'તપેલા' હું મેં, ઈસ દુનિયા મેં કોઈ 'સ્વાર્થી' હૈ તો મેરા સાયા... તપેલા હું મેં... પથુકાકા ધોમધખતા તાપમાં આ હાથબનાવટનું ગીત ગાતા ગાતા આવ્યા ત્યારે મેં કહ્યું કે ગીત તો સરખું ગાવ? ગીતના શબ્દો છેઃ અકેલા હું મેં, ઈસ દુનિયા મેં કોઈ સાથી હૈ તો મેરા સાયા...
પથુકાકા ખોંખારો ખાઈ કપાળેથી પરસેવો લૂંછીને બોલ્યા કે આ ગીતના મૂળ શબ્દો અકેલા અને સાથી મેં બદલીને તપેલા અને સ્વાર્થી શબ્દ ઉમેર્યા એનો અર્થ તને ન સમજાયો? તો સાંભળ બળબળતા તડકામાં આપણે તપીને જતા હોઈએ ત્યારે આપણો છાયો પડે એ આપણને કામ ન આવે, છાંયો પાછળ પડે કે આગળ પડે પણ આપણો છાંયો આપણને કામનો નહીં. એટલે જ ગાઊં છું તપેલા હું મેં... ઈસ દુનિયા મેં કોઈ 'સ્વાર્થી' હૈ તો મેરા સાંયા...
મેં આ વાત સાંભળી કાકાનેપૂછ્યું કે 'ગઈ કાલે બપોરે તમે અને કાકી દવાખાનેથી ચાલીને આવતા હતા ત્યારે શેરીને બે-ત્રણ ટેણિયા સાથે શું માથાકૂટ થઈ હતી?' પથુકાકા આજુબાજુ (હો) બાળાકાકી નથી એની ખાતરી કરી બોલ્યા 'એવું થયુંને કે હું અને તારી કાકી ખરે તડકે હાલતા હાલતા ઘરે આવતા હતા. તો ખબર છે તારી કાકીના શરીરનો ઘેરાવો કેવો છે? ચારેબાજુથી ગોળમટોળ એટલે કે 'ઓલ-રાઉન્ડર' બોડીવાળા કાકી ધીમે ધીમે આવતા હતા ત્યાં બે-ચાર મસ્તીખોર ટેણિયા ધીમે ધીમે ગુસપુસ કરતા કાકીની પાછળ ચાલવા લાગ્યા.
કાકીને ખબર પડતા તાડૂક્યા 'એય તોફાની બારક્સો... મારી વાંહે.... વાંહે કેમ હાલો છો?' આ સાંભળી એક સ્માર્ટ ટેણિયાએ જવાબ આપ્યો કે 'અમે વાંહે... વાંહે ક્યાં હાલીએ છીએ? અમે તો (તમારા) છાંયે છાંયે હાલીએ છીએ... હા... હા... હા... એમાં વળી એક દોઢડાહ્યો કાકીને ખીજવવા ગાવા માંડયો તું જહાં જહાં ચલેગા (કે ચલેગી) મેરા સાંયા સાથ હોતા...'
આ સાંભળીને મેં કહ્યું કે 'તમે તો ટીખળ કરી' કે ટેણિયાઓએ કહ્યુંકે અમે તો છાંયે છાંયે હાલીએ છીએ... પણ સાચું કહું? વડીલો અને વડલો બેઉ બીજાને છાંયો આપે છે. એટલે જ કહું છું જે ઘરમાં સચવાય નહીં વડીલો ત્યાં પછી અંદરોઅંદર લડીલો, બીજું શું? વડીલોના છાંયા વગર તાપ પણ સહેવો પડે અને સંતાપ પણ ખમવો પડે. જેને છાયાની કિંમત નથી સમજાતી એ જ વડીલોને વૃદ્ધાશ્રમમાં ધકેલે છે, સાચું કે નહીં?'
ભરઉનાળે કોઈ બપોરે બહાર નીકળવાની હિંમત ન કરે, પણ કાકાનો જીવ એવો ઉત્પાતીયો કે બપોરેય પગ વાળીને બેસે નહીં. પોતે તો હેરાન થાય પણ બીજાનેય કનડે. ગઈ કાલની જ વાત કરૂં. બપોરે જમીને હું માંડ આડે પડખે થયો હતો ત્યાં કાકા આવી ચડયા. મને કહેકે 'હાલ મારી ભેગો, આપણાં એક ઓળખીતાની પ્રાર્થનાસભામાં જાવું છે. તું સ્કૂટર કાઢ.' મેં કહ્યું આવા તડકામાં નીકળીને જો મરશુંને તો આપણી પ્રાર્થનાસભા ગોઠવવી પડશે, જરા તાપ તો જુઓ.' પણ કાકા માન્યા નહીં, હઠ કરી એટલે છેવટે નમતું જોખી હું તૈયાર થયો.
