૌમ્યા સરકાર, મહમુદુલ્લા, મોસાડ્ડેક હોસૈન, મોહમ્મદ સૈફુદ્દિન, મેહિદી હસન મિરાઝ, મશરફે મોર્તઝા, મુસ્તાફિઝુર રહમાન.
ભારતના અડધોઅડધ રન રોહિત-કોહલીએ કર્યા છે
ભારતે વન-ડે વર્લ્ડકપમાં કુલ ૧૭૧૬ રન નોંધાવ્યા છે. જેમાંથી રોહિત શર્માએ ૬ ઇનિંગ્સમાં ૪૪૦, વિરાટ કોહલીએ ૬ ઇનિંગ્સમાં ૩૮૨ રન એમ કુલ ૮૨૨ રન કરેલા છે. આમ, હરીફ ટીમોના એક્સ્ટ્રાને બાદ કરતાં ભારતના અડધોઅડ રન રોહિત શર્મા-વિરાટ કોહલીએ કર્યા છે. આ ઉપરથી ભારતીની ટીમ રોહિત-વિરાટ પર કેટલો મદાર રાખે છે તેનો અંદાજ મેળવી શકાય છે.
શાકિબના ૪૭૬ રન અને ૧૦ વિકેટ
બાંગલાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને વર્તમાન વર્લ્ડકપમાં ૬ ઇનિંગ્સમાં ૯૫.૨૦ની એવરેજથ ૪૭૬ રન કર્યા છે. જેમાં બે સદી-૩ અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બોલિંગમાં તે ૬ ઇનિંગ્સમાં ૩૦.૧૦ની એવરેજથ ૩૦૧ વિકેટ ખેરવી ચૂક્યો છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XKJWbj
No comments:
Post a Comment