(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 25 મે 2019, શનિવાર
મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. દરમિયાન, બંધ બજારે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ધીમો સુધારો બતાવી રહ્યા હતા.
વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઘટાડે ફંડ બાઈંગ બતાવતા હતા. વિશ્વબજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ નીચો ઉતરતાં વૈશ્વિક સ્તરે સોનામાં ઘટાડે ફંડવાળા એકટીવ રહ્યાની ચર્ચા હતી. ઘરઆંગણે પણ આજે કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયો ઉંચકાયો હતો. જ્યારે ડોલરના ભાવમાં ઘટાડો આગળ વધ્યાના સમાચાર હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૬૯.૫૩ વાળા ઘટી રૂ.૬૯.૩૮થી ૬૯.૩૯ આસપાસ બોલાઈ રહ્યા હતા.
ઘરઆંગણે શેરબજારમાં તેજી આવતાં તથા દરીયાપારનું ભંડોળ બજારમાં વિશેષ આવતાં ઘરઆંગણે કરન્સી બજારમાં આજે બંધ બજારો રૂપિયો ઉંચો બોલાઈ રહ્યો હતો જ્યારે ડોલરના ભાવ નરમ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં વિદેશી હુંડિયામણની અનામતો- રિઝર્વમાં આશરે બે અબજ ડોલરનો ઘટાડો તાજેતરમાં થયો છે. આવું રિઝર્વ ૨.૦૫૭ અબજ ડોલર ઘટી ૪૧૭.૯૯૮ અબજ ડોલર થયાના સમાચાર હતા. આવું રિઝર્વ ઘટવા છતાં કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ નરમ રહ્યા હતા જ્યારે રૂપિયો ઉંચો બોલાઈ રહ્યો હતો.
દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઘટતા અટકી ધીમા સુધારા વચ્ચે ઔંશના સપ્તાહના અંતે ૧૨૮૪.૭૫થી ૧૨૮૫ ડોલર રહ્યાના સમાચાર હતા. સોના પાછળ વિશ્વબજારમાં ચાંદીના ભાવ પણ ઘટયા પછી ફરી વધી છેલ્લે ૧૪.૫૮ ડોલર બોલાઈ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૫૯૦ વાળા રૂ.૩૧૬૨૫ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૭૧૭ વાળા રૂ.૩૧૭૭૫ બોલાતા હતા.
જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ૯૯૯ના રૂ.૩૬૨૮૫ વાળા રૂ.૩૬૩૦૦થી ૩૬૩૫૦ બોલાતા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ રૂ.૩૭૫૦૦થી ૩૭૫૫૦ આસપાસ બોલાઈ રહ્યા હતા.
વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ વધી સપ્તાહના અંતે ૮૦૬ ડોલરની સપાટી કુદાવી ગયા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી છેલ્લે ૧૩૩૫.૬૦થી ૧૩૩૫.૭૦ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ આંચકા પચાવી તળીયેથી વધતાં તેની અસર પણ વૈશ્વિક સ્તરે સોનાના ભાવ પર દેખાઈ હતી.
વિશ્વબજારમાં બ્રેન્ટક્રુડના ભાવ બેરલદીઠ ૬૮.૫૫થી ૬૮.૬૦ ડોલરવાળા ઉંચામાં ૬૯.૨૫થી ૬૯.૩૦ ડોલર સુધી પહોંચ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ ૫૮.૬૦ ડોલરથી વધી ઉંચામાં ૫૯ ડોલરની ઉપર ગયાના વાવડ હતા. ડોલરની પીછેહટના પગલે વિશ્વબજારમાં ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સમાં પણ ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું.
ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ સપ્તાહના અંતે ૦.૭૦થી ૦.૭૫ ટકા ઉંચા રહ્યા હતા. આના પગલે લંડન એક્સચેન્જમાં કોપરના ભાવ જે તાજેતરમાં ટનના ત્રણ મહિનાની ડિલીવરીના ૬૦૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા તે હવે આવતાં સપ્તાહમાં ફરી ૬૦૦૦ ડોલરની ઉપર જવાની શક્યતા વિશ્વબજારના ખેલાડીઓ બતાવી રહ્યા હતા. દરમિયાન, ચીન તથા અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે.
ચીનની મોટી કંપની સામે અમેરિકાએ મોરચો માંડતા આ તણાવ વધુ વધ્યો છે. આ પ્રશ્ને હવે આવતા સપ્તાહમાં નવા બનાવો કેવા બને છે તેના પર વિશ્વના બજારોની નજર રહી છે. બ્રિટનમાં વડાપ્રધાને રાજીનામું આપ્યા પછી યુરો સામે બ્રિટીશ પાઉન્ડ ઘટતો અટકી વધી આવ્યો છે સામે ડોલર નીચો ઉતર્યો છે. આની અસર હવે ઘરઆંગણે કરન્સી બજારમાં આવતા સપ્તાહમાં જોવા મળશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EyFmSL
No comments:
Post a Comment