બહાર નીકળી કમ્પાઉન્ડમાં સ્કૂટર પાર્ક કર્યું હતું ત્યાં ગયા સ્કૂટર સ્ટેન્ડ ઉપરથી ઉતારીને હજી તો દરવાજા તરફ દોરીને જાઉં એ પહેલાં તો કાકા પટ્ટ કરતા સ્કૂટરની પાછલી સીટ પર બેઠા. પણ બેસતાની સાથે જ ચીસ પાડી ઉઠયા 'ઓય માડી રે... ચોંટી ગયો રે... આવી ધગધગતી ગરમ ગાદી છે એ કહેવાય નહીં?' મેં ગાદી સાથે ચોંટી ગયેલી પથુકાકાની 'અનામત બેઠક' તરફ જોઈ ખરખરો કરતા કહ્યું કે 'તમારી ઉતાવળ જ નડે છે એ અનુભવ કર્યોને? શાદી અને ગાદીમાં ઉતાવળ કરોને તો 'પાછળથી' બળતરા સહન કરવાનો વારો આવે શું સમજ્યા?'
મારી વાત સાંભળી આ મુદ્દાને જરાક રાજકીય રંગ આપતા કાકા બોલ્યા 'મારી જેવાં આ ગરમ ગાદી પર બેસી નથી શક્તા અને ઓલા ગાદીપ્રેમીઓ જુઓ? બેઠા બેઠા ગાદી ગરમ કર્યા કરે છે, પણ ઊઠવાનું નામ નથી લેતા. એટલે જ હું કાયમ જોડકણું સંભળાવું છું કેઃ
ગંદા રાજકારણ ખેલવાની આઝાદીએ
ખાઈકી ખટપટ અને દંભીઓની ખાદીએ
દાટ વાળી નાખ્યો છે દેશનો
ગડબડ ગોટાળા અને આ ગાદીએ
ખોટી જગ્યાએ દાઝેલા પથુકાકાને મેં જરા છાંયે ઉભા રાખી ટાઢા પાડતા કહ્યું કે 'હશે હવે, આવાં ભરઉનાળે આખા દેશમાં ધગધગતી ગરમીમાં બધા દાઝે છે. એમાં આકળા ન થઈ જાવ.'પથુકાકા વળી બરાડયા મારી એ જ તો બળતરા છેને? આપણી જેવાં દેશવાસીઓએ બસ દાઝતા જ રહેવાનું? શું આને દેશ-દાઝ કહેવાય?
મેં કાકાને કહ્યું કે તમે દેશ-દાઝની અને ગરમીની વાત કરો છે પણ મહારાષ્ટ્રના વિદર્ભમાં કેવી આગ વરસે છે ખબર છે? બપોરે તડકામાં ઘરનો ઓટલો એવો તપી જાય છે. ઢોસાનું ખીરૂ પાથરો તો ઢોસો તૈયાર થઈ જાય અને ઈંડુ ફોડો તો આમલેટ થઈ જાય.'
મારી વાત સાંભળતાની સાથે જ કાકા બોલી ઉઠયા આવી ગરમીમાં ચૂંટણીની ગરમી ભળી છે એટલે બધા રાજકારણીઓ વિદર્ભની જેમ ખુલ્લમખુલ્લા પોતપોતાની રોટલી શેકવા જ નીકળી પડયા છેને? પણ એ રોટલી શેકુઓને કોઈએ મારૂં આ જોડકણું સંભળાવવું જોઈએ કેઃ
ખુલ્લમખુલ્લા ભલે શેકો રોટલી
પણ યાદ રાખો, જનતાના
હાથમાં છે તમારી ચોટલી
મેં ટાપશી પૂરી કે રાજકારણીઓ પોતપોતાની રોટલી શેકવા ગમે તેમ કરી વોટ પડાવવાની હાયવોય કરે એને રોટલી નહીં પણ શુંકહેવાય ખબર છે? વોટલી. પછી આ રોટલી શેકવાવાળા એક મેં ઓર એક તું દોનો મીલે ઈસ તરહ...ગીતના રાગમાં લલકારતા જાય 'શેક મેં ઔર શેક તું...દોનો જલે ઈસ તરહ ઔર જો તનમન મેં હો રહા હૈ... યે તો હોના હી થા... અંદરને અંદર બળતરા તો થાય જને?
