મુંબઈમાં સતત બીજા દિવસે મેઘરાજાની મહેરઃ છ ઈંચ વરસાદ પડયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 June 2019

મુંબઈમાં સતત બીજા દિવસે મેઘરાજાની મહેરઃ છ ઈંચ વરસાદ પડયો


મુંબઈ, તા.29 જૂન 2019, શનિવાર

મુંબઈ થાણેના લોકોને પ્રતીક્ષા કરાવ્યા બાદ વરસાદે આખરે જોરદાર હાજરી લાવ્યા બાદ આજે સળંગ બીજા દિવસે પણ મેઘરાજા સવાર સુધી મન મૂકીને વરસ્યા હતા. આથી બીજા દિવસે સળંગ મુંબઈમાં છ ઈંચ વરસાદ વરસ્યો હતો. જોકે બપોરથી વરસાદ હળવો પડયો હતો. દરમિયાન સવારે રેલવે અને વિમાન સેવા પર માઠી અસર પડી હતી. મધ્ય, પશ્ચિમ અને હાર્બર લોકલ સેવા ૨૦થી ૨૫ મિનિટ વિલંબથી દોડી હતી. વૃક્ષ પડવા, ઘર, દિવાલ સહિત વિવિધ દુર્ઘટના બની હતી. જેમાં બે જણ જખમી થયા હતા. કેટલાંક વાહનોને નુકસાન થયા હતા.

જ્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા હતા. મુંબઈ શહેરની નજીક આવેલા અંબરનાથ ખાતે રિક્ષા સ્ટેન્ડ પર વૃક્ષ પડતાં એક રિક્ષા ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. શહેર પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં પણ સારો વરસાદ પડતા નવા પાણીની આવક થઈ હતી. આવતાં અઠવાડિયે મંગળવારથી રવિવાર સુધી દરિયામાં ભરતી છે. મોજા ખૂબજ ઊંચે ઉછળશે. આ દરમિયાન મૂશળધાર વરસાદ વરસે તો શહેર જળબંબાકાર બને એવી શક્યતા છે.

આગામી ૨૪ કલાક દરમિયાન શહેરમાં પવન સુસવાટાભેર ફૂંકાશે તેમજ ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી આગાહી કોલાબા વેધશાળાએ કરી છે. આગામી ૨૪ કલાક મૂશળધાર વરસાદનું એલર્ટ જારી કર્યું છે. પણ સોમવારે વરસાદનું જોર હળવું થાય એવી શક્યતા એમ વેધશાળાએ જણાવ્યું હતું.

શુક્રવાર રાતે ૮.૩૦ વાગ્યાથી આજે શનિવાર રાતે ૮.૩૦ વાગ્યા સુધી વીતેલા ૨૪ કલાક દરમિયાન સાંતાક્રુઝમાં ૧૫૨ મિ.મિ. (૬ ઈંચ) અને કોલાબામાં ૮૫ મિ.મિ. (સાડા ત્રણ ઈંચ) વરસાદ વરસ્યો હતો.

શહેરમાં ૧૩ ઠેકાણે ઘર અને દિવાલ પડવાની અનેક ઘટના બની છે. એમાં ગોવંડી ખાતે ટાટાનગર, ભીમસેવા સંઘ ચાલમાં એક ઘરની દિવાલ ગુરુવારે મધરાતે ૧૨.૦૭ વાગે બની હતી. એમાં બે જુવાન જખમી થયા હતા. ઘાટકોપર ખાતે જાગૃતિનગરમાં સંરક્ષણ દિવાલ તૂટી પડતાં પાંચથી છ કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો.

અસલ્ફા ખાતે દિવાલ તૂટી પડતી હતી, કુર્લા (પ)માં જર્જરીત સાકીના મંજિલ ઈમારતનો અમુક હિસ્સો તૂટી પડયો હતો. ત્યારબાદ પાલિકાએ જોખમી ઈમારતને તોડી પાડી હતી. એમ પાલિકાના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું.

શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં પણ સારો વરસાદ વરસતા નવા પાણીના આવક વધી હતી.  પાણીની સપાટી વધવા લાગી છે. મુંબઈ શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. આથી બેસ્ટ ઉપક્રમે બસને અન્ય માર્ગે વાળવામાં આવ્યો હતો. હિંદમાતા, અંધેરી સબવે, મલાડ સબવે, સાકીનાકા, સાયન, માટુંગા, મિલન સબવે, મુલુંડ, ઘાટકોપર, બોરીવલી, અંધેરી એસ.વી. રોડ પર પાણી ભરાયા હતા. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક વાહન વ્યવહાર મંદગતિએ દોડયો હતો.

શહેરમાં ૧૦૪ વૃક્ષો તૂટી પડયા હતા. એમાં તળમુંબઈમાં ૨૬, પૂર્વ ઉપનગરમાં ૩૪ અને પશ્ચિમ ઉપનગરમાં ૪૪ વૃક્ષનો સમાવેશ થાય છે. શોર્ટ સર્કીટના ૩૯ કિસ્સા બન્યા હતા.

સવારે મૂશળધાર વરસાદને લીધે આજે પણ અનેક વિમાનના ઉડાણ વિલંબથી થયા હતા. એમ સૂત્રોએ જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xni8ep

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages