
ગાંધીનગર,તા. 2 જુલાઈ 2019, મંગળવાર
ગુજરાતના ફેરફાર કરેલા વર્ષ ૨૦૧૯-૨૦ના અંદાજપત્રમાં સરકારી આવાસો બનાવવા માટે માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર-અમદાવાદ માં રૂપિયા ૩૩૩ કરોડના ખર્ચે ૧૫૩૨ સરકારી આવાસોનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત રૂપિયા ૪૫૦ કરોડના ખર્ચે વિવિધકક્ષાના સરકારી આવાસોનુ બાંધકામ કરવા માટે રૂપિયા ૧૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો ગાંધીનગરમાં રૂપિયા ૧૩૧ કરોડના ખર્ચે 'છ' ટાઇપના ૫૬૦ સરકારી આવાસોના ૨૦ ટાવર બાંધવા માટે રૂપિયા ૪૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યના પાટનગર તરીકે ગાંધીનગરની રચના કરવામાં આવી તે વખતે નગરની સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓ માટે સુવિધાસભર વિવિધ કક્ષાના સરકારી આવાસો બનાવવામાં આવ્યા હતા. જે તે વર્ગના કર્મચારીઓને તેમના પે સ્કેલ પ્રમાણે આ મકાનોની ફાળવણી કરવામાં આવતી હોય છે.
સ્થાપના કાળથી બનાવવામાં આવેલા આ સરકારી આવાસો કાળક્રમે જર્જરીત થઇ ગયા છે. જેથી વિભાગની મંજુરી લઇને પાટનગર યોજના વિભાગ દ્વારા આ સરકારી આવાસોને જમીન દોસ્ત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ નગરમાં હાઇરાઇઝ્ડ બિલ્ડીંગ બનાવીને ત્યાં સરકારી કોલોની ઉભી કરવામાં આવી રહી છે.
શહેરમાં સેક્ટર-૭, ૨૯ અને ૩૦માં આ પ્રકારે સરકારી લીફ્ટની સુવિધા સાથે સરકારી કોલોની બનાવવામાં આવી છે. તેમ છતાં પાંચ હજારથી વધુ કર્મચારીઓનું વેઇટીંગ છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા અન્ય સરકારી આવાસો સત્વરે જમીન દોસ્ત કરીને ત્યાં ટાવર ઉભા કરીને સરકારી કોલોની બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સેક્ટર-૬માં કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે વર્ષ ૨૦૧૯-૨૦ના ફેરફાર કરેલા અંદાજપત્રમાં પણ સરકારી આવાસો માટે ખાસ જોગવાઇ કરવામાં આવી છે.
આ અંગે નાણાં મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં છ ટાઇપના ૫૬૦ સરકારી આવાસો બનાવવામાં આવનાર છે. તે માટે ૨૦ ટાવર ઉભા કરવામાં આવશે. આ આ પ્રોજેક્ટ પાછળ ૧૩૧ કરોડના ખર્ચનો અંદાજ છે. જે માટે હાલ ૪૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગર - અમદાવાદમાં રૂપિયા ૩૩૩ કરોડના ખર્ચે ૧૫૩૨ સરકારી આવાસોનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ બંને શહેરોમાં ૪૫૦ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ કક્ષાના સરકારી આવાસોનું બાંધકામ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આ બજેટમાં ૧૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/307rPd6
No comments:
Post a Comment