પથુકાકા કહે કે આવી ગરમીમાં એરકંડિશન નથી કામ કરતા ત્યાં ગ્રામ-વિસ્તારમાં ચાલતા એક વૃદ્ધાશ્રમમાં વડીલો પંખા વગર કેવાં હેરાન થતા હશે? એવુંવિચારીને અમારામંડળવાળા ત્યાં બાર પંખા આપવા ગયા. પંખા ફરતા થયા અને હવા આવવા માંડી ત્યારે બધા એવાં રાજી થયા! એક બુઢા બાપાએ તો આર્શીવાદ આપતા કહ્યું કે અમારા પેટના જણ્યા છોકરાઓએ અમને ન સાચવ્યા એટલું તમે સાચવો છો. કોને કહેવું? આજ હવા જ એવી ચાલે છે કે પોતાના થાય પારકા અને તમારી જેવા પારકા સાથે રિશ્તા બંધાય પ્યાર કા...
અમે વૃદ્ધાશ્રમમાંથી બહાર નીકળ્યા ત્યારે એવી ગરમીઅને લૂ વરસે. ત્યાંના સ્થાનિક કાર્યકરેકહ્યું કે જાળવજો લૂ ન લાગી જાય. સન-સ્ટ્રોક લાગવાનું બહુ જોખમ છે' ત્યારે મેં એ કાર્યકરને કહ્યું કે 'તમારા વૃદ્ધાશ્રમમાં જે વડીલોને સગા દિકરા (સન) ઉઠીને ધકેલી દે છે એને પણ સન-સ્ટ્રોક કહેવાયને?'
ઉનાળાની જ ગરમી હોય છે એવું નથી. કોઈને પૈસાની ગરમી હોય તો કોઈને સત્તાની ગરમી હોય, કોઈને રૂપની ગરમી હોય તો કોઈને પદની ગરમી હોય હમણાં જ એક ફાઈવ સ્ટાર હોટેલની પાર્ટીમાં ગયો. પાર્ટીમાં વગર ધોયે ચડી જાય એવાં ટૂંકા વસ્ત્રોમાં હોટ... હોટ હોટર-પદમણીઓ ધૂમતી હતી, ઝૂમતી હતી અને ચૂમતી હતી. આ પાર્ટી છેક ભારતીય ધૂમતા પાર્ટી, ઝૂમતા પાર્ટી કે ચૂમતા પાર્ટી એ જ ખબર ન પડે. હું તો બાધાની જેમ આ બધો ખેલ જોતો હતો.
ત્યાં એક હોટ લેડી મારી પાસે ધસી આવી અને અંગ્રેજીમાં પૂછ્યું 'અંકલ વ્હેરઈઝ લૂ? ટેલ મી વ્હેર ઈઝ લૂ?' મેં તો જરા મુંઝાઈને કહ્યું 'લૂ તો અમારા સૌરાષ્ટ્રમાં લાગે. મુંબઈમાં લૂની ખબર નથી.' આ સાંભળી ખડખડાટ હસીને લેડીએ ટચલી આંગળીનો ઈશારો કરી કહ્યું કે હું આ લૂ ક્યાં છે.એ પૂછું છું ત્યારે મારા ભેજામાં બત્તી થઈ અને ડાબી તરફ બાથરૂમ છે એમ કહેતાની સાથે જ લેડી લૂ તરફ દોડી અને હું ઉલ્લૂની જેમ જોતો રહ્યો.
હમણાં ઉનાળાના વેકેશનમાં સૌરાષ્ટ્ર મેલમાં મુંબઈ આવતો હતો. કોણ જાણે પાણીની તંગીને લીધે ટ્રેનમાં પૂરૂં પાણી ભરાયું નહીં હોય. પેસેન્જરોએ બૂમાબૂમ કરી મૂકી કે ટોઈલેટમાંય પાણી નથી, શું અમારે ડ્રાય-ક્લિનીંગ કરવાનું? છેવટે વિરમગામ સ્ટેશન આવતા રેલવે વાળા પાણી ભરવા માંડયા. લગભગ અડધો કલાક નીકળી ગયો.
વિલંબથી કંટાળેલા એક 'સૌરાષ્ટ્ર ફિમેલે' બારીમાંથી ડોકું કાઢી ખાખી વરદીધારી પોલીસને પૂછ્યું કે 'હે ભાઈ? કહે તો ખરો કે આ મેલ ક્યારે છૂટશે? પોલીસે જવાબ આપ્યો 'માજી ધીરજ રાખો, પાણી વિના મેલ નહીં નીકળે.' પોલીસે ભલે કહ્યું કે પાણી વિના મેલ નહીં નીકળે. પણ અમુક મેલ તો પાણીથીય ક્યાં નીકળે છે? મારી બાજુમાં બેઠેલા પથુકાકા બોલ્યા 'ઉનાળાની ગરમીમાં જેમા પાણી-કાપ મૂકાય છે એમ ચૂંટણી (પ્રચાર)ની ગરમીમાં 'વાણી-કાપ' કેમ નહીં મૂકાતો હોય?'
સમર વેકેશનમાં સોસાયટીના બાળકોને લઈ પક્ષી અભયારણ્યમાં ગયો. આ... હા... હા... જાતજાતના પક્ષી હતા. વોઈસ ઓફ લતા કોયલ, કારપેન્ટરી ગળથુંથીમાં શીખીને આવેલા લક્કડખોદ, લાલાશ પડતી ઝાંયવાળા પોપટ (પોપટ-લાલ) અને પથુકાકાને ગમે એવા નામવાળા 'કાકા-કૌઆ' અને રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલનો તો જાણે કોઈ પાર જ નહીં.
બેન્કની એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં ઓફિસરોની બદલી થાય એમ ઝાડની એક બ્રાન્ચ (ડાળી) પરથી બીજી બ્રાન્ચ પર ટેસથી ઠેકાઠેક કરતા આ બધા પક્ષીઓને જોઈ એક ટેણિયાએ કહ્યું 'અંકલ આટલા બધા જુદી જુદી જાતના પક્ષીઓ છે છતાં કેવાં હળીમળીને રહે છે?' મેં કહ્યું 'બેટા પક્ષાપક્ષીથી દૂર રહે એનું નામ જ સાચા પક્ષી.
બાકી દિલ્હીમાં જુદા જુદા પક્ષના પક્ષીઓ ભેગા થઈને સર્વ-પક્ષી-અભયારણ્યમાં કેવો દેકારો મચાવે છે?' આ વાત ચાલતી હતી ત્યાં ક્યાંકથી આખો કાળા રંગનો જંગલી કાગડો પથુકાકાને જાણે ઓળખતો હોય એમ કા... કા કા-કા કરતો આવ્યો અને બે-ચાર પક્ષીઓને ચાંચ મારી ઉડાડી મૂક્યા. આ જોઈ એક બાળકે પૂછ્યું 'અંકલ આ કયુ પક્ષી?' મેં જવાબ આપ્યો 'એ પક્ષી નહી વિપક્ષી કહેવાય.'
પક્ષી અભયારણ્યમાં બેથી ત્રણ મોર ઝાડ પાછળથી નીકળ્યા અને મે...આવ મે... આવ એવો ગહેકાટ કરવા માંડયા. એક ટાબરિયો બોલ્યો 'અંકલ આ મોરને ક્યો મન્થ ચાલે છે એ પણ ખબર છે, મે...આવ મે...આવ કરે છે' મેં કહ્યું મોર તો વરસાદને બોલાવે છે વરસાદને એટલે મે આવ મે આવ કરે છે.
આ સાંભળી પથુકાકાએ ડબકું મૂક્યું કે 'બધા વરસાદને ઝંખે છે વરસાદને સંસારના 'સમર' આંગણની ગરમીમાં કાયમ રાડારાડ કરતી વહુનો જ સાદ સંભળાતો હોય છે. બિચ્ચારા વરનો સાદ ક્યાં સંભળાય છે? એટલે જ કાયમ તપેલી રહેતી વહુનાં વહુ-સાદને બદલે લોકો વર-સાદ ઝંખે છે વર-સાદ.'
અસહ્ય ગરમીમાં તબિયત બગડતા હું ડૉકટર પાસે ગયો. મારી આગળ એક મીઠડા પારસી સજ્જન બેઠા હતા. એ સજ્જન ડૉકટરને પોતાના ઘરે વિઝીટે લઈ જવા આવ્યા હતા. ડૉક્ટરે પૂછ્યું ઘરે કોણમાંદુ છે? પારસીબાબાએ કહ્યું મારી ધનિયાની (કોથમીર નહીં ધણિયાણી) ઘન્ની સીક છે. સન-સ્ટ્રોક લાગ્યા પછી રોજ એ ટપી જાય છે.' રમૂજી ડૉકટરે સવાલ કર્યો 'તમારી મીસીસ રોજ ટપી જાય છે.એટલે શું એ પહેલાં સરકસમાં હતા? વારંવાર કેપ ટપી જાય છે?' પારસીબાબાએ ખુલાસો કર્યો કે 'ટપી જાય છે એટલે બોડી હોટ રહે છે, એટલે કહ્યું ટપી (તપી) જાય છે, કાયમ 'ટપેલી' જ રહે છે બોલો.'
આ સાંભળી પથુકાકાએ તો તત્કાળ એક જોડકણું ફફડાવી દીધું ઃ
હાય હાય ગરમી કેવી વધેલી છે
પતિ તપેલા ને પત્ની તપેલી છે.
અંત-વાણી
રામ જાય રમી
એવી પડે ગ-રમી
** ** **
દુનિયામાં કયાંય ખીસ્સા
ગરમ કર્યા વિના થાય નહીં કામ
એને જ સહુએ આપ્યું
ગ્લોબલ વોર્મિંગનું નામ.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jjros2
No comments:
Post a Comment