
હિન્દુ તહેવારોનું માર્કેટીંગ થતું આવ્યું છે. આવતી કાલે અખાત્રીજ છે. અખાત્રીજ જેવો પવિત્ર તહેવાર પણ માર્કેટીંગની ઝપટમાં આવી ગયો છે. અખાત્રીજ અને સોનાને કોઇ નિસ્બત નથી છતાં સોનાની ખરીદી માટે લોકો લાઇન લગાવે છે અને મૂહર્ત શોધતા હોય છે. અખાત્રીજ એટલે સોનું નહીં પણ દાન એમ સમજવા કોઇ તૈયાર નથી. હકીકતે તો દાન આપવા માટે લાઇન હોવી જોઇએ.
સોનાની ખરીદીનું માર્કેટીંગ ભૂત એવું ધૂણાવવામાં આવ્યું કે લોકો એ ભૂલી ગયા કે આ દિવસે ભગવાન કૃષ્ણનો બાળપણનો મિત્ર સુદામા વર્ષો પછી ભગવાનને મળવા જાય છે. તેની સાસે ભગવાનને આપવા જેવું કશું નથી હોતું એટલે તે થોડા ભાત લઇને ભગવાન પાસે જાય છે. ( જે દર્શાવે છે કે ભગવાન પાસે ખાલી હાથે ના જવું જોઇએ). આ પ્રસંગ ધાર્મિક દ્રષ્ટીએ ખુબ રસપ્રદ છે.
સુદામાની પત્ની વારંવાર સુદામાને ટોકે છે. અંતે સુદામા જ્યારે ભગવાનના ઘરના ધ્વારે પહોંચે છેે ત્યારે ગેટ પરનો ચોકીદાર આ લઘર-વઘર કપડાં પહેરેલા માણસને બહાર ઉભો રાખીને અંદર પૂછવા જાય છે કે સુદામા નામનો કોઇ મળવા આવ્યો છે. નામ સાંભળતાજ ભગવાનના કાન ચમકે છે અને તે સીધાજ બહાર દોડે છે અને પોતાના બાળપણના મિત્રને મળવા ગેટ તરફ દોડે છે.
પોતાના માલિકને જ્યારે ખુલ્લા પગે ગેટ તરફ દોડતા જોઇને ચોકીદારો પણ પાછળ દોડવા લાગે છે. જ્યારે કૃષ્ણ સુદામાંને ભેટે છે ત્યારે ભગવાનનો આખો મહેલ સ્તબ્ધ થઇ જાય છે. કોઇને ખબર નથી હોતી કે આ સુદામાં કોણ છે અને પોતાના માલિક તેને શા માટે ભેટે છે? જ્યારે બધાને સાચી વાતની ખબર પડે છે ત્યારે સૌના આંખમાં આંસુ આવી જાય છે.
કથાકારો જ્યારે કૃષ્ણ-સુદામા મિલાપની વાત કરે છે ત્યારે શ્રધ્ધાળુઓને રડાવી દે છે. અખાત્રીજનો દિવસ જૈન સમાજ માટે પણ મહત્વનો છે કેમકે આ દિવસે ભગવાન રુષભનાથે શેરડીનો રસ પીને એક વર્ષના ઉપવાસ છોડયા હતા.
આપણને સોનું ખરીદવાની વાતો તરફ વાળીને એ હકીકત તરફ ધ્યાન ના ખેંચાવા દીધું કે આ દિવસે સતયુગનો અંત આવ્યો હતો અને ત્રેતા યુગની શરુઆત થઇ હતી. સતયુગની પવિત્રતા આજે પણ લોકો યાદ કરે છે. હવે ફરી પાછો સતયુગ ક્યારે આવશે તેની કોઇને ખબર નથી. પૃથ્વી પરથી સવર્ણ યુગ સમાન સતયુગનો અંત આવ્યો હતો.ત્યાર બાદ પૃથ્વી અનેક રીતે દૂષિત થવા લાગી હતી. ત્રેતા યુગમાંં ભગવાન વિષ્ણુનો ભગવાન રામ તરીકે જન્મ થયો હતો.
જ્યારે પાંડવોને વનવાસ થયો ત્યારે ભગવાન કૃષ્ણએ તેમને અક્ષય પાત્ર આપ્યું હતું જે ક્યારેય ખાલી ના થાય તેવું ચમત્કારીક હતું. આ વાતને સમૃધ્ધિ સાથે જોડી દેવામાં આવી છે અનેે એમ કહેવાયું કે જે સોનાની ખરીદી કરે તેની સમૃધ્ધિ સતત વધ્યા કરે છે.
આ દિવસે ભગવાન વિષ્ણુનો છ્ઠ્ઠો અવતાર ભગવાન પરશુરામનો પણ જન્મ થયો હતો. આ દિવસે ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું. કથાકારો આ દિવસને કૃષ્ણ-સુદામો મિલન તરીકે વધુ ઉજવે છે.
અખાત્રીજે જે સોનું ખરીદવાની વાત છે એ ૩૨,૦૦૦ રુપિયાની આસપાસ છે. બે અઢી તોલાની બે બંગડી ઘડામણ સાથે દેાઢ લાખ રુપિયામાં પડી શકે છે. તેના બદલે થોડી રકમ કોઇ ધાર્મિક સ્થળે દાન આપવાનું વિચારવું જોઇએ.
લાંબા સમયથી આપણે અખાત્રીજ ઉજવતા આવીએ છીએ પણ આ પવિત્ર દિવસે દાન આપવાનું ભાગ્યેજ વિચારતા હોઇએ છીએ. આપણને સોનાની ખરીદી સાથે જોડી દેવામાં આવ્યા છે. અખાત્રીજ એ દાન આપીને પુણ્ય ખરીદવાનો દિવસ છે.
દરેક ધાર્મિક તહેવારો મધ્યમ વર્ગને વત્તે ઓછે અંશે બચત કરતાં પણ શીખવાડે છે. અખા૬ીજે ખરીદેલું સોનું બેવડું થાય છે એ વાત પણ માર્કેટીંગનો એક ભાગ છે. ગયા વર્ષે એટલેકે ૨૦૧૮ ૭મી મે ના રોજ સોનાનો ભાવ ૩૧,૫૬૫ હતો. ટૂંકમાં ગયા વર્ષે જેણે અખાત્રીજે સોનું ખરીધ્યું છે તેમને કોઇ ખાસ લાભ થયો નથી.
માર્કેટીંગનો પ્રભાવ એટલો મોટા પાયે છે કે સોનું ખરીદવા તરફ સૌ આકર્ષાય તે સ્વભાવિક છે પરંતુ એટલું યાદ રાખવું કે અખાત્રીજ દાન-દક્ષિણા સાથે સંકળાયેલી છે નહીં કે સોનાની ખરીદી સાથે.
આશા રાખીએ કે આવતી કાલની અખા ત્રીજ તમારા જીવનમાં સુખ, સમૃધ્ધિ અને આરોગ્ય સુખાકારી લાવે..
- પ્રસંગપટ
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vETjK4
No comments:
Post a Comment