હવે ફકત એક કોલ કરવાથી કોર્પોરેશન ઘરે છોડ વાવી જશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 June 2019

હવે ફકત એક કોલ કરવાથી કોર્પોરેશન ઘરે છોડ વાવી જશે


- છોડ ઉછેરવાની જવાબદારી મકાનમાલિકની રહેશેઃવધુમાં વધુ પાંચ છોડ આપવામાં આવશે

ગાંધીનગર, તા. 30 જૂન 2019, રવિવાર


રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરની હરીયાળી અન્ય શહેરો કરતાં નયનરમ્ય છે. શહેરમાં વધુને વધુ વૃક્ષો વવાય તે માટે તમામ તંત્રો કામ કરી રહયા છે. ત્યારે કોર્પોરેશન પણ આ ઝુંબેશમાં જોડાશે. કોર્પોરેશન તંત્રએ હવે ગાંધીનગર શહેરમાં એક કોલ કરવાથી વૃક્ષ વાવી જવાની યોજના અમલમાં મુકવા જઈ રહયું છે. જેમાં ઘરઆંગણે બેથી ત્રણ જેટલા વૃક્ષો કોર્પોરેશનની ટીમ આવીને વાવી જશે. જો કે ઉછેરની જવાબદારી પણ મકાન માલિક પાસેથી લેખિતમાં લેવાશે.

એક સમયે સમગ્ર એશિયામાં ગાંધીનગર શહેર સૌથી હરિયાળા શહેર તરીકે જાણીતું હતું પરંતુ વિકાસની આંધળી દોડમાં ગાંધીનગરમાં લીલાછમ વૃક્ષો નિકંદન થઈ જવાના કારણે શહેરની હરિયાળી ઘટી છે. તેમ છતા હાલ પણ અન્ય શહેરો કરતાં ગાંધીનગરમાં હરિયાળી જોવા મળે છે. પરંતુ આ હરિયાળીમાં વધુ ઉમેરો થાય તે માટે વન વિભાગની સાથે અન્ય તંત્રો પણ મથી રહયા છે. 


ગાંધીનગર કોર્પોરેશન પણ આ વખતે ચોમાસામાં ૧૧ હજાર જેટલા વૃક્ષો વાવવાનો ટાર્ગેટ સાથે આગળ વધી રહયું છે. જેના ભાગરૂપે હવે નાગરિકો પણ આ અભિયાનમાં જોડાય તે માટે ઘરે બેઠા વૃક્ષ વાવી આપવાની યોજના અમલમાં મુકવામાં આવનાર છે.

કોર્પોરેશન તંત્રના ફોન નંબર ૦૭૯-૨૩૨ ૨૨૭૧૮ ઉપર એક કોલ કરવાની સાથે જ કોર્પોરેશનના કર્મચારીઓ કયા પ્રકારના અને કેટલા વૃક્ષો વાવવા છે તેની વિગતો મેળવશે. ફોન કરનારના ઘરનું સરનામું લીધા બાદ બે દિવસમાં તેમના ઘરે છોડ રોપી આપવામાં આવશે. જો કે આ છોડ ઉછેરવાની જવાબદારી મકાનમાલિકની રહેશે.

કોર્પોરેશન તંત્ર વધુને વધુ પાંચ વૃક્ષ આપશે. જેમાં ગુલમહોર, ગરમાળો, પીન્કેશીયા, પેલ્ટોફોમ, કાશીદ, બોરસલ્લી, જાંબુ, લીમડા, કરંજ, ટબુબીયા, આસોપાલવ અને સેવનના વૃક્ષનો સમાવેશ કરાયો છે. ત્યારે અમલમાં કોર્પોરેશન દ્વારા અમલમાં મુકાનારી આ યોજનાથી ગાંધીનગરની હરિયાળીમાં વધારો થવાની સાથે જ શહેરના નાગરિકો પણ વૃક્ષો ઉછેર બાબતે સજાગ થશે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XiQH4F

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages