
ગાંધીનગર, તા. 29 જૂન 2019, શનિવાર
ગાંધીનગર શહેર નજીક છાલામાં ત્રણ વર્ષ અગાઉ મહિલા ઉપર જુની અદાવત રાખી પાવડા વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં ગાંધીનગર ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટે આરોપીને પાંચ વર્ષની કેદની સજા અને એક લાખ રૂપિયા દંડનો હુકમ કર્યો હતો. જેમાંથી ૯૦ હજાર રૂપિયા ઈજા પામનાર મહિલાને વળતર પેટે આપવાનો હુકમ કરાયો છે. આ કેસમાં સરકારી વકીલે ૧૧ સાહેદોને તપાસી કોર્ટે પાસે સખતમાં સખત સજાની માંગણી કરી હતી.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત તા.૯ નવેમ્બર ર૦૧૬ના રોજ છાલાથી જાખોરા જતાં એપ્રોચ રોડ ઉપર છાલા ગામમાં રહેતાં સુરેશભાઈ બાબુભાઈ પટેલે ત્યાંથી પસાર થતાં શારદાબેન અશ્વિનભાઈ પટેલને બે વર્ષની જુની અદાવતના કારણે તુ ઉભી રહે તેમ કહી..
મોટર સાયકલ ઉપર રાખેલા પાવડાના હાથાથી શારદાબેન ઉપર હુમલો કર્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સંદર્ભે ચિલોડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૨૫ અને ૩૦૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આઈ.જે.વોરાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યા સરકારી વકીલ પ્રિતેશ ડી.વ્યાસે ૧૧ સાહેદો તથા તબીબ અને ફરિયાદીની જુબાની લીધી હતી.
જેમાં તેમણે ધારદાર દલીલો કરી હતી કે આરોપીએ એક સ્ત્રીને આઠથી દસ લાકડાના ઘા મારીને જીવલેણ હુમલો કર્યો છે તેના કારણે ઓપરેશન દ્વારા હાથની આંગળીઓ જોડવી પડી છે જેથી આ આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટે આરોપીને આઈપીસી ૩૨૬ના ગુનામાં પાંચ વર્ષની સજા ફટકારી હતી અને એક લાખ રૂપિયા દંડનો હુકમ પણ કર્યો હતો. જેમાંથી ૯૦ હજાર રૂપિયા આ મહિલાને વળતર પેટે ચુકવવાનો આદેશ કર્યો છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LpKFYZ
No comments:
Post a Comment