ગાંધીનગર, તા. 4 મે 2019, શનિવાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના વિભાગો અને જનહિત સેવાઓ સાથે સંકળાયેલા તમામ વિભાગોના સ્ટ્રોન્ગ ડેટાબેઇઝથી સરકારી તંત્રની કાર્યપધ્ધતિનું એક જ ડેશ બોર્ડ CM ડેશ બોર્ડ પરથી સઘન મોનિટરીંગ કરવાની પ્રતિબધ્ધતા દોહરાવી છે.
ગત વર્ષે તા. 4 મે 2018ના શરૂ કરાયેલા CM ડેશ બોર્ડનું એક વર્ષ પૂર્ણ થવા પર વિજય રૂપાણીએ કહ્યું કે, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ પ્રવર્તમાન સમયની માંગ છે અને નાનામાં નાના માનવીની રજૂઆતના સત્વરે નિવારણ માટે આવી ટ્રેકિંગ પધ્ધતિ આવશ્યક બની છે. રાજ્ય સરકારની પ્રજાલક્ષી સેવાઓમાં ગુણવત્તા વધી છે તથા સુખાકારીના કામો ઝડપથી પૂર્ણ થયા છે. એટલું જ નહિ, પેન્ડન્સી લેવલ નીચું આવ્યું છે. સરકારના અધિકારીઓ જવાબદેહ બન્યા છે.
CM ડેશ બોર્ડનો વ્યાપ વિસ્તારીને તાલુકા સ્તર સુધીના અદના અરજદારની રજૂઆત પણ સીધી મુખ્યમંત્રી કક્ષાએથી મોનિટરીંગ થાય તેવી નેમ વ્યકત કરી હતી.
આ ટેકનોલોજી આધારિત સંપુર્ણ વ્યવસ્થા ઝીરો કોસ્ટીંગથી એટલે કે સરકારના જ વિભાગોએ વિકસાવેલી છે અને ગાંધીનગર બેઠાં જિલ્લા કક્ષાની વિગતો, વિભાગોની કામગીરીની માહિતી મેળવી શકાય છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ CM ડેશ બોર્ડના નવા આધુનિક તકનીકયુકત 2.0 વર્ઝનની હવે શરૂઆત થવાની છે તેની છણાવટ કરતાં જણાવ્યું કે અગાઉ 1700 જેટલા ઇન્ડીકેટરના સ્થાને હવે 3 હજારથી વધુ ઇન્ડીકેટર્સ આ ડેશ બોર્ડના કાર્યક્ષેત્રમાં જોડવાના છીયે.
તેમણે આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનથી માંડીને રેશનકાર્ડ સુધીની બધી સેવાઓ ઓનલાઇન કરીને પારદર્શી પ્રશાસનની સ્ટ્રીમ લાઇન વ્યવસ્થા વિકસાવવાની મનસા વ્યકત કરી હતી.
CM ડેશ બોર્ડ પરના જે વિભાગો છે તે વિભાગોને પ્રજાલક્ષી કામગીરી અને લક્ષ્યાંક સિધ્ધિ માટે સ્ટાર રેટિંગ આપવાની નવતર પહેલથી સ્પર્ધાનું વાતાવરણ બનશે જે સરવાળે સુશાસનની સંકલ્પબધ્ધતાને વધુ સંગીન બનાવશે.
મુખ્યમંત્રીએ CM ડેશ બોર્ડની એક વર્ષની સિધ્ધિની વિગતો આપતાં વધુમાં જણાવ્યું કે, ડેટા કલેકશનના વ્યાપમાં 196 સ્થાનેથી વધીને 563 સ્થાનો, 12પ ઓથોરિટીને બદલે 1200 ઓથોરિટી આવરી લેવાઇ છે. પ્રગતિ ગુજરાત અંતર્ગત 450ને સ્થાને હવે 1650 પ્રોજેકટ મોનિટરીંગ થાય છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ કમાન્ડ કંટ્રોલ યુનિટ દ્વારા પાંચ ‘C’ એટલે કે કમાન્ડ, કંટ્રોલ, કોમ્પ્યુટર, કોમ્યુનિકેશન અને કોમ્બેટના સમગ્ર કાર્યફલકથી રાજ્ય સરકારના વિભાગોની કામગીરી મોનિટરીંગ થાય છે.
એટલું જ નહિ રિયલ ટાઇમ પરફોમન્સ મેઝરિંગ સિસ્ટમ સાથે રાજ્ય, પ્રદેશ, જિલ્લા કક્ષા સુધીનું પરફોમન્સ મોનિરટીંગ પણ સઘન બન્યું છે. લોકોને મળતી સેવાઓનું ડિઝીટાઇઝેશન થતાં પારદર્શી પધ્ધતિએ લોકોને લાભ મળતા થયા છે.
CM ડેશ બોર્ડને પરિણામે E ધરા, સિટી સર્વે જેવા ક્ષેત્રોમાં દાખલાઓ આપવાની પેન્ડસીમાં માતબર ઘટાડો થયો છે. આયુષ્યમાન ભારત તહેતના લાભાર્થી ર6 લાખથી વધીને 43 લાખ થયા છે અને સોઇલ હેલ્થકાર્ડની સંખ્યા 37 લાખે પહોચી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VOFd7m
No comments:
Post a Comment