ધો.૧૦માં ૧૪૦૦ વિદ્યાર્થી CCTV કેમેરાનાં ચેકિંગમાં પકડાતા પરિણામ અનામત રહેશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 13 May 2019

ધો.૧૦માં ૧૪૦૦ વિદ્યાર્થી CCTV કેમેરાનાં ચેકિંગમાં પકડાતા પરિણામ અનામત રહેશે

અમદાવાદ,રવિવાર

ધો.૧૦ની બોર્ડ પરીક્ષા પુરી થયા બાદ તમામ જિલ્લાના તમામ કેન્દ્રોનું સીસીટીવી રેકોર્ડિંગની જીલ્લા સ્તરે ચેકિંગ કરવામા આવ્યુ હતુ અને તમામ જિલ્લામાં ચેકિંગ થયા બાદ ફાઈનલ રીપોર્ટ બોર્ડને પણ આપી દેવાયો છે.જે મુજબ રાજ્યના ૧૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ રીતે ચોરી કરતા સીસીટીવી રેકોર્ડિંગમાં ધ્યાને આવ્યા છે.જેથી આ તમામ વિદ્યાર્થીઓ સામે ગેરરીતિના કેસ નોંધવામા આવ્યા છે અને આ વિદ્યાર્થીઓના પરિણામ અનામત રહેશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા રાજ્યના ૧૦૦ ટકા સીસીટીવી કેન્દ્રો પર લેવામા આવે છે.દર વર્ષે બોર્ડની પરીક્ષા બાદ ગુજરાત શિક્ષણ બોર્ડના આદેશ મુજબ તમામ જીલ્લાના ડીઈઓની અધ્યક્ષતામાં એક કમિટી રચીને તમામ જિલ્લાના પરીક્ષા કેન્દ્રોનું સીસીટીવી રેકોર્ડિંગ ચેક કરવામા આવે છે.જેમાં ખાસ કરીને સંવેદનશીલ કેન્દ્રોના તમામ વિષયની પુરી કલાકની પરીક્ષાનું રેકોર્ડિંગ જોવા આવે છે જ્યારે બાકીના સેન્ટરોનું રેન્ડમલી થોડુ થોડુ રેકોર્ડિંગ ચેક કરાય છે.આ વર્ષે તો બોર્ડ દ્વારા વીડિયો રેકોર્ડિંગ ઉપરાંત ઓડિયો રેકોર્ડિંગનો પણ સમાવેશ કરાયો છે ત્યારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જો જવાબો લખાવવામા આવ્યા હશે તો તેનો અવાજ પણ રેકોર્ડિંગ પણ ચેકિંગમાં પકડાયો હશે.ધો.૧૨ સાયન્સ,ધો.૧૨ અને ધો.૧૦ની બોર્ડ પરીક્ષાના સીસીટીવી રેકોર્ડિંગને ચેક કરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.ધો.૧૨ સાયન્સમાં પરીક્ષામાં રૃબરૃ પકડાયેલા વિદ્યાર્થીઓના કોપી કેસ ઉપરાંત સીસીટીવી ચેકિંગમાં પણ કેટલાક કેસ નોંધાતા ૩૫૦થી વધુ કેસ થયા છે.

જ્યારે ધો.૧૦માં સૌથી વધુ ૧૪૦૦ જેટલા ગેરરીતિના કેસ સીસીટીવી રેકોર્ડિંગમાં પકાડાયા છે.તમામ જીલ્લાનું સીસીટીવી રેકોર્ડિંગ ચેક થયા બાદ હાલ બોર્ડને રીપોર્ટ આપી દેવાયો છે અને તમામ જિલ્લામાં કુલ મળીને ધો.૧૦માં ૧૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ રીતે ચોરી કરતા પકડાયા છે.બોર્ડ દ્વારા હાલ આ વિદ્યાર્થીઓનું પરિણામ અનામત રાખવામા આવ્યુ છે અને થોડા દિવસમાં જાહેર થનારા ધો.૧૦ના પરિણામ સમયે આ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામા નહી આવે. પરિણામ બાદ આ વિદ્યાર્થીઓને રૃબરૃ સુનાવણી માટે બોલાવવામા આવશે. જેમાં વિદ્યાર્થીઓના નિવેદન-જવાબો બાદ તેઓને શું સજા કરવી તેનો નિર્ણય લેવાશે.પરંતુ પરિણામ બાદ પાંચથીછ દિવસ દરમિયાન રોજરોજનું હિયરીંગ રાખીને ૧૫૦થી૨૦૦ વિદ્યાર્થીને એક સાથે બોલાવીને તાકીદે હીયરિંગ પૂર્ણ કરી દેવાશે અને જે વિદ્યાર્થીને એકથી બે વિષયમાં નાપાસની સજા થઈ હશે તેઓનું પરિણામ જાહેર કરીને જુલાઈની પુરક પરીક્ષામાં બેસવાની તક અપાશે.આ ૧૪૦૦ કેસ ઉપરાંત બોર્ડની પરીક્ષા સમયે સ્કવોર્ડ દ્વારા રૃબરૃમાં પકડાયેલા ૧૧૯ વિદ્યાર્થીઓ  છે.જેઓની સામે પણ ગેરરીતિના કેસ નોંધવામા આવ્યા છે અને આ વિદ્યાર્થીઓનું પરિણામ પણ જાહેર નહી કરાય.આમ કુલ ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ અનામત રહેશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W0bzfC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages